આ ડ્રાઈવરે એ સ્પીડમાં કાર ચલાવી કે બે ઘડી માટે તો પોલીસ પણ મૂંઝાઈ ગઈ

શું તમે હોલીવુડની ફિલ્મ ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ’ જોઇ છે? આ આકર્ષક કાર રેસિંગ ફિલ્મ જેવું દ્રશ્ય ગુરુવારે રાત્રે જયપુરના રસ્તામાં જોવા મળ્યા હતા. પોલીસ શહેરમાં જોખમી રીતે ચાલતી ડસ્ટર કારને પકડવા માંગતી હતી ત્યારે તેણે કારની ગતિ ઝડપી કરી હતી ત્યારે ભાગતી કારે પોલીસની નાકાબંધી તોડી નાખી હતી. આ દરમિયાન કાર ડિવાઇડર સાથે અથડાતા તેનું ટાયર ફાટી ગયુ હતુ, તેથી તેણે રિમની મદદથી કાર ચલાવી હતી.

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ કાર શહેરમાં 1 કલાક સુધી દોડતી રહી હતી. 13 પોલીસ સ્ટેશનના 100 થી વધુ પોલીસકર્મીઓ તેને પકડવામાં નિષ્ફળ ગયા. છેવટે, એક જગ્યાએ રસ્તો બ્લોક હોવાને કારણે તેને પકડી શકાયો હતો. જો કે આ દરમિયાન કારમાં બેઠેલા આરોપીના બે મિત્રો પણ નાસી છૂટયા હતા.

60 મિનિટમાં કાર શહેરના રસ્તાઓ પર 50 કિ.મી. દોડી
શહેરમાં ગુરુવારે રાત્રે 1 વાગ્યે આ કારની ધમાચકડી શરૂ થઈ હતી. પીછો કરી રહેલી પોલીસની બે ગાડીઓને ટક્કર મારી હતી. મોતીદુંગરી રોડ પર નાકાબંધી માટે લગાવેલાં બેરિકેડેસ ઉડાવ્યા હતા. આ ટક્કરને કારણે ફરજ પર રહેલા કોન્સ્ટેબલના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. કારની આગળનું ટાયર રોડ ડિવાઇડર સાથે અથડાઈને ફાટી ગયુ, પરંતુ કાર અટકી નહીં. લોખંડની રિમ રસ્તા પર ઘસાવાને કારણે તણખા ઝર્યા હતા.

કારને રોકવા માટે શહેરના 13 પોલીસ સ્ટેશનોમાંથી 100 જેટલા પોલીસ જવાનને બોલાવાયા હતા. રાત્રે 2 વાગ્યે એમઆઈ રોડ પર કારે ખાસાકોઠીથી સર્કિટ હાઉસમાં ઉભેલી અલવરના ધારાસભ્યની કારને ટક્કર મારી હતી. જ્યારે આગળનો રસ્તો બ્લોક હોવાને કારણે કાર આગળ વધી શકી નહીં. ત્યારબાદ પોલીસે કારના ચાલકને પકડી પાડ્યો હતો.

પિતાની કાર લઈને ફરવા નીકળ્યો હતો યુવક
વિધાયકપુરી પોલીસે કાર ચલાવનારા યુવકને પકડી લીધો હતો. ત્યારબાદ મોતીડુંગરી પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આરોપી રોમિક ભામૂ (25) ઝુનઝુનુ જિલ્લાના અલીપુરનો રહેવાસી છે. તે એક ઓનલાઇન એજ્યુકેશન એપ્લિકેશન કંપનીમાં કામ કરે છે. તેણે જણાવ્યું કે ગુરુવારે રાત્રે તે તેના પિતાની કાર લઈને જયપુર ફરવા માટે નીકળ્યો હતો. કારમાં તેના મિત્રો હિતેશ અને મનીષ પણ હતા. ત્રણેય નાહરગઢ કિલ્લા પર જવા માંગતા હતા.

ડ્રાઈવિંગ લાયસન્સ ન હોવાને કારણે પહેલી નાકાબંધી તોડી
જયપુર-સીકર હાઈવે પર રાત્રે 1 વાગ્યે હરમદા વિસ્તારમાં પોલીસે નાકાબંધી કરી હતી. આરોપીએ જણાવ્યું હતું કે તેની પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હતુ, તેથી તેણે નાકાબંધી તોડી કાર આગળ લઈ ગયો હતો. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે કારમાં બેઠેલા ત્રણેય લોકો પણ નશામાં હતા.

આ વિસ્તારોમાં કાર તેજ ગતિએ દોડી
નાકાબંધી તોડવા પર વિશ્વકર્મા પોલીસ મથકે કારને રોકવા માટે સૂચના આપવામાં આવી હતી. વિશ્વકર્મા પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસકર્મીઓએ કારને રોકવા માટે પ્રયાસ કર્યો, પરંતુ કાર ઝડપી હોવાથી તેઓ તેને રોકી શક્યા નહીં. આ પછી, સીકર રોડથી વિદ્યાધર નગર, શાસ્ત્રી નગર, બ્રાસ ફેક્ટરી, પાણીપેચ ચાર રસ્તા, બનીપાર્ક થઈને જયસિંહ હાઇવે પર પહોંચ્યો હતો. અહીંથી ઈલેક્ટ્રી સર્કલ ખાસાકોઠી ચાર રસ્તાથી અશોક નગર સ્થિત અહિંસા સર્કલ પહોંચ્યો હતો.

આ પછી કાર સ્ટેચ્યુ સર્કલ, નારાયણસિંહ સર્કલ, ત્રિમૂર્તિ સર્કલ, મોતી ડુંગરી સર્કલ પર પહોંચી હતી. ત્યાં બેરીકેડને ટક્કર મારીને મોતીડુંગરી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રતનરામને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ કાર ગુરુદ્વારા વળાંક, ટ્રાન્સપોર્ટ નગર, એમઆઈ રોડ થઈને રાત્રે 2 વાગ્યે સર્કિટ હાઉસ પર પહોંચી હતી. જ્યાં અલવરના એક ધારાસભ્યની કારને ધડાકાભેર અથડાઇ હતી. રસ્તો આગળ બંધ હોવાથી પીછો કરી રહેલાં એએસઆઈ મુકેશકુમારે આરોપી રોમિકને પકડ્યો હતો.