સુરત: સુઈ રહેલા શ્રમિક પરિવાર પર ડમ્પર ફરી વળતાં 13 લોકોનાં ઘટનાસ્થળે મોત, થયા લાશોના ઢગલાં

સુરત: ગઈ મોડી રાતે દક્ષિણ ગુજરાતના કિમ-માંડવી રોડ પર આવેલા પાલોદ ગામ નજીક ફૂટપાથ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉંઘી રહેલી શ્રમજીવી પરિવાર પર ડમ્પર ફરી વળતાં 13 લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા જ્યારે અન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ દ્રશ્યો જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જ્યારે અકસ્મત બાદ લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. પોલીસે ડમ્પર ચાલક અને ક્લિનરની ધરપકડ કરી હતી. ડમ્પર ચાલક પકડાયો ત્યારે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મૂળ બાસવાડાના કુશલગઢના વતની અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પાંચથી છ પરિવારો છેલ્લાં પાંચ વર્ષથી પાલોદ ગામ પાસે રહેતા હતાં. તે દરમિયાન સોમવારે મોડી રાત્રે કિમથી માંડવી તરફ જઈ રહેલા ડમ્મર ચાલકે કિમ ચાર રસ્તા તરફ જતાં શેરડી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી ત્યાર બાદ ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ડમ્પર રસ્તાના કિનારે આવેલા ફૂટપાથ તરફ જતી રહી હતી જ્યાં સૂઈ રહેલા 20 શ્રમિકોને કચડી નાખ્યા હતા.

ભરનીંદરમાં રહેલા શ્રમિક પરિવારો પર ડમ્પર ચઢી જતાં 13 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં જ્યારે 8ને ગંભીર ઈજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. સુઈ રેહલા શ્રમિકો પર ડમ્પર ફરી વળતાં મોટા ભાગના લોકોની ડેડબોડી કચડાઈ ગઈ હતી. એકસાથે 13 લોકોનાં મોત થતાં ઘટનાસ્થળે લોહીનાં ખાબોચિયા ભરાઈ ગયાં હતાં.

બેકાબૂ બનેલા ડમ્પરે પાંચ જેટલી દુકાનના શેડ પણ તોડી નાખ્યા હતાં. ટ્રેક્ટરને ટક્કર માર્યા બાદ ફૂટપાથ પર સૂતેલા શ્રમિકોને કચડ્યા બાદ ડમ્પર ચાલકે ફૂટપાથ કુદાવી પાછળની તરફ આવેલી દુકાનો સાથે ભટકાવી દીધું હતું જેને પગલે પાંચેક જેટલી દુકાનોના શેડ તૂટી ગયા હતા.

સોમવારની મોડી રાતે બનેલી ઘટનામાં 6 મહિનાની બાળકી માતા-પિતા સાથે સુઈ રહી હતી તે સમયે ડમ્પર ચાલકે ફૂટપાથ પર સુઈ રહેલા શ્રમિકો સહિત તેના માતા-પિતાને પણ કચડી નાખતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જોકે આ નાનકડી બાળકીનો આબાદ બચાવ થયો હતો. જોકે આ નાની બાળકી લાશોના ઢગલા વચ્ચે પોતાના માતા-પિતાને શોધી રહી હતી.