મહિલાએ 24 મુસાફરોના જીવ બચાવ્યા, જાતે બસ હંકારી બસને ખીણમાં પડતાં બચાવી

પુણેમાં એક ઘણી જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘણી જ ઝડપથી દોડતી સરકારી બસના ડ્રાઈવરને અચાનક જ વાઈ આવી હતી અને તે સ્ટીયરિંગ સીટ પરથી પડી ગયો. બસ બેકાબૂ થઈને ખીણમાં પડવાની જ હતી કે બસમાં સવાર એક મહિલાએ અદમ્ય સાહસ દાખવીને 24 લોકોના જીવ બચાવ્યા. મહિલાએ સ્ફૂર્તિ દેખાડીને બસનું સ્ટીયરિંગ સંભાળ્યું અને બસને ખીણમાં પડતાં બચાવી હતી. મહિલાની આ સાહસિકતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ બસ ચલાવતાં નજરે પડે છે.

સાહસનું આ ઉદાહરણ પૂરું પાડ્યું છે પુણેમાં રહેતાં યોગિતા ધર્મેન્દ્ર સાતવ નામની મહિલાએ. 42 વર્ષનાં યોગિતાએ ન માત્ર બસને ખીણમાં ખાબકતાં ઉગારી, પરંતુ તેમણે 10 કિલોમીટર સુધી બસ ચલાવીને તમામ યાત્રિકોને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યાં. એટલું જ નહીં, બસના ડ્રાઈવરને સારવાર માટે એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ દાખલ કરાવ્યો.

યોગિતાએ જણાવ્યું હતું કે તેઓ કાર ચલાવવાનું જાણતાં હતાં, પરંતુ ક્યારેય બસ ચલાવી નહોતી. ડ્રાઈવર અને અન્ય યાત્રીઓના જીવ ખતરામાં જોતાં બસ ચલાવવાનો નિર્ણય લીધો. મૂર્છિત ડ્રાઈવરને સાઈડમાં કર્યો અને એ પછી બસનું સ્ટીયરિંગ સંભાળ્યું. સૌથી પહેલા ડ્રાઈવરને સારવારની જરૂર હતી. તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યો અને પછી અન્ય સાથી મહિલા યાત્રિકોને તેના ડેસ્ટિનેશન સુધી પહોંચાડ્યા.

જાણકારી મુજબ, પુણેના વાઘોલીની 23 મહિલાનું ગ્રુપ 7 જાન્યુઆરીએ શિરુર તાલુકાના મોરાચી ચિંચોલીમાં ફરવા માટે ગયું હતું ત્યારે જ આ ઘટના ઘટી હતી. આ દરમિયાન ડ્રાઈવરને વાઈ આવતાં તે પડી ગયો હતો. બસમાં સવાર મહિલાઓ અને તેમની સાથેનાં બાળકો જ્યારે ડરી ગયાં અને બૂમો પાડવા લાગ્યાં તેમજ રડવાનું શરૂ કર્યું. ત્યારે યોગિતાએ બસનું સ્ટીયરિંગ સંભાળ્યું હતું અને તેને ચલાવતાં ગામડે સુધી લઈ ગયાં હતાં.

અહીં જ તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં ડ્રાઈવરને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. હાલ ડ્રાઈવરની સ્થિતિ સારી છે અને ડોકટર્સનું કહેવું છે કે તેને ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવશે. સંકટના સમયે યોગિતાએ બસનું સુકાન સંભાળ્યું અને જે રીતે ડ્રાઈવર તેમજ બીજી મહિલાઓનો જીવ બચાવ્યો, ત્યારે યોગિતાના અદમ્ય સાહસ બદલ ચારેબાજુથી તેમની પ્રશંસા થઈ રહી છે.

યોગિતાએ જણાવ્યું હતું કે તેને 10 કિલોમીટર સુધી બસ ચલાવીને એમાં સવાર તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. વાઘોલી ગામના પૂર્વ સરપંચ જયશ્રી સાતવ પાટીલે પોતાના સહયોગી અને પિક્નિકના આયોજક આશા વાઘમારેની સાથે યોગિતા સાતવના ઘરે જઈને તેમને સન્માનિત કર્યાં. જયશ્રી સાતવનું કહેવું છે કે ફોર-વ્હીકલ તો ઘણી મહિલાઓ ચલાવે છે, પરંતુ ગંભીર પરિસ્થિતિમાં બસ ચલાવીને જે કામ વાઘોલીના યોગિતા સાતવે કર્યું છે એ હકીકતમાં હિંમતનું કામ છે. તેમણે પુરવાર કરી દીધું કે સમાજમાં મહિલાઓ કોઈપણ લેવલ નબળી નથી.