રિક્ષામાં મળી જાણીતા એક્ટરની લાશ, ગુજરાન ચલાવવાના પૂરતા પૈસા પણ નહોતા!

મુંબઈ\ચેન્નઈઃ તમિળ એક્ટર વિરુત્છગાકાંતની ડેડબોડી ચેન્નઈની એક ઓટોમાં મળી આવી હતી. લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવવાનો પ્રયાસ કરતા એક્ટરના મોતથી તમામ લોકો હેરાન છે. કહેવાય છે કે એક્ટરને ઉંઘમાં જ હાર્ટ અટેક આવી ગયો હતો. વિરુત્છગાકાંત છેલ્લાં ઘણાં સમયથી આર્થિક તંગીનો સામનો કરતો હતો. રિપોર્ટ પ્રમાણે, માતા-પિતાના નિધન બાદ એક્ટરની માનસિક હાલત ઘણી જ ખરાબ હતી.

કહેવાય છે કે પૈસાની અછતને કારણે એક્ટર અનેકવાર રસ્તાની વચ્ચે પાર્ક થયેલી રીક્ષામાં સૂઈ જતો હતો. આટલું જ નહીં ઘણીવાર તે મંદિરમાં રાત પસાર કરતો હતો. આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે માત્ર માનસિક જ નહીં, પરંતુ શારીરિક રીતે પણ તેનામાં નબળાઈ આવી ગઈ હતી.

રિપોર્ટ્સ પ્રમાણે, થોડાં વર્ષ પહેલાં ડિરેક્ટર સાઈ ધીનાએ વિરુત્છગાકાંતને મંદિરમાં જોયો હતો અને પછી તેને ઘરે લઈ આવ્યો હતો. સાઈ ધીનાએ સો.મીડિયામાં મદદ પણ માગી હતી. જોકે, કોઈએ મદદ કરી નહોતી અને કામ પમ આપ્યું નહોતું.

વિરુત્કછાગાકાંત 2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાધલ’માં જોવા મળ્યો હતો. ફિલ્મમાં તેણે સ્ટ્રગલિંગ એક્ટરની ભૂમિકા ભજવી હતી. જોકે, આ ફિલ્મ બાદ વિરુત્કછાગાકાંતને કોઈ ફિલ્મ મળી નહોતી. કામ મેળવવા માટે તેણે ઘણાં પ્રયાસો કર્યા હતા. જોકે, સફળતા મળી નહોતી. વિરુત્કછાગાકાંતના નિધન બાદ ઇન્ડસ્ટ્રીએ શોક વ્યક્ત કર્યો હતો.