માયાભાઈ આહીરની દીકરીના ભવ્ય લગ્ન, ટોચના નેતાઓથી લઈને બિઝનેસમેન રહ્યા ઉપસ્થિત

અમદાવાદ: સુપ્રસિદ્ધ લોકગાયક અને હાસ્ય કલાકાર માયાભાઈ આહીરની દીકરીના લગ્ન ધામધૂમથી યોજાયા હતા. માયાભાઈ આહીરની દીકરી સોનલે અમરેલી જિલ્લા આહીર સમાજના અગ્રણી અને ભાજપ નેતા જીતુભાઈ ડેરના દીકરા મોનીલ ડેર સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. દીકરીના લગ્નપ્રસંગે ત્રણ દિવસ સુધી માયાભાઈ આહીરના ઘરે જલસો ચાલ્યો હતો. પહેલાં દિવસે ગરબા-રાસ, બીજા દિવસે ડાયરો અને ત્રીજા દિવસે લગ્ન યોજાયા હતા. આ ભવ્ય લગ્નમાં ગુજરાતના અનેક ટોચના નેતાઓ, બિઝનેસમેન અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર જિલ્લાના તાળાજાના બોરડા ગામે માયાભાઈ આહીરના ઘરે ડેર પરિવાર વાજતે-ગાજતે જાન લઈને આવ્યો હતો. વરરાજા હાથી પર સવાર થઈને જાન લઈને આવ્યા હતા.

બોરડા ગામે રાત્રે પધારેલી જાનમાં અનેક મહેમાનો સામેલ થયા હતા. ફટાકડા અને લાઈટિંગના કારણએ બોરડા ગામ ઝગમગી ઉઠ્યું હતું.

લગ્નમાં દુલ્હન સોનલે લાલ અને સફેદ કલરનું પાનેતર પહેર્યું હતું અને ગળામાં હાર પહેર્યો હતો. દુલ્હનના વેશમાં સોનલ ખૂબ જ સુંદર લાગતી હતી.

વરરાજા મોનીલ ડેર માથે સાફો અને શેરવાની પહેરીને પરણવા આવ્યા હતા. હાથમાં તલવાર અને ગળામાં મોટો સોનાનો હાર પહેરો હતો.
માયાભાઈના જમાઈ મોનીલ ડેર ફિલ્મ ક્ષેત્રે સંકળાયેલા છે. તેમણે ગુજરાતી ફિલ્મ ‘કેરી ઓન કેસર’માં સહ-દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

લગ્ન દરમિયાન સિંગર લલિતા ઘોડાદ્રા સહિતના કલાકારોએ લગ્નગીતો ગાઈને માહોલને એકદમ લગ્નમય બનાવી દીધો હતો.

આ લગ્ન પ્રસંગમાં અનેક ટોચના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડાયરામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્યના કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્ર સિંહ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે લગ્નમાં કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, જામનગરના સાંસદ પૂનમ માડમ અને મોરારી બાપુ નવદંપતીને આશીર્વચન આપવા ઉપસ્થિત રહ્યા હતા.

માયાભાઈના ઘરે લગ્નની આગળની રાત્રે ડાયરામાં ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, લક્ષ્મણ બારોટ અને સાંઈરામ દવે જેવા કાલકારોએ લોકગીતોનો રમઝટ બોલાવી હતી.

જ્યારે રાસ-ગરબામાં સિંગર અલ્પા પટેલ અને ગમન સાંથલે પોતાના સૂરથી મહેમાનોને ડોલાવ્યા હતા.

માયાભાઈની દીકરી સોનલે બીએસસીનો અભ્યાસ કર્યો છે. માયાભાઈને પરિવારમાં પત્ની અજાયબાઇ તથા બે દીકરા અને એક દીકરી છે. મોટાપુત્રે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. જે મહુવામાં રામકૃષ્ણ સ્કૂલ ચલાવે છે. જ્યારે નાનો પુત્ર હજી ભણે છે.

કાઠિયાવાડી લહેંકા સાથે આગવી છટાથી શ્રોતાઓને પેટ ભરીને હસાવતા માયાભાઈ આજે લોકસાહિત્યમાં મોટું નામ છે. ડાયારામાં માયાભાઈ હોય એટલે સમજવું કે પોગ્રામ હીટ જ હોય. માયભાઈની આ સફળતા પાછળ તેમનો સંઘર્ષ, કોઠાસૂઝ અને ધગશ છૂપાયેલી છે.

જીભેથી અવિરત વહેતી સરસ્વતીના ઉપાસક માયાભાઇ આહીરનો જન્મ 1972માં તાળાજા તાલુકના બોરડા ગામ પાસે આહીરોના નેસ કુંડવી ખાતે થયો હતો. તેમના પિતા વીરાભાઈને લોકો ભગત તરીકે ઓળખતા હતા. વીરાભાઈને ધાર્મિક પુસ્તકો વાંચવાનો અને ધાર્મિક કાર્યક્રમો જોવાનો ખૂબ શોખ હતો. જેના કારણે માયાભાઈને પણ ધાર્મિક પુસ્તકોમાં રસ જાગ્યો હતો. ગામમાં રામકથા કે ભાગવતનો કોઈ કાર્યક્રમ હોઈ માયાભાઈ ખુબ જ રસ લેતા હતા.

