ડૉક્ટરના ઘરે જિમ ટ્રેનર વર્કઆઉટ કરાવવા જતો, કંઈક એવું રંધાયું કે આવ્યો ખોફનાક અંજામ

પતિ, પત્ની અને જિમ ટ્રેનરના કેસમાં દિવસે ને દિવસે હચમચાવી દેતા ખુલાસા થઈ રહ્યા છે. ફેમસ ડૉક્ટરની પત્નીને જેની સાથે અફેર હોવાની વાત છે એ જિમ ટ્રેનર પર જીવલેણ હુમલો થયો હતો. પાંચ ગોળીઓ વાગી હોવા છતાં જિમ ટ્રેનર જાતે સ્કૂટી ચલાવીને હોસ્પિટલ પહોંચ્યો હતો. જેની હાલ સારવાર ચાલી રહી છે. જિમ ટ્રેનરે જણાવ્યું હતું કે ડૉક્ટર અને તેની પત્ની તેની પાછળ હાથ ધોઈને પડી ગયા છે. જ્યારે જિમ ટ્રેનરના ભાઈએ દાવો કર્યો હતો કે ડૉક્ટરની પત્ની તેના ભાઈની પાછળ પાગલ છે. બીજી તરફ ડૉક્ટરની પત્ની અને જિમ ટ્રેનર વચ્ચે 9 મહિનામાં 1100 વખત કૉલ થયા હતા. બંને મોડી રાત સુધી વાતો કરતાં હતા.

શું હતી ઘટના: ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવો આ કિસ્સો બિહારનો છે. બિહારના પટનામાં જિમ ટ્રેનર વિક્રમ સિંહ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. વિક્રમ સિંહનો ગોળી વાગ્યા બાદનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયો પાંચ ગોળીઆ વાગ્યા બાદનો છે. વીડિયોમાં વિક્રમ સિંહ ગંભીર રીતે ઘાયલ જોવા મળ્યો છે. જોકે, ઘાયલ અવસ્થામાં પણ તે વાત કરે છે. તે કહે છે, ‘સવારે હું જિમ જવા માટે ગયો હતો. બે છોકરાઓએ તેની પર અંધાધુધ ગોળીબાર કર્યો હતો. બંને છોકરાઓ ભાગી ગયા હતા. પછી મેં બધાને મને હોસ્પિટલ લઈ જવાનું કહ્યું, પરંતુ કોઈ આવ્યું નહીં. સ્કૂટી ચલાવીને હું જાતે જ આવ્યો. આ બધું કરાવવા પાછળ હું 100 ટકા સ્યોર છું કે ડૉક્ટર રાજીવ સિંહની પત્ની ખુશ્બૂ સિંહે કરાવ્યું છે. તે મારી પાછળ હાથ ધોઈને પડી છે. આજથી નહીં, તે છેલ્લાં વર્ષથી મને મારવાની ધમકી આપે છે અને તેણે જ મરાવવા માટે માણસો મોકલ્યા છે.’

પૈસાની લેતીદેતીનો વિવાદ કે પછી આડાસંબંધ જવાબદાર? ઘાયલ વિક્રમસિંહના નિવેદનના આધારે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર રાજીવકુમાર સિંહ તથા તેની પત્ન ખુશ્બૂ સિંહ વિરુદ્ધ ફરિયાદ કરી છે. વિક્રમે પોલીસને કહ્યું હતું કે ખુશ્બુ તથા ડો. રાજીવ સિંહ પતિ-પત્ની છે અને પાટલિપુત્રામાં કંટ્રી ક્લબની પાસે રહે છે. તે એક વર્ષ પહેલાં તેમના ઘરે વર્કઆઉટ કરાવવા જતો હતો. જોકે, પૈસાની લેવડદેવડને કારણે તેણે જવાનું બંધ કરી દીધું હતું. પછી ખુશ્બૂ તેને સો.મીડિયાના માધ્યમથી હેરાન કરવા લાગી હતી. ત્રણ મહિના પહેલાં વિક્રમે તેની મમ્મીના ફોનથી ડોક્ટર રાજીવના ફોન પર વાત કરી તો ખુશ્બૂએ મારવાની ધમકી આપી હતી. જોકે પોલીસ પૈસાની લેતીદેતીનો મામલો હોવાની નકારી રહી છે. પોલીસના મતે ખુશ્બુસિંહ અને જિમ ટ્રેનર વચ્ચે આડાસંબંધ હતા કે નહીં તે દિશામાં તપાસ આગળ વધારી છે.

