સુરતમાં OYO હોટલમાં રાતે સુઈ ગયા બાદ યુવતી સવારે ઉઠી જ નહીં, સિવિલમાં જાહેર કરાઈ મૃત - Real Gujarat

સુરતમાં OYO હોટલમાં રાતે સુઈ ગયા બાદ યુવતી સવારે ઉઠી જ નહીં, સિવિલમાં જાહેર કરાઈ મૃત

સુરત: કોરોનાની મહામારીમાં ગુજરાતીઓએ થર્ટી ફર્સ્ટની ઉજવણી અલગ-અલગ રીતે કરી હતી ત્યારે સુરતમાં નવા વર્ષને સેલિબ્રેશન કરવા માટે સાથે કામ કરતા યુવક સાથે પીપલોદની ઓયો હોટલમાં ગયેલી યુવતીનું શંકાસ્પદ મોત થયું હતું. યુવકે આ અંગે યુવતીના પરિવારને જાણ કરી તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. યુવતીનું મોત થતાં યુવક રડી પડ્યો હતો. નોંધનીય છે કે, યુવતી પારિવારિક સંબંધી એવા યુવક સાથે નવા વર્ષના સેલિબ્રેશન કરવા માટે હોટલમાં ગઈ હતી જ્યાં રાતે સુઈ ગયા બાદ સવારે ઉઠી નહોતી.

હાલ યુવતીના મોતને લઈને ભારે રહસ્ય સર્જાયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. જોકે પોસ્ટમોર્ટમ બાદ પણ મોતનું કારણ અકબંધ રહ્યું છે. કેમિકલ અને હિસ્થોપેથો માટે સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે અને મૃત્યુનું કારણ હાલ પેન્ડિંગ છે.

કતારગામ વિસ્તારમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં તન્વી ભાદાણી પરિવાર સાથે રહેતી હતી. તન્વી હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વી પારિવારિક સંબંધી પંકજ ગોહિલ નામના યુવકના સંપર્કમાં હતી જે અંગે તેનો પરિવાર પણ જાણતો હતો. જોકે થર્ટી ફર્સ્ટની રાતે નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં ગયાં હતાં અને ત્યાં રોકાયા હતાં.

મૃતક યુવતી સાથે હોટલ રૂમમાં રહેલો પંકજ ગોહિલ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. પંકજ ગોહિલ સાથે હોટલમાં નવા વર્ષની ઉજવણી કર્યા બાદ સવારે તન્વી ઊંઘમાંથી ઉઠી ન હતી તે ગભરાઈ ગયો હતો અને યુવતીના પરિવારને જાણ કરી હતી ત્યાર બાદ તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. તન્વી અને પંકજે હોટલ ઓયોના ચોથા માળે 410 નંબરના રૂમમાં રોકાયા હતાં.

મૃતક તન્વીના પિતા દિલીપભાઈ ભાદાણી ડાયમંડ પાર્ટ્સની દુકાન ચલાવે છે. તન્વી પરિવારની એકની એક દીકરી હતી. તન્વી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી જેથી તે હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વીના રહસ્યમય મોતને લઈ પરિવારમાં હાલ માતમ છવાયેલો છે. જોકે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.

ઓયો હોટલના મેનેજરના જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટની રાતે તન્વીના નામ પર જ રૂમ બૂક કરવામાં આવ્યો હતો. હોટલ તરફથી કોઈ સેલિબ્રેશન કરવામાં આવ્યું ન હતું. પરંતુ આ તેમનું પર્સનલ સેલિબ્રેશન હતું. બંનેએ 410 નંબરના રૂમમાં રાત્રિ રોકાણ કર્યું હતું. યુવતી હોટલમાં એન્ટર થઈ તે સીસીટીવીમાં કેદ થયું હતું.

તન્વી સાથે રૂમમાં રોકાયેલા પંકજ ગોહિલે જણાવ્યું કે, તન્વીની મારી સાથે કામ કરતી હતી. અમે ન્યુ યરની ઉજવણી માટે ઓયો હોટલમાં ગયા હતા. રાત્રે કેક કાપી એક વાગ્યા આસપાસ સૂઈ ગયા હતા. સવારે આઠ વાગ્યે તેણીને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તે જાગી નહોતી. જેથી તેના માતા-પિતાને ફોન કરી બોલાવી લીધા હતા. ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તન્વીને મૃત જાહેર કરવામાં આવી હતી. તેણીના શ્વાસ ચાલતા ન હતા જેથી હું ગભરાઈ ગયો અને તાત્કાલિક તેના માતા-પિતાને જાણ કરી હતી.

You cannot copy content of this page