કોહલી-અનુષ્કા ગુપચુપ રીતે અહીં આવ્યા, દર્શન કરી આશીર્વાદ લીધા

ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજકાલ ક્રિકેટથી દૂર પોતાના પરિવાર સાથે વેકેશનની મજા માણી રહ્યો છે. કોહલી પત્ની અનુષ્કા શર્માની સાથે વૃંદાવનમાં બાંકે બિહારીના દર્શન કરવા માટે પહોંચ્યો હતો. કોહલી અને અનુષ્કાના ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે. વિરાટ કોહલીએ પોતાની આ રજાઓને સંપૂર્ણ રીતે પ્રાઈવેટ રાખી છે. તે આ વખતે માત્ર ધાર્મિક યાત્રા પર છે અને તેણે સંપૂર્ણ રીતે મીડિયાથી દૂરી બનાવીને રાખી છે.

ક્રિકેટર વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા શર્માએ પોતાની આ યાત્રા દરમિયાન બાબા નીમ કરોરીના આશ્રમમાં પહોંચ્યા હતા. તેમના મેનેજરે જાણકારી આપતા કહ્યું કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ સમયે ધાર્મિક યાત્રા પર છે. કોહલી-અનુષ્કાને બુધવારે બપોરે વૃંદાવન પહોંચવાનું હતું પરંતુ તેઓ નક્કી કરેલા સમયના ત્રણ કલાક પહેલા જ અહીં પહોંચી ગયા હતાં. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ બાબા નીમ કરૌરી આશ્રમમાં દર્શન કર્યા. તેમણે સમાધિ સ્થળ પર પહોંચીને ધ્યાન પણ કર્યું હતું.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આશરે 1 કલાક સુધી આશ્રમમાં રોકાયા હતા. જણાવી દઈએ કે ભારતીય ટીમના સ્ટાર પ્લેયર વિરાટ કોહલીએ થોડા સમય માટે ક્રિકેટમાંથી આરામ લીધો છે. કોહલી હાલમાં જ બાંગ્લાદેશના પ્રવાસેથી પાછો ફર્યો છે. તેણે ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશ વિરુદ્ધ વનડે અને ટેસ્ટ મેચની સીરિઝ પણ રમી હતી. વનડે સીરિઝમાં કોહલી જબરજસ્ત ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે ચટગામની વનડે મેચમાં 113 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.

ભારતીય ટીમે આ નવા વર્ષની શરૂઆત શ્રીલંકા વિરુદ્ધ સ્થાનિક T20 સીરિઝથી કરી છે. પરંતુ આ સીરિઝમાં વિરાટ કોહલીને પસંદ કરવામાં નથી આવ્યો. કોહલીને આ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો છે. પરંતુ T20 પછી ટીમ ઈન્ડિયા અને શ્રીલંકાની વચ્ચે ત્રણ વનડે મેચની સીરિઝ પણ રમાવાની છે. આ સીરિઝ માટે ટીમમાં કોહલીની પસંદગી કરવામાં આવી છે.

વનડે સીરિઝ માટે ભારતીય સ્ક્વોડમાં રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), ઈશાન કિશન(વિકેટકીપર), હાર્દિક પંડ્યા(વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીતબુમરાહ, મો. શમી, મોં. સિરાઝ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહને સામેલ કરવામાં આવ્યા છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી વનડે 10 જાન્યુઆરી ગુવાહાટીમાં, બીજી 12 જાન્યુઆરી કોલકાતામાં અને ત્રીજી વનડે મેચ 15 જાન્યુઆરીના તિરુવનંતપુરમ ખાતે રમાવાની છે.