વાળનું દાન કરનાર યુવતીએ કહ્યું- ‘વાળ એ તમારું સૌંદર્ય નથી , તમારા વિચાર એ જ ખરું સૌંદર્ય છે’

દરેક વ્યક્તિ માટે અને ખાસ તો મહિલાઓની સુંદરતા વધારવા પાછળ વાળની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહે છે. સ્ત્રીઓને પોતાના વાળ ઘણા પ્રિય હોય છે. આ જ કારણે સ્ત્રીઓ ક્યારેય મુંડન કરાવવાનું વિચારતી પણ નથી. પણ હવે મહિલાઓમાં આ મામલે પણ જાગૃતિ આવી છે. તેથી જ હવે અનેક મહિલાઓ કેન્સરથી પીડિત મહિલાઓ માટે વાળનું દાન કરવા આગળ આવી રહી છે. આવી જ એક દીકરી છે ભાવનગરની. ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ પાસે રેહતા ડોક્ટર સ્મિતાબેને કેન્સર ડે નિમિતે પોતાના 3 ફૂટ લાંબા વાળનું દાન કર્યું.

4 ફેબ્રુઆરીનો દિવસ વર્લ્ડ કેન્સર દે તરીકે મનાવાય છે. જીવલેણ કેન્સરના કારણે પોતાના વાળ ગુમાવનાર મહિલાઓના દર્દ તે જ સમજી શકે કે જે પોતાનો વાળ અતિપ્રિય હોય. કેન્સર રોગથી પીડિત મહિલાઓ માટે વાળ ગુમાવવાની પીડા સમજી હવે ભાવનગરની મહિલાઓ વાળ ડોનેટ કરવા આગળ વધી રહી છે.

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ પાસે રેહતા ડો.સ્મિતાબેને પણ કેન્સર ડે નિમિતે પોતાના 3 ફૂટ લાંબા વાળનું દાન કર્યું. ડો.સ્મિતાબેન વનરા લીલા સર્કલ પાસે આવેલા સલૂનમાં ગયા અને ટકલુ કરી દેવા કહ્યું. જે સાંભળીને સલૂનનો માલિક ચોંકી ઉઠ્યો. જોકે ઉમદા હેતુની જાણ થતાં તેણે આ બહેનને સલામ કરી. ત્યારબાદ સ્મિતાબેનને પોતાના માથાના વાળ ઉતરાવ્યા હતા અને અમદાવાદ ટાટા મેમોરિયલ હોસ્પિટલ ખાતે કેન્સરમાં વાળ ગુમાવનાર બહેનને વિગ બનાવવા માટે મોકલી આપ્યા. આમ, ડો.સ્મિતાબેને સંવેદનાસભર કામ કરીને કેન્સર જાગૃતિમાં પોતાનું મોટું યોગદાન આપ્યું.

સ્મિતાબેન વનરાએ જણાવ્યું કે સૌંદર્યએ સ્ત્રીનું આભૂષણ છે. આ આભૂષણોમાં મહિલાઓને પોતાના વાળ ખૂબ પસંદ હોય છે. વર્લ્ડ કેન્સર દિવેસે આ દીકરીએ પોતાના કેશ વીગ બનાવવા માટે અર્પણ કર્યા હતા. તેમના પિતા નટવરલાલ જાણીતા વૈધ છે અને અનેક લોકોના અસાધ્ય રોગો મટાડીને ખૂબ જ માનવીય સેવા કરી રહ્યા છે. માતા-પિતાના સદગુણો અને સંસ્કારનો વારસો દીકરીને મળ્યો છે. તેથી તેણે પણ કેન્સર પીડિત માટે પોતાના વાળની વિગ બનાવીને આપ્યા છે.

સ્મિતાબેન વનરા મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ વડોદરા ખાતે બી.અને.વાય.એસ.ના અંતિમ ચોથા વર્ષમાં નેચરોપેથી ડોક્ટરનો અભ્યાસ કરે છે. કેન્સર પીડિત દર્દીને પોતાની પીડાનો અનુભવ થાય તેવું દર્દ મારે પણ અનુભવવું હતું. તેથી મેં મુંડન કરાવી વાળ દાનમાં આપવાનો નિર્ણય કર્યો. તેમનું કહેવું છે કે કેન્સરના દર્દીઓની કયારે પણ મજાક ન કરવી જોઈએ.

આમ તો તેઓ 20 ડિસેમ્બર વાળ દાન કરવાના હતા. પરંતુ પરીક્ષાને કારણે મુલત્વી રાખ્યું હતું. આ દીકરીનું માનવું છે કે વાળ એ તમારું સૌંદર્ય નથી તમારા વિચાર એજ ખરું સૌંદર્ય છે.