તમે પણ ગાડીમાં લટકાવો છો લીંબુ મરચા? તો દંડ ભરવા માટે રહો તૈયાર

દેશમાં ઘણાં લોકો ટોટકામાં વિશ્વાસ રાખે છે અને નજર ના લાગે એટલે અલગ-અલગ ઉપાય પણ કરે છે. હાઇવે પર ચાલતી ટ્રક હોય કે, પછી કાર. આ દરેક ગાડીઓની આગળ અથવા પાછળ તમને લીંબુ-મરચા ટિંગાડેલાં જોવા મળે છે. જેથી કોઈની ખરાબ નજર લાગે નહીં. પણ આને લીધે ટ્રાફિક પોલીસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે, આવું કરવાથી ગાડીઓની નંબર પ્લેટ ઢંકાઈ જાય છે. હવે ટ્રાફિક પોલીસે આ સમસ્યા સામે લડવાની તૈયારી કરી લીધી છે અને નંબર પ્લેટ પરથી લીંબુ-મરચા હટાવવા માટે ડ્રાઇવ કરી રહ્યા છે.

દેશભરમાં ગાડીચાલક જાહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરી બેફામ સ્પીડે કાર ચલાવે છે. ક્યારેક ટ્રાફિક સિગ્નલ જામ કરી દે છે તો ક્યારેક સ્પીડ લિમિટ ક્રોસ કરી ગાડી ભગાવે છે. એવા લોકોને પાઠ ભણાવવા માટે ટ્રાફિક પોલીસ દંડ ફટકારે છે અને હવે તો CCTV ફૂટેજ દ્વારા નંબર કેપ્ચર કરીને દંડ ફટકારે છે.

જ્યારે કેટલાક લોકો પોતાની નંબર પ્લેટ પર રીબીન અથવા લીંબુ-મરચા ટિંગાડે છે તો CCTVમાં નંબર પ્લેટ કેપ્ચર થતી નથી અને દંડ ફટકારી શકાતો નથી. એટલે હવે દિલ્હી ટ્રાફિક પોલીસ તેને હટાવી રહી છે. આ સાથે જ આ જે ગાડી પર મળે તેને 5 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારી રહી છે.

દિલ્હી અને નોઈડા વચ્ચે દરરોજ બે લાખથી વધુ વાહનોની અવરજવર થાય છે. જેમાં ઘણાં વાહનોમાં નંબર પ્લેટની ઉપર આ રીતની વસ્તુ લટકેલી હોય છે. જેનાથી CCTV કૅમેરામાં નંબર પ્લેટ દેખાતી નથી અને તે દંડથી બચી જાય છે. પણ હવે કોઈ બચી શકશે નહીં. હવે ટ્રાફિક પોલીસ દ્વારા ગાડી પરથી લીંબુ-મરચા હટાવી દેવામાં આવશે ત્યારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો પોલીસથી બચી શકશે નહીં.

દિલ્હી ટ્રાફિક પોલીસના વિશેષ આયુક્ત ડૉક્ટર મુક્તેશ ચંદ્રએ આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે, સ્પેશિયલ ડ્રાઇવ અભિયાન અંતર્ગત વાહનોની નંબર પ્લેટ છુપાવવા માટે જાણી જોઈને કાળી રીબીન, લિંબુ-મરચા અથવા કોઈ એવી વસ્તુ બાંધનારા પર નજર રાખવામાં આવી રહી છે.

જો નંબર પ્લેટ છુપાવવામાં આવી તો પણ પોલીસ સોફ્ટવેર દ્વારા યોગ્ય નંબર જાણી લેશે અને નિયમ તોડનારાના ઘરે સીધો દંડ મોકલી દેશે. તેમણે લોકોને અપીલ પણ કરી છે કે, જો તે અત્યારસુધી આવું કરતા આવી રહ્યા હતા તો હવે ના કરે નહીં તો મુશ્કેલીનો સામનો કરવો પડશે.