92 વર્ષના અબજોપતિ મીડિયા સમ્રાટે 66 વર્ષીય મહિલા સાથે કરી સગાઈ

મીડિયા મુગલથી સમગ્ર વિશ્વમાં જાણીતા રુપર્ટ મર્ડોક ૯૨ વર્ષની ઉંમરમાં પાંચમાં લગ્ન કરવા જઇ રહ્યાં છે. એક વેબસાઇટના અહેવાલ અનુસાર મર્ડોકે આ જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા છે. આ સમાચારથી ઇન્ટરનેટ પર સનસનાટી ફેલાઇ ગઇ છે.

સોશિયલ મીડિયા પર મર્ડોક ટ્રેન્ડ થઇ રહ્યાં છે. અનેક યુઝર આ સમાચાર અંગે પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. તેમણે આઠ મહિના પહેલા જ અભિનેત્રા જેરી હેલને છૂટાછેડા આપ્યા હતાં.

હવે તેમણે ૬૬ વર્ષીય એન લેસ્લી સ્મિથ સાથે સગાઇ કરી છે. વેબસાઇટના એક અહેવાલ અનુસાર એન લેસ્લી સ્મિથના લગ્ન અગાઉ પશ્ચિમી ગાયક અને રેડિયો ટીવી પ્રોેફેશનલ ચેસ્ટર સ્મિથ સાથે થયા હતાં. ૨૦૦૮માં સ્મિથનું મોત થયું હતું.

રુપર્ટ મર્ડોક હાલમાં ફોક્સ કોર્પોરેશનના પ્રમુખ છે. તેમની કંપની સમગ્ર વિશ્વમાં મીડિયોનો બિઝનેસ કરે છે. આ ઉપરાંત તેઓ વોેલ સ્ટ્રીટ જર્નલ, ધ સન અને પબ્લિશિંગ હાઉસ હાર્પર કોલિન્સ તથા ન્યૂયોર્ક પોસ્ટના પણ માલિક છે. મર્ડોકનો જન્મ ૧૯૩૧માં ઓસ્ટ્રેલિયામાં થયો હતો. હાલમાં તે અમેરિકાના પણ નાગરિક છે. તેમણે ૫૦-૬૦ના દાયકામાં અનેક મીડિયા કંપનીઓ ખરીદીને એક મોટું પ્લેટફોર્મ રચ્યું હતું. આ પ્લેટફોર્મ દ્વારા જ વિશ્વની અનેક મીડિયા કંપનીઓ સંચાલિત કરવામાં આવે છે.

મર્ડોકના પ્રથમ લગ્ન ૧૯૫૬માં પેટ્રેસિયા બુક સાથે થયા હતાં. બીજા લગ્ન ૧૯૬૭માં અન્ના મારીયા ટોર્વ સાથે કર્યા હતાં. આ લગ્ન ૨૨ વર્ષ ટક્યા હતાં. તેમણે ત્રીજા લગ્ન વેંડી દેંગ સાથે કર્યા હતાં. ૨૦૧૬માં તેમણે ચોથા લગ્ન મોડેલ જેરી હોલ સાથે કર્યા હતાં.