રાજકોટમાં ચાલુ ક્લાસમાં નવપરિણિત શિક્ષિકાનું મોત, એકાએક ક્લાસમાં ઢળી પડ્યા

રાજકોટમાં દુ:ખદ બનાવ બન્યો છે. શહેરની ફેમસ વિરાણી સ્કૂલમાં લેકચર લઇ રહેલા શિક્ષિકા અચાનક ઢળી પડ્યા હતા. બાદમાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતા. શાળાના સૌથી નાની ઉંમરના આ શિક્ષિકાએ શાસ્ત્રીય ગીત-સંગીતમાં શાળાના અનેક વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાની સ્પર્ધા સુધી લઇ જવામાં ખૂબ જ મહેનત કરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કોઠારીયા રોડ પર હુડકો ક્વાર્ટર રહેતાં 32 વર્ષીય ચાર્મીબેન દેસાણી છેલ્લા સાડા ચાર વર્ષથી સહાયક શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને તેઓ અંગ્રેજીનો અભ્યાસ કરાવતા હતા. દરમિયાન ગયા શનિવારે તેઓ શાળાએ આવ્યા હતા અને વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા ત્યારે એકાએક બ્લડપ્રેશર લો થઇ જતાં ચાલુ વર્ગમાં જ ઢળી પડતા ત્યાં હાજર સ્ટાફ દ્વારા તેઓને તુરંત જ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેની તબિયત વધુ બગડતા સારવારમાં જ તેમણે દમ તોડી દીધો હતો.

ચાર્મીબેન એક શિક્ષકની સાથે એક ગાયિકા પણ હતા.તેઓએ અનેક પોગ્રામમાં ગીતો ગાયા છે અને વિદેશમાં નવરાત્રીની ઉજવણીમાં પણ ગરબા ગાયેલા છે.તેમના મધુરકંઠની અનેક કેસેટો અને ડીવીડી પણ બહાર પડી છે. તેમણે શાસ્ત્રીય ગીત-સંગીતમાં શાળાના અનેક વિદ્યાર્થીઓને રાજ્યકક્ષાની સ્પર્ધા સુધી લઇ જવામાં ખૂબ જ મહેનત કરી હતી. તેમના અવસાનથી તેમના ચાહકોમાં દુ:ખની લાગણી ફેલાઇ છે.

ચાર્મીબેન દેસાણીના મહિના પહેલાં ક્લાસીસ ચલાવતા શિવદાસ બટુકદાસ દેસાણી સાથે લગ્ન થયા હતા. રેલવેમાં નોકરી કરતા વિષ્ણુપ્રસાદ પંડ્યાના બે સંતાન પૈકી એકની એક આશાસ્પદ દીકરીના મૃત્યુથી તેઓ અને ચાર્મીબેનના પતિ શિવભાઇ શોકમાં ગરકાવ થઇ ગયા છે. ચાર્મીબેનના પિતા વિષ્ણુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે હું રેલવેમાં ફરજ બજાવું છું. ચાર્મી એક ભાઈમાં મોટી હતી. તેણી વિરાણી સ્કૂલમાં છેલ્લા સાડા ચાર વર્ષથી અંગ્રેજી વિષયની શિક્ષિકા હતી.

ચાર્મીબેનના આ બીજા લગ્ન હતાં. તેમના પતિ શિવભાઇ દેસાણી ઇન્સ્ટીટ્યુટ નામે કલાસીસ ચલાવે છે. આ બનાવથી પંડ્યા અને દેસાણી પરિવારજનો તથા હાઇસ્કૂલના સાથી કર્મચારીગણમાં શોક છવાઇ ગયો હતો.