દોઢ કિલો સોનું પહેરતો હતો આ ગોલ્ડમેન, ધોળે દહાડે ત્રણ ગુંડાઓએ કરી નાખી હત્યા

પુનાઃ મહારાષ્ટ્રના પુના શહેરના વેલી વિસ્તારમાં ગોલ્ડ મેનના નામથી લોકપ્રિય સચિન નાના શિંદેની હત્યા કેસમાં પોલીસે માત્ર 48 કલાકની અંદર મોડી રાત્રે ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસને આ કેસમાં સીસીટીવી મળ્યા હતા અને ત્યારબાદ ત્રણ લોકોને અરેસ્ટ કરવામાં આવ્ય હતા. જોકે, અત્યાર સુધી હત્યાનું કારણ સામે આવ્યું નથી.

આ રીતે પોલીસે ઝડપ્યા પોલીસનેઃ આરોપીઓમાં એક સચિન કિશન શિંંદે (32), પ્રથમેશ શિંદે (30) તથા રાકેશ શમશેર સાહુ (20) છે. પોલીસને આરોપીઓ પાસેથી બંદૂક મળી આવી છે. લોનીકંદ વિસ્તારમાં ગોલ્ડમેન સચિન શિંદેની 9 ફેબ્રુઆરીના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસના હાથમાં જે સીસીટીવી મળ્યા હતા, તેમાં આ ત્રણેય આરોપીઓ એક બાઈક પર જોવા મળ્યા હતા. ત્યારબાદ શંકાને આધારે ત્રણેયની ધરપકડ કરીને પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો. પોલીસને શંકા છે કે આ હત્યાકાંડમાં હજી વધારે લોકો સામેલ હોઈ શકે.

આ રીતે થઈ હતી ગોલ્ડમેનની હત્યાઃ 9 ફેબ્રુઆરીના રોજ સચિન શિંદે લોનીકંદમાં એટીએમની સામે ઊભો રહીને પોતાના મિત્રો સાથે વાત કરતો હતો અને આ દરમિયાન એક્ટિવા પર 2 લોકો આવ્યા અને તેમણે સચિન શિંદે પર ગોળીઓ ચલાવી હતી. સચિનને માથામાં બે ગોળી વાગી હતી અને તેણે ઘટનાસ્થળ પર જ દમ તોડ્યો હતો. હત્યા કરીને તરત જ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

સચિન પર અનેક ગુનાખોરીના કેસ છેઃ સચિન પર શહેરના ઘણાં પોલીસ સ્ટેશનમાં ગુનાખોરીના કેસ કરવામાં આવેલા છે. પોલીસને આશંકા છે કે આ મર્ડર જૂની અદાવતને કારણે કરવામાં આવ્યું છે.

દોઢ કિલો સોનું પહેરતો હતોઃ ગોલ્ડમેનના નામથી લોકપ્રિય સચિન શિંદે દોઢ કિલો સોનું પહેરતો હતો, જેમાં સોનાની ચેન, વીંટી, બ્રેસલેટ સામેલ છે. સચિનની કાર પણ ગોલ્ડન રંગની હતી.