ફિયાન્સીને યુવક ઘરે મૂકવા જતો હતો ત્યારે કાળ બનીને આવ્યો ટ્રક, ખૂબ જ ભાવુક બનાવ

રાજકોટમાં ફરી હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. અકસ્માતમાં ચાર ભાવી તબિતોના મોતની શાહી હજી સૂકાઈ નથી ત્યાં વધુ એક આઘાતજનક સમાચર સામે આવ્યા છે. રાજકોટમાં અકસ્માતમાં યુવકની સામે જ તેની ફિયાન્સીનું કરૂણ મોત નિપજ્યું હતું.

રાજકોટમાં રવિવારની રાતે રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક અકસ્માતમાં 23 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું. સિગ્નલ પર સ્ટોપ લાઈટ દરમિયાન ટ્રકચાલકથી બ્રેક ન લગતાં અકસ્માત સર્જાયો હતો અને મોટરસાઇકલ પર જતાં યુવક- યુવતી સાથે અકસ્માત સર્જ્યો હતો અને બન્નેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવતીનું મોત થયું છે. ઉલ્લેખનીય છે કે બન્નેની એક વર્ષ પહેલાં જ સગાઈ થઈ હતી.

પ્રાપ્ત વિગત મુજબ, ગત રાત્રિના સમયે રાજ વાઘેલા અને તેમની મંગેતર દૃષ્ટિ પરમાર વાહન પર જતાં હતાં. રાજ તેની મંગેતર દૃષ્ટિ ને ઘરે મૂકવા જતો હતો, અચાનક ટેલિફોન એક્સચેન્જ ખાતે સિગ્નલ પર સ્ટોપ લાઈટ થતાં વાહન ટ્રક સાથે અથડાઈ હતું.

ભંગાર ભરેલી ટ્રક સાથે વાહન અકસ્માત સર્જાતાં રાજ વાઘેલાને પગ અને તેની મંગેતર દૃષ્ટિ પરમાર ટ્રકના ટાયર વચ્ચે ફસાઈ જતાં તેના પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતાં ફાયરબ્રિગેડના જવાનોએ મહામહેનતે બહાર કાઢી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યા ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થવા પામ્યું છે. ઉલ્લેખનીય છે કે 23 વર્ષીય મૃતક યુવતી દૃષ્ટિ પરમારની રાજ વાઘેલા નામના યુવક સાથે એક વર્ષ પૂર્વે સગાઈ થઈ હતી.

અન્ય એક અકસ્માતની ઘટનામાં કાલાવાડ રોડ પર મેટોડા નજીક સફેદ વેન્ટો કારનો અકસ્માત સર્જાયો હતો, જેમાં કારચાલકનો આબાદ બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં અહીં જ એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 વિદ્યાર્થી મૃત્યુ પામ્યા હતા.

લગ્ન પહેલા જ યુગલ ખંડિત થતા બંનેના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પરિવારનું કહેવું છે કે તેમની દીકરી દ્રષ્ટિ ખૂબ જ મળતાવડા સ્વભાવની હતી. આથી જ તે જ્યાં પણ જતી, ત્યાં લોકોને પોતાના બનાવી લેતી હતી. પોલીસે આ મામલે મૃતકની મંગેતરની ફરિયાદના આધારે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.