સીડીઆરમાં ખુશ્બૂ-વિક્રમની વાતચીતના અનેક પુરાવા મળ્યાઃ પટના પોલીસને આ કેસની તપાસ કરવા માટે ઘાયલ જિમ ટ્રેનરનો મોબાઇલ જપ્ત કર્યો હતો. ત્યારબાદ પોલીસે કોલ ડિટેલ્સ શોધી હતી. એસએસપી ઉપેન્દ્ર કુમાર શર્માના મતે, ખુશ્બૂ તથા વિક્રમની વચ્ચે આ વર્ષથી જાન્યુઆરીથી લઈ અત્યાર સુધી 1100 વાર વાત થઈ હતી. બંને વચ્ચે લેટ નાઇટ વાત થતી હતી. મોટાભાગે બંને વચ્ચે 30-40 મિનિટ વાત થતી હતી. શરૂઆતની તપાસમાં એ વાત સામે આવી કે આ વર્ષે 18 એપ્રિલના રોજ પહેલી જ વાર ડોક્ટર રાજીવે ફોન કરીને વિક્રમ સાથે વાત કરી હતી. આ દરમિયાન તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડોક્ટર તથા ખુશ્બૂ બંનેએ પોલીસ પૂછપરછમાં સહયોગ આપ્યો નહીં.

પોલીસને ઘટનાસ્થળે ચોંકાવનારી વસ્તુ મળીઃ રાજધાનીમાં જે રીતે જિમ ટ્રેનર પર જીવલેણ હુમલો થયો તેનાથી પટના પોલીસ પણ નવાઈમાં મૂકાઈ છે. વિક્રમ પર ફાયરિંગ કરવા માટે શાર્પ શૂટરને સોપારી આપવામાં આવી હતી. પોલીસને એ વાત ખબર પડી કે ફિઝિયોથેરપિસ્ટની પત્ની ખુશ્બૂ સિંહ તથા જિમ ટ્રેનર વચ્ચે અંગત સંબંધો હતા. આ વાતની જાણકારી ડોક્ટરને થતાં જ તેણે જિમ ટ્રેનરને ધમકી આપવાનું શરૂ કર્યું હતું અને તેથી જ વિક્રમ, ખુશ્બૂથી દૂર થઈ ગયો હતો.

ખુશ્બૂ વિક્રમના ઘરે આવીને રડવા લાગી હતીઃ ઘાયલ વિક્રમનો નાનો ભાઈ પણ જિમ ટ્રેનર છે. નાના ભાઈએ કહ્યું હતું કે ખુશ્બૂ જબરજસ્તી તેના ભાઈની પાછળ પડી હતી. જ્યારે તેની ભાઈ સાથે વાત થતી નહોતી ત્યારે તે એકવાર ઘરે આવીને રડવા લાગી હતી અને ઘણું બોલીને જતી રહી હતી. આખા મોહલ્લાએ આ સીન જોયો હતો. તે કોઈ પણ હાલતમાં ભાઈ સાથે વાત કરવા માગતી હતી. આ વાત 3-4 મહિના પહેલાની જ છે. ત્યારબાદ તેણે એકવાર રાતના 12 વાગે તેને ફોન કર્યો હતો. ખુશ્બૂ સિંહને કારણે જ તેના પતિ ડો.રાજીવે તેના ભાઈ વિક્રમને ગોળી મારી છે.

આ વર્ષે બ્લેડથી હુમલો થયો હતોઃ વિક્રમસિંહના મતે ખુશ્બુસિંહ તેની પાછળ હાથ ધોઈને પડી ગઈ હતી. એટલું જ નહીં ખુશ્બુસિંહે આ વર્ષે જાન્યુઆરી પર બ્લેડથી જીવલેણ હુમલો કર્યો હતો. છાતી પર બ્લેડના ઘા માર્યા હતા અને તેને 14 ટાંકા આવ્યા હતા.

પ્રાઇવેટ હોસ્પિટલે દાખલ ના કર્યો તો પીએમસીએચ પહોંચ્યોઃ 26 વર્ષીય વિક્રમનો પરિવાર મૂળ બાંકાના હરપુર ગામનો છે. પિતા હરે રામ સિંહ ઇન્ટિરિયર ડેકોરેટર છે. બે ભાઈ તથા એક ભાઈમાં વિક્રમ મોટો છે. પૂરો પરિવાર લોહાનીપુરના ગોરૈયામાં ભાડાના મકાનમાં રહે છે. સવારે છ વાગે વિક્રમ ઘરથી પટના માર્કેટ સ્થિત સિટી જિમમાં જવા નીકળ્યો હતો. હાલમાં તે અહીંયા ટ્રેનર છે. તે સ્કૂટી લઈને નીકળ્યો હતો. આ પહેલાં તે કંકડબાગ તથા બોરિંગ રોડના જિમમાં કામ કરતો હતો.

