નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની 13 એવી તસવીરો, જે જોઈને તમને થશે આશ્ચર્ય

ગુજરાતના નવા સીએમના નામની જાહેરાત થઈ ચૂકી છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા સીએમ બન્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે છેલ્લી ઘડી સુધી ખુદ ભૂપેન્દ્ર પટેલને નહોતી ખબર કે તે સીએમ બનવાના છે. તેઓ બપોરના સમયે બોપલમાં વૃક્ષારોપણના એક નાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. બરોબર તેના ચાર કલાક પછી તેમને સીએમ બનાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં તેમના પરિવારજનોને પણ ટીવી પર સમાચાર સાંભળીને ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યાની ખબર પડી હતી.

ભૂપેન્દ્ર પટેલ ખૂબ જ મૃદુભાષી અને સરળ માણસ છે. સાદગીને વરેલા ભૂપેન્દ્ર પટેલ અસલ અમદાવાદી છે. સાદું ભોજન લેવા ટેવાયેલા ભૂપેન્દ્રભાઇ રોજ કલાક પૂજા કરે છે અને દાદા ભગવાન પંથમાં માને છે. કાર્યકર્તાઓ અને મિત્રોમાં તેઓ દાદા તરીકે જાણીતા છે.

15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલનો અભ્યાસ ધો. 12 પાસ સુધીનો જ છે. વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તારમાં કલ્હાર રોડ પરની આર્યમાન રેસિ.માં રહે છે ઔડાના ચેરમેન તરીકે એસ.પી. રિંગ રોડને અડીને આવેલા વિસ્તારોમાં સૌથી મહત્ત્વની ભૂમિકા હતી.

સિવિલ એન્જિનિયરિંગ ભણનારા ભૂપેન્દ્રભાઇ 1988થી કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા છે. તેમના પત્ની હેતલબેન સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે 2000ની સાલ સુધી તેઓ ફ્લેટની સ્કીમો બનાવીને સારું કમાયા. જોકે 2001માં ભૂકંપ આવ્યા પછી તેમના તૈયાર ફ્લેટો ન વેચાતાં તેઓ ફાઇનાન્સિયલી ડિસ્ટર્બ થઇ ગયા હતા. 10 વર્ષે તેમનો ધંધો પાટે ચડ્યો હતો.

ભૂપેન્દ્રભાઇનાં પત્ની હેતલબેન તેમનાં માતા-પિતાના એકના એક સંતાન હોઇ તેમના પિતાના અવસાન પછી તેમનાં માતા હાલમાં તેમની સાથે જ રહે છે. છેલ્લાં 15 વર્ષથી સાથે રહેતા ભૂપેન્દ્રભાઇનાં સાસુ હાલમાં એકદમ સ્વસ્થ છે અને તેઓ તેમને દીકરાની જેમ રાખે છે.

ભૂપેન્દ્ર પટેલ 1984માં હેતલબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. તેમને એક દીકરો છે, જે એન્જિનિયર છે, જ્યારે દીકરી ડેન્ટિસ્ટ છે. તેમના પિતા અમદાવાદ પોલિટેક્નિકમાં પ્રિન્સિપલ હતા.

જોકે ઘરમાં જરૂરિયાત જણાતાં જે-તે સમયે અમદાવાદ દરિયાપુરમાં વસતા ભૂપેન્દ્રભાઇએ ગાંધીરોડ પરથી હોલસેલમાં ફટાકડા લાવીને દરિયાપુરની ધતુરાની પોળમાં 1988માં તેનો ધંધો પણ કર્યો છે.

તેઓ 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા, જે ગુજરાતમાં સૌથી મોટી લીડ હતી.

ભૂપેન્દ્રભાઈ 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા હતા.

તે પછી તેઓ 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે.

જ્યારે ભૂપેન્દ્ર પટેલે 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો છે.