એક શંકાએ આખા પરિવારને બરબાદ કરી નાખ્યો, દીવાલ પર પતિએ લખ્યું મોતનું કારણ

ગાઝિયાબાદઃ એક વ્યક્તિએ પોતાની પત્નીના આડાસંબંધને લઇને સમગ્ર પરિવારને જ ખતમ કરી નાખ્યો. ગાઝિયાબાદના અર્થલામાં શુક્રવાર (28 ફેબ્રુ.) સવારે એક ઘરના ચાર લોકોનાં મૃતદેહ મળતા અરેરાટી વ્યાપી હતી, જેમાં પત્ની અને બે બાળકોની હત્યા કરી શખ્સે પણ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો. આ ઘટનાને અંજામ આપતાં પહેલા શખ્સે ઘરની દીવાલ પર એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં આપઘાત કરવા પાછળનું કારણ લખ્યું હતું.

ગાઝિયાબાદના અર્થલાના સંજય કોલોનીમાં રહેતા 26 વર્ષીય ધીરજ ત્યાગી પોતાની પત્ની કાજલ, દીકરી એકતા અને ધ્રૂવની સાથે કૃષ્ણવીર સિંહના મકાનમાં રહેતો હતો. ધીરજ વેલ્ડિંગનું કામ કરતો હતો. પડોસીઓના જણાવ્યા પ્રમાણે શુક્રવારની સવારે અંદાજે 9:30 વાગ્યે ધીરજની સાથે કામ કરતો ભીમ કોઇ કામથી તેને બોલાવવા ઘરે પહોંચ્યો હતો.

રૂમનો દરવાજો ના ખુલતા તેણે બારીને ધક્કો મારી ખોલી તો અંદર ધીરજની પત્ની અને બંને બાળકોના મૃતદેહ પડ્યા હતા. ત્યાબાદ જોરથી ધક્કો મારી દરવાજો ખોલ્યો તો ધીરજનો મૃતદેહ પંખા સાથે દુપટ્ટા સાથે બાંધેલી હાલતમાં લટકી રહ્યો હતો. દીવાર પર માર્કર પેનથી ધીરજે સુસાઇડ નોટ લખી હતી.

ધીરજે દિવાલ પર લખ્યું હતું કે તેની પત્ની કાજલ દારૂ પીતી હતી અને યુવકો સાથે ફોન પર વાત કરતી હતી. ધીરજે દીવાલ પર પાંચ મોબાઇલ નંબર લખ્યા છે, જેની સાથે તેની પત્ની કથિત રીતે વાતચીત કરતી હતી.

ધીરજે લખ્યું હતું કે તે પત્નીને આમ કરતા અનેક વાર અટકાવી હતી. ધીરજે પત્ની કાજલના ભાઇઓને પણ વાત કરી પરંતુ તેમણે બહેનનો સાથ આપ્યો. ધીરજે પોતાના મૃત્યુ પર અંકિત, ટીકેન્દ્ર અને બબલીને જવાબદાર ઠેરવ્યા છે.

પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતાં. પોલીસે કહ્યું હતું કે પારિવારીક ઝઘડો મૃત્યુનું કારણ છે. તેણે દીવાલ પર જે ચાર નંબર લખ્યા છે, તેની સાથે એક યુવતીનું નામ પણ લખ્યું છે. ધીરજે કાજલના ત્રણ ભાઇઓના નામ પણ લખ્યા છે અને તેમના પર કાજલના નામની જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે. ધીરજે લખ્યું હતું કે તેના મરવા પર પોલીસ કોઇ કાર્યવાહી ના કરે.

પડોસીઓ અને મકાન માલિકના જણાવ્યા પ્રમાણે ધીરજ અને કાજલ વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પડોસી વિજયનું કહેવું છે કે બંને વચ્ચે 6 મહિના પહેલા પણ ઝઘડો થયો હતો બાદમાં પડોસીઓએ સમાધાન કરાવ્યું હતું.