હજી તો માંડ લગ્ન જ થયા હતાં અને દુલ્હનને કહી દીધું નહીં જાઉં સાસરે, કારણ જાણીને આવશે ગુસ્સો

લખનઉઃ યુપીના હરદોઇમાં સાત ફેરા લીધા બાદ તરત જ નવદંપતીએ ડિવોર્સ લીધા હતાં. આ પાછળનું કારણ જોવા જઈએ તો, વરરાજામાં કોઇ ઉણપ નહોતી ના તો દહેજની કોઇ વાત હતી. અહીં તો છોકરી વરરાજા તરફથી મળેલા સામાનથી ખુશ નહોતી, જેના કારણે તેણે લગ્ન તોડવાનો નિર્ણય કર્યો. એટલું જ નહીં, કન્યાપક્ષે તો જાનૈયાઓને એક ઓરડામાં બંધ કરી દીધા. બબાલ વધતાં 112 પર ડાયલ કરી પોલીસને સૂચના આપવામાં આવી હતી. ત્યાર બાદ પણ તેનું સમાધાન ના આવતાં જાનને દુલ્હન લીધા વગર જ પાછા ફરવું પડ્યું.


મામલો યુપીના ખુશીરામ બગિયા જિલ્લાનો છે. અહીં રહેતી યુવતીના પિતાનું નિધન થઈ ચૂક્યું છે. તેના મામાએ તેનાં લગ્ન શાહજહાંપુરમાં નક્કી કર્યાં હતાં. બુધવારે (26 ફેબ્રુઆરી) રાત્રે ધામધૂમથી જાન આવી હતી. જયમાળા બાદ ફેરા થયા. હસી-ખુશીથી બધી રસમો થઈ. ડાલ પૂજામાં વરપક્ષ દ્વારા ઘરેણાં અને અન્ય સામાન ચઢાવવામાં આવ્યો.


વરપક્ષ દ્વારા ચઢાવવામાં આવેલાં ઘરેણાં જોઇ દુલ્હન નિરાશ થઈ ગઈ અને તેણે ઘરેણાં જૂનાં છે અને ઓછાં છે એમ કહી લગ્ન સ્વીકારવાની ના પાડી દીધી, જેના કારણે બંને પક્ષ વચ્ચે વિવાદ થયો.

જાનૈયાઓનું કહેવું હતું કે, ચઢાવામાં પાંચ હજારનાં ઘરેણાં અને એક ચણિયાચોળી પણ હતી, પરંતુ કન્યાપક્ષના લોકોને તેનાથી સંતોષ ના થયો. ત્યારબાદ તેમણે જાનૈયાઓને એક ઓરડામાં બંધ કરી દીધા.


સૂચના મળતાં જ પોલીસે ત્યાં પહોંચી જાનૈયાઓને ઓરડામાંથી બહાર કાઢ્યા અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.


શહેરના પીઆઈ શૈલેન્દ્ર શ્રીવાસ્તવે જણાવ્યું, કન્યા અને વર પક્ષ વચ્ચે વાતચીત કરાવવામાં આવી. બંને પક્ષોએ લેખિતમાં સમજૂતી કરી રિપોર્ટ દાખલ ના કરાવ્યો. જાન દુલ્હન લીધા વગર જ પાછી ફરી ગઈ.