અમીરો પણ શરમાઈ જાય એવા રાજાશાહી ઠાઠથી જીવે છે સરપંચ, કાળી કમાણીનો હવે ખુલ્યો ભેદ

મધ્ય પ્રદેશના રીવા લોકાયુક્ત પોલીસે બૈજનાથ ગામની સરપંચ સુધા સિંહના ઘર પર દરોડા પાડ્યા હતાં. દરોડા પડ્યાના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં ગામના લોકો ઉમટી પડ્યાં હતાં અને સમગ્ર ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આવકથી વધુ સંપત્તિ હોવાની ફરિયાદ મળતાં જ લોકાયુક્તે દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ટીમે મંગળવારે સવારે 4 જગ્યાએ દરોડા પાડ્યો હોવાનું માહિતી સામે આવી હતી.

બૈજનાથ ગામની મહિલા સરપંચના અત્યાર સુધી 2 બંગલા હોવાનું જાણવા મળ્યું છે. બૈજનાથ ગામમાં 1 એકરમાં તો વૈભવી બંગલો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સ્વિમિંગ પૂલ પણ છે. દરોડા પાડનાર લોકાયુક્તની ટીમ આ બધું જોઈ ચોંકી ઊઠી હતી. બીજું ઘર ગોડહર સ્થિત શારદાપુરમમાં છે. બંને જગ્યાઓ પર તપાસ ચાલુ હોવાની માહિતી મળી છે.

સરપંચના નામે 2 ક્રશર પ્લાન્ટ પણ છે જ્યાં હાલ તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં 30 વાહન પણ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં જેસીબી, ચેન માઉન્ટેન મશીન, ફોર-વ્હીલર વગેરેનો સમાવેશ થાય છે. લગભગ 10 કરોડની સંપત્તિ અત્યાર સુધી સામે આવી છે.

લોકાયુક્તના SP રાજેન્દ્ર કુમાર વર્માએ જણાવ્યું હતું કે, અલગ અલગ ટીમો 4 સ્થળે કાર્યવાહી કરી રહી છે. સંપત્તિની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ ઓપરેશન લાંબા સમય સુધી ચાલે તેવી સંભાવના છે.

મહિલા સરપંચની સંપત્તિ જોઈને ગામના લોકો ચોંકી ઉઠ્યા હતાં. લોકોને એજ નહોતું સમજાતું કે મહિલા સરપંચે આટલી બધી કમાણી કેવી રીતે કરી લીધી. લોકાયુક્તને ઘણી ફરિયાદો મળી હતી ત્યાર બાદ તેની તપાસ કરવામાં આવી પછી જ આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી.