બીજા લગ્નની લાલચમાં 4-4 સગી દીકરીઓને ઝેર આપીને મારી નાખી

એક નરાધમ પિતાએ ફુલ જેવી માસૂમ ચાર દીકરીઓને ઝેરી આપીને પાણીના ટાંકીમાં નાખીને મોતને ઘાટ ઉતારી હતી. આરોપી પિતા બીજા લગ્ન કરવા માગતો હતો અને તેથી જ તેણે ચારેય દીકરીઓને મારી નાખી. બાળકોના મામા દેવારામે પોલીસે કહ્યું હતું કે 3 મહિના પહેલાં તેની બહેનનું કોરોનાને કારણે મોત થયું હતું. પછી જીજા પુરખારામ પોતાની સાળી સાથે લગ્ન કરવાની જિદ લઈને બેઠો હતો. ના પાડતા તેણે ચારેય બાળકોને પાણીમાં ઝેર આપીને મારી નાખ્યા અને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો.

રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ પોલીસ સ્ટેશનના પોશાલ નવપુરા ગામમાં રહેતા 32 વર્ષીય પુરખારામના લગ્ન 10 વર્ષ પહેલાં પપ્પુ સાથે થયા હતા. તેમને ચાર દીકરીઓ જીયા (7), વસંધુરા (5), હિના (3) તથા લક્ષ્મી (18 મહિના) હતી. આ વર્ષે જૂનમાં પત્નીનું કોરોનાને કારણે મોત થતાં પુરખારામ બીજા લગ્નને કારણે ટેન્શનમાં હતા. તે સાળી સાથે લગ્ન કરવા માગતો હતો. સાસરીયા વાળા તેને વારંવાર સમજાવતા હતા કે સાળીના લગ્ન અન્ય જગ્યાએ ફિક્સ થઈ ગયા છે. તેને લાગ્યું કે ચાર દીકરીઓના બાપને કોણ છોકરીઓ આપશે, તો તેણે દીકરીઓને મારી નાખવાનું નક્કી કર્યું.

દીકરીઓ મોસાળમાં રહેતી હતીઃ પત્નીના મોત બાદ ચારેય દીકરીઓ મોસાળમાં રહેતી હતી. પોલીસે કહ્યું હતું કે બે દિવસ પહેલાં જ પુરખારામ દીકરીઓને લઈ આવ્યો હતો. અહીંયા તેણે ફરીવાર સાળી સાથે લગ્ન કરવાની જિદ કરી હતી. સાસરિયાએ તેને અન્ય જગ્યાએ પરણાવી દેવાનું કહ્યું હતું. ઘરે લાવ્યા બાદ પુરખારામે ચારેય દીકરીઓને મચ્છર મારવાની દવા પાણીમાં નાખીને પીવડાવી દીધું હતું. તેને એ વાતનો ડર લાગ્યો હતો કે જો પોલીસને ખબર પડી જશે તો તેને જેલ થશે. આ ડરથી તે પાણીની ટાંકીમાં કૂદી ગયો હતો.

દવાના નામે ઝેર પીવડાવ્યુંઃ એએસપી નરપત સિંહે કહ્યું હતું કે પુરખારામે ત્રણેય દીકરીઓને પાણીમાં ઝેર નાખીને દવા છે એમ કહીને પીવડાવી દીધું હતું. ત્યારબાદ ત્રણેયને પાણીની ટાંકીમાં નાખી દીધી હતી. પછી 18 મહિનાની દીકરીને ઝેર પીવડાવ્યું અને પોતે પણ પીધું હતું. ત્યારબાદ તે નાની દીકરી સાથે પાણીની ટાંકીમાં કૂદ્યો હતો. પુરખારામને આસપાસના લોકો જોઈ ગયા હતા. પાણી ઓછું હોવાને કારણે તે તો બચી ગયો, પરંતુ બાળકીઓને બચાવી શક્યા નહીં.

ગામવાસીઓએ બાળકીઓ માટે 2 લાખ રૂપિયા ભેગા કર્યા હતાઃ બાળકોના મામા દેવારામની ફરિયાદ પર પુરખારામ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. અત્યારે તે પોલીસ કસ્ટડીમાં છે. ગામના લોકોએ કહ્યું હતું કે પત્નીના મોત બાદ બાળકીઓના ભરણ પોષણ માટે 2 લાખ રૂપિયા ભેગા કરી આપ્યા હતા.