બુદ્ધમૂર્તિની પાસે લોહા ગલીમાં જ્યારે તે આવ્યો તો બંને તરફ ઊભેલા શાર્પ શૂટરોએ તેને ગોળી મારી હતી. બે હાથમાં, બે પગમાં અને એક ગોળી કમરમાં વાગવા છતાંય વિક્રમ હિંમત હાર્યો નહીં. તે સ્કૂટી ચલાવીને મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયો હતો. તેના શરીરમાંથી લોહી વહેતું હતું. જોકે, પ્રાઇવેટ હોસ્પિટલે તેને દાખલ કર્યો નહીં. અહીંથી તે અઢી કિમી દૂર સ્કૂટી ચલાવીને પીએમસીએચ ગયો હતો. અહીંયા પિતાને ફોન કરીને ગોળી વાગી હોવાની માહિતી આપી હતી. કમરમાં વાગેલી ગોળી શરીરમાં હજી પણ છે, બાકીની ચાર ગોળીએ ડોક્ટરે કાઢી નાખી છે.

દોડતા જોવા મળ્યા શાર્પ શૂટરઃ જિમ ટ્રેલરને ગોળી માર્યા બાદ પટનામાં આ હાઇપ્રોફાઇલ કેસ બની ગયો છે. ઘટનાની માહિતી પોલીસને કોઈએ ફોન કરીને આપી હતી. ત્યારબાદ કદમકુઆં પોલીસ આવી હતી. પછી સિટી એસપી સેન્ટ્રલ અમબરિશ રાહુલ તથા અન્ય અધિકારી આવ્યા હતા. જે જગ્યાએ ગોળી મારવામાં આવી ત્યારે ગુનેગારો વગર વાહને જોવા મળ્યા હતા. પોલીસે સીસીટીવી ફુટેજ ચેક કર્યા તો ખ્યાલ આવ્યો કે ગોળી માર્યા બાદ બંને શાર્પ શૂટર દોડતા ભાગી ગયા હતા. પોસીને શંકા છે કે તેમણે ઘટનાસ્થળથી દૂર કાર પાર્ક કરીને રાખી હશે.

મોડલિંગ તથા ફિલ્મમાં કામ કર્યું છેઃ વિક્રમ સિંહ માત્ર જિમ ટ્રેનર નથી. તેણે મોડલિંગ પણ કર્યું છે. 2015માં તે દેવ એન્ડ દિવાનો વિનર પણ રહી ચૂક્યો છે. મિત્રોના મતે, તેણે હિંદી તથા ભોજપુરીમાં કામ કર્યું છે. તેને સોંગ્સ પણ ગાયા છે. હિંદી તથા ભોજપુરીમાં તેના અનેક આલ્બમ આવ્યા છે. તેણે કોરસ ડાન્સર તરીકે રેપર બાદશાહ સાથે કામ કર્યું છે. સોનમ કપૂર તથા કરીના કપૂરના વીડિયો આલ્બમમાં પણ કામ કર્યું છે. ક્રિતિ સેનનને પણ તે મળી ચૂક્યો છે.

રાજીવને જેડીયુમાંથી હટાવ્યોઃ પૂર્વ બોરિંગ કેનાર રોડની રાય જી ગલીમાં ડો. રાજીવનું સાઇ ફિઝિયોથેરપી સેન્ટર છે. બોલિવૂડ એક્ટર્સ તથા ક્રિકેટર્સ સાથે રાજીવને ફોટો પડાવવાનો શોખ છે. આદિત્ય પંચોલી, બોબી દેઓલ, જેકી શ્રોફ સહિત અનેક સ્ટાર્સ સાથે તેના ફોટો છે. રાજીવ રાજકારણમાં પણ છે. તે હાલના મુખ્યમંત્રી નિતિશ કુમારની પાર્ટી જેડીયુમાં ડોક્ટર્સ સંગઠનનો ઉપાધ્યક્ષ છે. જોકે, પોલીસે પતિ-પત્નીને અરેસ્ટ કર્યા એટલે જેડીયુએ રાજીવને હટાવી દીધો હતો અને આ અંગેની પ્રેસ રિલીઝ પણ જાહેર કરી હતી.