વડોદરામાં મહિલાએ બ્રેકને બદલે દબાવી દીધું એક્સલરેટર, કાર ઊછળી સીધી શો રૂમમાં ઘૂસી ગઈ અને પછી…

એક શોકિંગ અને ચોંકાવનાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા શહેરના અલકાપુરી બી.પી.સી રોડ પર ગત રાત્રે એક મહિલા કારચાલકે કારને એટલું જોરથી એક્સલરેટર આપ્યું હતું કે કાર ક્રોકરી શો રૂમનાં પાંચ પગથિયાં ચડી શો રૂમનો કાચ તોડી અંદર ઘૂસી ગઇ હતી. શો રૂમના માલિકે આ મામલે કારચાલક સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ઘટનાના 20 કલાક બાદ પણ મહિલાની ઓળખ થઈ નથી
ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ. એમ.કે. ગુર્જરે જણાવ્યું હતું કે, ક્રોકરી શો-રૂમમાં કાર ઘુસાડનાર મહિલાની ઓળખ અને અટકાયત હજુ બાકી છે. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે. CCTV ફૂટેજના આધારે મહિલાની ઓળખ કરવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, ગોત્રી પોલીસ ઘટનાના 20 કલાક બાદ પણ મહિલાની ઓળખ કે અટકાયત કરી શકી નથી.

મહિલા આવીને ગાડી પાર્ક કરવા જતી હતી
વડોદરાના અલકાપુરીમાં બી.પી.સી. રોડ પર ક્રિષ્ના ક્રોકરી શો રૂમ આવ્યો છે, જ્યાં ગત રાત્રે એક મહિલા ખરીદી કરવા માટે રેનોલ્ટ ક્વિડ કાર (GJ 06 PC 2661) લઇને આવી હતી. મહિલા જેવી કાર લઇને શો રૂમના પાર્કિંગમાં આવી કે તેણે એટલું જોરથી એક્સલરેટર દબાવ્યું હતું કે કાર ઊછળીને શો રૂમનાં પાંચ પગથિયાં ચડી શો રૂમનો કાચ તોડી અંદર ઘૂસી ગઇ હતી.

ધડાકો થતાં બધા ગભરાઈ ગયા
આ બનાવને પગલે ક્રિષ્ના ક્રોકરીના માલિક મહેશભાઈ સિંધાણી અને સ્ટાફના માણસો ગભરાઈ ગયા હતા અને એકદમ શું ધડાકો થયો એ જોવા માટે દોડી આવ્યા હતા. આ સમગ્ર બનાવ શો રૂમમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. કાર ઘૂસી જતાં શો રૂમમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે. તેમજ આ મામલે મહિલા કારચાલક સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

અગાઉ ટ્રક ટોલ પ્લાઝામાં ઘૂસી ગઈ હતી
એક મહિના પહેલાં જ વડોદરા જિલ્લાના કરજણ ટોલ પ્લાઝા પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા હતા. વડોદરાથી સુરત જતા નેશનલ હાઈવે નં-48 પર કરજણ પાસે ટોલ પ્લાઝા આવેલો છે. સાંજે 4.07 વાગ્યે એક પૂરપાટ ઝડપે ધસમસતી ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગઇ હતી. આ સમયે ટોલ પ્લાઝામાં હાજર તમામ કર્મચારીઓ ગભરાઈ ગયા હતા. ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી જતાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ટોલ પ્લાઝાના કર્મચારીઓ માંડ-માંડ બચ્યા
કર્મચારીઓ પોતપોતાનાં કામમાં વ્યસ્ત હતા. કેટલાક લોકો ટોલ પ્લાઝાની ઓફિસની બહાર નીકળી રહ્યા હતા. આ સમયે અચાનક ટ્રક ઓફિસમાં ઘૂસી આવતાં કર્મચારીઓને શું કરવું અને ક્યાં જવું એનો પણ સમય મળ્યો નહોતો. કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી અને ટોલ પ્લાઝાના કર્મચારીઓએ માંડ માંડ જીવ બચાવ્યો હતો.