‘બિગ બોસ’ના વિનર સિદ્ધાર્થ શુક્લાના અવસાનથી આખું TV ઈન્ડસ્ટ્રી આઘાતમાં

ટીવીનો લોકપ્રિય એક્ટર તથા ‘બિગ બોસ 13’નો વિનર સિદ્ધાર્થ શુક્લાનું માત્ર 40 વર્ષની ઉંમરે હાર્ટ- અટેકથી અવસાન થતાં ટીવી ઇન્ડસ્ટ્રી શોકમાં છે. મુંબઈની કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થના અવસાનના સમાચાર કન્ફર્મ કર્યા છે. સિદ્ધાર્થના અવસાન બાદ ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા સેલેબ્સે શ્રદ્ધાંજલિ પાઠવી છે.

સના ખાને વાત કરતાં કરતાં રડી પડી હતી. તેણે કહ્યું હતું, ‘હું તેને અંગત રીતે ઓળખતી હતી. મને પહેલીવાર વિશ્વાસ ના થયો. મને લાગ્યું કે મેં કંઈ ખોટું સાંભળ્યું છે. ભગવાન સિદ્ધાર્થના પરિવારને આ મુશ્કેલ ઘડીમાં હિંમત આપે. આ બહુ જ ખોટું થયું છે. આ સમાચાર પર વિશ્વાસ કરવો ઘણો જ મુશ્કેલ છે. મેં ગૂગલ પણ કર્યું કે જે વાત આવી છે એ સાચી છે કે નહીં. તે ઘણી જ સારી વ્યક્તિ હતી.

‘બિગ બોસ 13’ના પૂર્વ સ્પર્ધક અબુ મલિકે કહ્યું હતું, ‘મેં બે દિવસ પહેલાં જ તેની સાથે વાત કરી હતી. તે મારા એક વીડિયોમાં કામ કરવાનો હતો. તેણે મને કહ્યું હતું કે તે આ વીડિયોમાં કામ કરશે. મને હજી વિશ્વાસ થતો નથી કે તે હવે નથી. મને આ સાંભળીને ઘેરો આઘાત લાગ્યો છે.’

‘બિગ બોસ 13’ની સ્પર્ધક તથા ટીવી એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્યે કહ્યું હતું, ‘આ વાત સાચી છે કે સિદ્ધાર્થ આપણને છોડીને જતો રહ્યો. હું હવે ક્યારેય પહેલાંની જેમ નહીં રહી શકું. આ ઘણું જ આઘાતજનક છે. અત્યારે મારી પાસે તેના વિશે કોઈ જ શબ્દો નથી.’

આરતી સિંહ સાથે એક ખાનગી વેબસાઈટે વાત કરવાનો પ્રયાસ કર્યો ક્યારે તે ફોનમાં સતત રડતી હતી અને તેણે એટલું જ કહ્યું કે તે આ સમાચાર પર વિશ્વાસ કરી શકે એમ નથી.

શેફાલી ઝરીવાલાએ કહ્યું હતું, ‘થોડા દિવસ પહેલાં જ અમે મળ્યાં હતાં અને તે બિલકુલ ફિટ હતો. ઘણો જ ખુશ દેખાતો હતો. અમે કલાકો સુધી વાતચીત કરી. તે પોતાના કામ અંગે ઘણો જ ખુશ હતો. આથી તેણે કંઈ વધારે વાત નહોતી કરી. આ સમાચાર સાંભળીને આઘાતમાં છું. સિદ્ધાર્થ અમને છોડીને જતો રહ્યો એ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.’

અરહાન ખાનઃ ‘અંદાજે 2 મહિના પહેલાં હું સિદ્ધાર્થને મળ્યો હતો. ‘બિગ બોસ’ના ઘરમાં અમારી વચ્ચે ઝઘડો થતો હતો, પરંતુ શો પૂરો થયા બાદ અમે પેચઅપ કરી લીધું હતું. અનેકવાર ફોન પર વાત થઈ હતી. તેના બર્થડે પર પણ વાત થઈ હતી. તેના મોતના સમાચાર સાંભળીને મને એ વાત યાદ આવી જ્યારે તે ‘બિગ બોસ’ના ઘરમાં સાજો થઈને ફરીવાર આવ્યો હતો. મેં તેને ગળે લગાવ્યો હતો. તેણે ભાવુક થઈને કહ્યું હતું, ‘આવું બધું તો ચાલતું રહે. આપણે આપણી રમતને ભૂલવી જોઈએ નહીં. જીવન તો ચાલતું રહે છે. વિશ્વાસ નથી થતો કે સિદ્ધાર્થ જતો રહ્યો.’

મધુરિમા તુલીઃ ‘સિદ્ધાર્થને મમ્મી સાથે ઘણું જ બનતું હતું. તેમના પર શું વીતતું હશે એ તો ભગવાન જાણે. એ જ દુઆ કરું છું કે તેની મમ્મીને આ દુઃખની ઘડીમાં ભગવાન હિંમત આપે. ‘બિગ બોસ’ના ઘરમાં તેની સાથે જોડાયેલી ઘણી જ યાદો છે. ક્યારેક સાથે હસતાં હતાં તો ક્યારેક રડતાં હતાં. આવી ક્ષણો હંમેશાં યાદ રહેશે. તે ઘણી જ સારી અને સમજદાર વ્યક્તિ હતી. દુઃખ એ વાતનું છે કે તે હવે આપણી સાથે નથી. દુઃખ કરતાં વધારે શોકમાં છું. તેમના પરિવાર માટે પ્રાર્થના.’

સ્મિતા બંસલઃ ‘બાલિકા વધૂ’માં સિદ્ધાર્થની કો-સ્ટાર રહી ચૂકેલી સ્મિતાએ કહ્યું હતું, ‘વારંવાર મીડિયા રિપોર્ટ્સ વાચું છું. ક્યાંક કોઈ જગ્યાએ લખ્યું હોય કે આ સમાચાર ખોટા છે. મારી પાસે કોઈ શબ્દો નથી. સિદ્ધાર્થ આ રીતે જઈ શકે નહીં. કેવી રીતે વિશ્વાસ કરું.’