વર્લ્ડ લીડર્સમાં ફક્ત PM નરેન્દ્ર મોદીને જ ‘જગત જમાદાર’ પણ કરે છે ફોલો

વોશિંગ્ટન: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઈથી છુપાયેલી નથી. લાખો લોકો તેઓ જ્યાં પણ જાય છે ત્યાં તેમને સાંભળવા માટે પહોંચી જાય છે, હવે એક નવી લોકપ્રિયતા તેમની સાથે જોડાઈ ગઈ છે, કે તેઓ એકમાત્ર ગ્લોબલ નેતા છે, જેને વ્હાઈટહાઉસ ટ્વિટર પર ફોલો કરે છે. વ્હાઈટ હાઉસે કુલ 19 હેન્ડલ ફોલો કર્યા છે પરંતુ વર્લ્ડ લીડરમાં ફક્ત પીએમ મોદી જ છે.

ટ્રમ્પે કહ્યું હતું કે મોદી એક મહાન નેતા છે
તે દર્શાવે છે કે પીએમ મોદી અમેરિકા માટે કેટલું મહત્વ ધરાવે છે. વ્હાઇટ હાઉસ કુલ 19 ટ્વિટર એકાઉન્ટ્સને ફોલો કરે છે, જેમાં 16 યુ.એસ. અને ત્રણ ભારતના છે. પીએમ નરેન્દ્ર મોદી(@narendramodi)ના પર્સનલ હેન્ડલની સાથે સાથે વ્હાઈટ હાઉસે પીએમઓ ઈન્ડિયા(@PMOIndia) પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા(@rashtrapatibhavn) યુએસ એમ્બેસી ઈન્ડિયા(@USAndIndia) અને ઈન્ડિયા ઈન યુએસએ (@IndianEmbassyUS)ને ફોલો કરે છે. હાલમાં જ જ્યારે હાઈડ્રોક્સિક્લોરોક્વીન ટેબલેટનાં નિકાસ માટે ભારતે મંજૂરી આપી હતી તો અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ફક્ત ભારતની પ્રશંસા કરી એટલું જ નહી પીએમ મોદીને મહાન નેતા ગણાવ્યા હતા.

ભારતે હાઈડ્રોક્સી ક્લોરોક્વિન દવાની નિકાસ અટકાવી દીધી હતી
કોરોનાના વધતા જતા સંકટને ધ્યાનમાં રાખીને ભારતે એન્ટી મેલેરિયલ ડ્રગ હાઇડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ અટકાવી હતી. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સરકારને નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા વિનંતી કરી હતી, ત્યારબાદ સરકારે આ પ્રતિબંધને હટાવ્યો હતો અને દવાઓ અમેરિકા મોકલી હતી.


પીએમ મોદી અમેરિકા માટે કેટલું મહત્વ ધરાવે છે
ભારત વિકાસ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, આવી સ્થિતિમાં દરેક વિકસિત દેશની ભારત ઉપર નજર છે. વળી, પીએમ મોદીની લોકપ્રિયતા અમેરિકાથી છુપાયેલી નથી. અમેરિકાએ પાછલાં 5 વર્ષોમાં જોયુ છેકે, 2014ની મેડિસન સ્ક્વેરનું પબ્લિક એડ્રેસ હોય અથવા 2019માં હ્યુસ્ટન હાઉડી મોદી ઈવેન્ટ, અમેરિકાને અહેસાસ છે કે, મોદી તેમના લોકો વચ્ચે દુનિયામાં ઘણા લોકપ્રિય છે. તો જ્યારે ડોનાલ્ડ ટ્રંપ ભારતની મુલાકાતે આવ્યા હતા, તો તેમનું રેડ કાર્પેટમાં સ્વાગત કરવામાં આવ્યુ હતુ, જેનાથી ડોનાલ્ડ ટ્રંપ ઘણા અભિભૂત હતા. એવામાં અમેરિકામાં થનારી ચૂંટણીને જોતા ખાસ કરીને ટ્રંપ માટે મોદી ઘણું મહત્વ ધરાવે છે.

જોકે, પીએમ મોદીને હમણાથી ફોલો કરવામાં આવી રહ્યા છેકે, પહેલાંથી કરાઈ રહ્યા છે તે સ્પષ્ટ થયુ નથી. પરંતુ તે નિશ્ચિત છે કે, વિશ્વભરનાં તમામ દેશો અને નેતાઓની વચ્ચે ફક્ત ભારત સાથે જોડાયેલાં મિશન અને ભારતીય પીએમનું વ્યક્તિગત હેન્ડલ ફોલો કરવું નવી દિલ્હી અને વોશિંગ્ટનનાં સંબંધને મજબૂત દેખાડે છે.