યુવતીએ જીવનની મંગલ શરૂઆત કરતા પહેલા અભ્યાસને મહત્વ આપ્યું, કોલેજની પરીક્ષા આપી

રાજકોટના ધોરાજીનાં સૂપેડી ગામે લગ્ન યોજાય તે પહેલા એક યુવતીએ પરીક્ષા આપીને દાખલો બેસાડ્યો કે લગ્ન જેટલું જ મહત્ત્વ કારકિર્દી અને શિક્ષણનું છે. જે દિવસે યુવતીના લગ્ન ગોઠવાયા હતા તે દિવસે જ તેની પરીક્ષા હતી. તેથી લગ્નના દિવસે જ પ્રભુતામાં પગલા પાડે તે પહેલા યુવતીએ દુલ્હનના શણગારમાં કોલેજની પરીક્ષા આપી હતી. પરીક્ષા આપ્યા બાદ યુવતીએ લગ્ન મંડપમાં ફેરા ફર્યા હતા. લગ્ન પહેલા પરીક્ષા આપીને સૂપેડીની યુવતીએ સમાજને નવો રાહ ચિંધ્યો છે.

ધોરાજીના સૂપેડી ગામે દલિત જ્ઞાતિ સમાજનો બીજો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 11 નવ દંપતીઓ લગ્ન જીવનના તાતણે બંધાયા. પણ તેમાં એક યુવતી તમામથી અલગ તરી આવી. આ યુવતીનું નામ છે ચાંદની દાણીધારીયા. સૂપેડીની ચાંદનીએ લગ્નના સોળે શણગાર સજીને જીવનની મંગલ શરૂઆત કરતા પહેલા અભ્યાસને મહત્વ આપ્યું.

પોતાના લગ્નમંડપમાં જતા પહેલા ઉપલેટામાં આવેલી ભાલોડિયા મહિલા કોલેજમાં પોતાની એસ.વાય.બી.એ.ના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી. પરીક્ષા આપ્યા બાદ પરત સૂપેડી પોતાના લગ્નમંડપમાં આવીને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. શિક્ષણ માટેની તેની આ જાગૃતતાને સહપાઠીઓ અને પ્રોફેસરોએ પણ બિરદાવી હતી.

ચાંદનીના પિતા કિરણદાસ દાણીધારીયાએ જણાવ્યું કે, મેં મારી દીકરીને ક્યારેય અભ્યાસની બાબતમાં ક્યારેય કોઈ રોકટોક કરી નથી. ચાંદનીને અભ્યાસ માટેની તમામ સગવડો આપી છે. શુક્રવારે દીકરીના લગ્નની તારીખ અને પરીક્ષાની તારીખ એક જ દિવસે આવી હતી. પણ ચાંદનીને લગ્નમંડપમાં આવતા પહેલા પરીક્ષા આપવાની ઈચ્છા હતી. તેથી તે પરીક્ષા આપવા ઉપલેટા ગઇ હતી અને ઉત્સાહભેર પરીક્ષા આપ્યા બાદ જીવન સાથી સાથે લગ્નના ફેરા લીધા હતા.


મહત્ત્વની વાત એ છે કે ચાંદનીના સાસરિયાઓએ અને તેના પતિએ પણ પ્રોત્સાહન આપ્યું હતું. ભલે લગ્ન વિધિમાં થોડું મોડું થાય પણ તેમને પરીક્ષા બાદ લગ્નની આગળની વિધિ કરવામાં આવશે તેવું સાસરિયા પક્ષવાળાએ જણાવતા ચાંદનીનો ઉત્સાહ બેવડાયો હતો.

દુલ્હનના આ પગલાના ચારેતરફ લોકો વખાણ કરી રહ્યા છે.