માયાભાઈ જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે તેઓ ગાયો ચરાવતા અને ખેતીકામમાં પણ મદદ કરતાં હતા. આ દરમિયાન તેઓ ગાયો અને વગડા સાથે ગાતા-ગાતા પોતાની કાલાને ધારદાર બનાવતા હતા. માયાભાઈએ ચાર દિવાલો વચ્ચેના શિક્ષણને વધારે ખીલવવા માટે સાહિત્યની દુનિયામાં પોતાના સંસ્કારોના પાઠ ભણાવવાના શરૂ કર્યા હતા.

માયાભાઈને આમ તો લોકસાહિત્ય વારસામાં મળ્યું છે. ઘરમાં લોકસાહિત્યનો માહોલ રહેતો હતો, જેની અસર માયાભાઈ પર થઈ હતી. માયાભાઈએ ધોરણ-4માં 9 વર્ષની ઉંમરમાં એક કાર્યક્રમમાં ‘જૂનું તો થયું રે દેવળ મારું’ ભજન જાહેરમાં ગાયું હતું. જે બધાને ખૂબ પસંદ આવ્યુ હતું.

માયાભાઈએ 1990થી 1997 સુધી ટ્રક્ટર ચલાવતા હતા. તેમની પાસે પેસેન્જર વાહન અને લોડિંગ વાહન પણ હતા. ઘરની સ્થિતિ પ્રમાણમાં સારી હતી. વાહનના ધંધામાં માયાભાઈની એવી તો શાખ હતી કે લોકો બહારગામ જવા તેમનું વાહન જ પસંદ કરતાં હતા. એટલું જ નહીં લોકો પોતાની જાનની તારીખ પણ માયાભાઈના વાહનની હાજરી મુજબ લેતા હતા.

માયાભાઈની સૂઝબૂઝના કારણે અને બધા કલાકારો સાથે ધરોબો હોવાના કારણે આજુબાજુના ગામમાં લોકસાહિત્ય કાર્યક્રમના સ્ટેજની તમામ જવાબદારી માયાભાઈને સોંપી દેવામાં આવતી હતી. કાર્યક્રમો દરમિયાન લોકો અને કલાકારો પણ માયાભાઈને સ્ટેજ પર બોલાવી પર્ફોર્મ કરવાનું કહેતા હતા. જે લોકોને ખૂબ પસંદ આવવા લાગ્યું હતું.

માયાભાઈ પોતાના જીવનમાં બે બાબતોને ટર્નિંગ પોઈન્ટ ગણાવે છે. એક બગદાણામાં બજરંગદાસબાપુના મંદિરે થતાં લોકસાહિત્યના કાર્યક્રમમાં સંભાળવા મળતી જવાબાદારીથી તેમને ઘણું શીખવા મળ્યું હતું. બીજો ટર્નિંગ પોઈન્ટ તલગાજરડામાં મોરારીબાપુની 600મી રામકથામાં થયો હતો.

અહીં 19 કલાકારોની હાજરીમાં માયાભાઈનું પર્ફોર્મ જોઈને બધા ચકિત થઈ ગયા હતા. એટલું જ નહીં તેમને માત્ર પાંચ મિનિટ ફાળવવામાં આવી હતી છતાં તેમને 45 મિનિટ સુધી પર્ફોમ કરીને દીલ જીતી લીધા હતા. અહીંથી તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો.

બાદમાં માયાભાઈનો એવો તો જાદુ ચાલ્યો કે તેમણે સપાટો બોલાવી દીધો હતો. તેમણે ગીત ગાવા ઉપરાંત હાસ્ય પર હાથ અજમાવવાનું શરૂ કર્યું. માયાભાઈના જોક્સ લોકોને પેટ ભરાવીને હસાવા લાગ્યા.

ધીમે-ધીમે માયાભાઈને એવી તો સફળતા મળી કે લોકો એવું માનવા લાગ્યા કે માયાભાઈ વગર ડાયારાનો કાર્યક્રમ અધૂરો ગણાય. તેમણે દેશ-વિદેશમાં મળી અત્યાર સુધીમાં 5 હજારથી વધુ કાર્યક્રમો કર્યા છે.

દીકરીને સ્ટેજ પર દોરી જતા માયાભાઈ આહીર

ભાઈઓ સાથે તસવીર ખેંચાવતી માયાભાઈની દીકરી સોનલ


ભાઈ-ભાભી સાથે ગરબા રમતી સોનલ.

સ્ટેજ પોતાના સૂરથી મહેમાનોને ડોલાવતા અલ્પા પટેલ સહિતના કલાકારો.

લગ્ન અગાઉ સોનલે ઘરમાં પરંપરાત પૂજા વિધિ કરી હતી.

ઘરે પધારેલા સંત મોરારિબાપુના માયાભાઈના પરિવારજનોએ આશીર્વાદ લીધા હતા.

લગ્ન અગાઉ વરરાજા મોનીલ ડેરના ઘરે રાસ-ગરબાના કાર્યક્રમમાં રાખવામાં આવ્યો હતો. જેમાં જીજ્ઞેશ કવિરાજ સહિતનાકલાકારઓ રમઝટ બોલાવી હતી.