વડોદરાની SSG હોસ્પિટલે સર્જરીમાં વિશ્વ રેકોર્ડ તોડ્યો, એકસાથે 73 ગાંઠો કાઢી

વડોદરા : કોરોના નવા વેરિએન્ટ સાથે એટેક કરવાની તૈયારીમાં છે ત્યારે એક તરફ વડોદરાની એસએસજી હોસ્પિટલ કોરોના સામે યુધ્ધ માટે તૈયાર થઇ રહી છે બીજી તરફ એસએસજી હોસ્પિટલના સર્જરી વિભાગના ડોક્ટરોએ સર્જરીનો વિશ્વ રેકોર્ડ તોડવાની સિધ્ધિ હાંસલ કરી છે. પાદરા તાલુકાના યુવકના શરીરમાં થયેલી ૭૩ ગાંઠોનો એક જ ઓપરેશનમાં નિકાલ કરીને ડોક્ટરોએ રેકોર્ડ તોડયો છે.

૪૦ વર્ષનો યુવક નગીન દેવજીભાઇ રોહીત પાદરા તાલુકાના મુવાલ ગામે રહે છે. ૧૦ વર્ષથી તેના શરીરના વિવિધ ભાગો પર ગાંઠો ઉપસી આવી હતી. છેલ્લા બે વર્ષથી આ ગાંઠોના કદમાં સતત વધારો થઇ રહ્યો હતો. છેલ્લા એક મહિનાથી તો યુવકને પીઠમાં સખત દુખાવો થતો હતો અને ચાલે ત્યારે પણ પગમાં દુખાવો થતો હતો. આથી પાદરાના ડોક્ટરે યુવકને વડોદરા એસએસજી હોસ્પિટલમાં દાખલ થવાનું કહ્યું હતું.

નગીન રોહિત ગત તા.૧૭ ડિસેમ્બરે એસએસજી હોસ્પિટલના વોર્ડ નં.૨માં દાખલ થયો હતો. અહી ડોક્ટરોએ તેનુ સ્કેનિંગ કરતા નગીનના શરીર પર બે ઇંચથી લઇને પાંચ ઇંચ સાઇઝની કુલ ૭૨ ગાંઠો મળી આવી હતી. ડોક્ટરોએ બુધવારે નગીનનું ઓપરેશન હાથ ધર્યુ હતુ અને આખા તમામ ૭૨ ગાંઠોનો નિકાલ કર્યો હતો.

સર્જન ડો.આદિશ જૈનનો દાવો છે કે આ એક વિશ્વ રેકોર્ડ છે કેમ કે અત્યાર સુધીમાં વિશ્વમાં એક દર્દીના શરીરમાં એક જ સિટિંગમાં એટલે કે એક જ ઓપરેશનમાં ૬૮ ગાંઠો કાઢવામાં આવી છે. આ ઓપરેશનડો.આદિશ જૈન અને તેની ટીમ સંદિપ રાવ, અશ્વિન કંકોટીયા, અલોક અને એનેસ્થેસિયા ટીમના ડો.સ્વાતિ અને ડો.દેવયાનીએ સફળતાપુર્વક પાર પાડયુ હતું.