ડૉક્ટર યુવતીનો રૂમમાંથી મૃતદેહ મળ્યો, ઈન્જેક્શનથી ઓરવડોઝ લઈને જીવન ટૂંકાવ્યું

સુરતમાં સ્મીમેર હોસ્પિટલની મહિલા રેસિડેન્ટ તબીબે ઈન્જેક્શનના ઓવરડોઝથી આપઘાત કર્યો હતો. ક્વાર્ટરના રૂમમાંથી રેસિડેન્ટ તબીબ જીગીશા પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. રેસિડેન્ટ તબીબના આપઘાત પાછળનું હાલ કોઈ કારણ સામે આવ્યું નથી. રેસિડેન્ટ તબીબની માતા ક્વાર્ટર જતા પહેલા મારી દીકરી જીવતી હોય તેવું રટણ રટતી હતી. અંતે જ્યારે માતા દીકરી જીગીશાને મરણ હાલતમાં જોઈ ત્યારે તેને હૈયાફાટ રૂદન કરતા કહ્યું કે મેં મારો ઝળહળતો સિતારો ગુમાવ્યો છે.

ક્વાર્ટરના રૂમમાંથી મૃતદેહ મળ્યો
મૂળ મહુવાના કરચેલીયા ગામની 26 વર્ષીય જીગીશા કનુભાઈ પટેલ સુરતની સ્મીમેર હોસ્પિટલના ક્વાર્ટરમાં રહેતી હતી. જીગીશા પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ હતી અને ગાયનેક વિભાગમાં કામ કરતી હતી. જીગીશા સ્મીમેરની ક્વાર્ટરના કે બ્લોકમાં રહેતી હતી. આજે ક્વાર્ટરના રૂમમાંથી જીગીશાનો મૃતદેહ મળી આવ્યો હતો. જીગીશાએ હાથમાં ઇન્જેક્શન વડે વધુ પડતો ઓરવડોઝ લઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પરિવારમાં શોકનો માહોલ છવાયો
આપઘાત કરનાર જીગીશાના માતા પિતા બંને શિક્ષક છે. પરિવારમાં બે બહેનો છે. જે પૈકી એક બહેન ઈન્ટર્નશીપ કરી રહી છે. જીગીશાએ ગત રોજ પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી હતી. દરમિયાન આજે જીગીશાએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

દીકરીનો મૃતદેહ જોઈ માતાનું હૈયાફાટ રૂદન
ગાયનેક વિભાગની રેસિડેન્ટ તબીબ જીગીશાએ રાતથી જ પોતાનો ફોન સ્વીચઓફ કરી દીધો હતો. પરિવારને ફોન સ્વીચઓફ કર્યો હોવાની સવારે ખબર પડી હતી. જીગીશાની માતા જ્યારે સ્મીમેર ક્વાર્ટરમાં પહોંચી તે પહેલાં જ તેણીને ફાળ પડી હતી. જેથી તે દીકરીના ક્વાર્ટર જતા પહેલા મારી દીકરી જીવતી હોય તેવું રટણ રટતી હતી. અંતે જ્યારે માતા દીકરી જીગીશાને મરણ હાલતમાં જોઈ ત્યારે તેને હૈયાફાટ રૂદન રડતા કહ્યું કે મેં મારો ઝળહળતો સિતારો ગુમાવ્યો છે.

મને નાનામાં નાની વાતો પણ કહેતી હતી: પિતા
જીવન ટૂંકાવનાર જીગીશા પટેલના પિતા કનુભાઈએ જણાવ્યું કે જીગીશા તેના જીવનની કોઈપણ નાનામાં નાની પળો કે વાતો કરતી હતી. તે કોઈપણ વાતો મારાથી છુપાવતી ન હતી. શનિવારે રાત્રે કનુભાઈએ જીગીશા સાથે વાત કરી ત્યારે તેણીએ પિતાને કોઈ વાત પણ ન કહી અને તેણી આવું પગલુ ભરવાની હોય તેવી ભાળ પણ થવા દીધી ન હતી.