જન્માષ્ટમીના દિવસે જ સૌરાષ્ટ્રમાં ઈકો કારનું ટાયર ફાટ્યું ને એક બાજુનો આખો ભાગ ચિરાઈ ગયો

જન્માષ્ટમીના તહેવાર પર જ રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ફાસ્ટ આવી રહેલ ઈકો કારનું અચાનક ટાયર ફાટતાં જ પલ્ટી મારી હતી અને હાઈવે પર ઢસડાઈ હતી. જેને કારણે કારનો એકબાજુનો આખો ભાગ ચિરાઈ ગયો હતો. અકસ્માત સર્જાતાં જ હાઈવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. સ્થાનિક લોકો મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. તાત્કાલિક જાણ કરતાં જ પોલીસની ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી.

પોરબંદર હાઈવે પર ઉપલેટા તરફ ઈકો કાર આવતી હતી અને તેમાં પાંચ લોકો સવાર હતા. આ ગંભીર અકસ્માતમાં ફરવા નીકળેલું ભાવિ દંપતી લિખિતાબેન કમલેશભાઈ નિમાવત અને અર્જુનભાઈ કૌશિકભાઈ નિરંજનીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ વ્યક્તિઓને નાની-મોટી ઈજા પહોંચતા ઉપલેટા સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. પરંતુ બેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, પોરબંદર હાઈવે તરફથી ઉપલેટા બાજુ આવી રહેલી ઈકો કારનું અચાનક ટાયર ફાટી ગયું હતું. ટાયર ફાટતાંની સાથે જ કાર પલ્ટી મારી ગઈ હતી અને કારમાં સવાર બે લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં.

મોત થયેલ યુવક અને યુવતીની સગાઈ થઈ ગઈ છે અને થોડા સમય બાદ લગ્ન કરવાના હતા. ભાવિ દંપતીના મોતની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચતા ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દ્વારકેશ હોટલ પાસે આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઈકો કારના એક બાજુનો આખો ભાગ ચિરાઈ ગયો હતો.