ગામના ગરીબ લોકોની વ્હારે આવ્યો યુવાન, કર્યું એવું નેકનું કામ કે તમે પણ કહેશો-‘સુંદર કામ’

સામાન્ય રીતે લોકોને વારસામાં ધન-દોલત મળતા હોય છે, પણ રાજકોટના ગોંડલનાં પાચીયાવદરના યુવકને સેવાના ગુણ વારસામાં મળ્યા છે. જેના કારણે આ યુવાને પોતાના જન્મદિવસે ગામના જમીન વિહોણા પરિવારો માટે અઢી લાખનો અકસ્માત વીમો લીધો. જેનું 10 વર્ષ સુધી પ્રીમિયમ પોતે ભરશે.

ગોંડલ તાલુકાના પાચીયાવદર ગામે રહેતા આગેવાન યુવાન દિગ્વિજયસિંહ દિલીપસિંહ જાડેજામાં સદભાવના ઠાંસી ઠાંસીને ભરી છે અને એ તેમને મળી છે વારસામાં. જેઓ પિતાના પગલે પાચીયાવદર ગામે રહી પોતાના ગામને એક આદર્શ ગામ બનાવવાની નેમ ધરાવે છે. નાની વયથી જ સ્વર્ગસ્થ પિતાના પરોપકારના કાર્યો નિહાળતા આવ્યા છે. પોતાના પિતા ગામના ગરીબો માટે હંમેશા ખડેપગે રહેતા અને જરૂરિયાતમંદોને મદદરૂપ થતાં હતા. સ્વર્ગસ્થ પિતાની પ્રેરણા પરથી દિગ્વિજયસિંહે પોતાના જન્મદિવસ નિમિત્તે ગામના જમીન વિહોણા પરિવારો માટે અકસ્માત વીમો લીધો છે.

દિગ્વિજયસિંહે જણાવ્યું કે, સ્વર્ગસ્થ પિતા પાસેથી મેળવેલા સેવાના સંસ્કારોને લઈ ગામના જમીન વિહોણા દરેક પરિવારોની આર્થિક સુરક્ષા માટે કંઈક કરવું હતું. જેથી આ પરિવારોને સંકટના સમયે કોઈપણ પ્રકારની આર્થિક ચિંતા ન કરવી પડે. તેથી સતત ચિંતનના અંતે વિચાર કરી જમીન વિહોણા તમામ પરીવારો માટે રૂપિયા 2 લાખ 50 હજારનો અકસ્માતનો વીમો લેવાનું નક્કી કર્યું. જન્મદિવસે જ કાર્યને પાર પાડ્યું અને 10 વર્ષ સુધી તેનું પ્રીમિયમ પણ મારા ખિસ્સામાંથી ભરીશ.

દિગ્વિજયસિંહે પાંચિયાવદર ગામમાં તમામ જ્ઞાતિજનોની સાથે રાખી એક ગ્રામ વિકાસ કમિટી બનાવી છે. જેની મદદથી ગામનો વહીવટ સંપૂર્ણ કરી પારદર્શક ચાલે છે. ગામમાં 100 ટકા ભૂગર્ભ ગટર યોજના કાર્યરત છે. આ ઉપરાંત સી.સી.રોડ, પીવા માટે શુદ્ધ પાણીની સુવિધા છે. માત્ર પાંચ રૂપિયામાં 20 લીટર ફિલ્ટર પાણી આપવામાં આવે છે. દિગ્વિજયસિંહ શ્રી રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ, ગોંડલના છેલ્લા 10 વર્ષથી પ્રમુખ તરીકે સેવા આપે છે. આ સંસ્થા દ્વારા અશક્ત પરિવારોને શિક્ષણ, મેડીકલ, લગ્ન સહાય, રાશન કિટ વિતરણ સહિત વિવિધ સેવાકીય પ્રવૃતિ કરે છે. આ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે શ્રી ભગવત મંડળ સાથે જોડાયા છે. આ ઉપરાંત ઉકાળા વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ, અમૃતમ કાર્ડ કેમ્પ સહિતના લોક ઉપયોગી અનેક કાર્યોમાં સતત પોતાનું યોગદાન આપી રહ્યા છે.