ઘરમાં દીકરી પેદા થઈ તો પંપનો માલિક મફતમાં આપવા લાગ્યો પેટ્રોલ

બૈતુલ, મધ્ય પ્રદેશ: મોટાભાગે લોકો દીકરો પેદા થવાની ખુશીમાં ઉત્સવ મનાવતા હોય છે. પરંતુ મધ્ય પ્રદેશના બૈતૂલથી એક આનંદદાયક સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં એક પેટ્રોલપંપના સંચાલકે ઘરે દીકરી પધારવાની ખુશીમાં લોકોને એક્સ્ટ્રા પેટ્રોલ મફતમાં આપવાની જાહેરાત કરી હતી.

પેટ્રોલ પંપ ચાલકે 3 દિવસ રોજ સવારે 9 થી 11 અને સાંજે 5 થી 7 દરમિયાન પેટ્રોલ ખરીદનાર ગ્રાહકોને એક્સ્ટ્રા પેટ્રોલ આપ્યું હતું. મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને આ રાહત મળવા પર તેમણે ખુશી વ્યક્ત કરી હતી અને સાથે પેટ્રોલપંપ સંચાલકની પ્રશંસા પણ કરી હતી.

રાજેન્દ્ર સૈનાની નામના પેટ્રોલ પંપ સંચાલકે શહેરના ઘણા સ્થળે આ ઓફરના પોસ્ટર લગાવડાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, ‘હું નહોતો ઇચ્છતો કે લોકો તેને સસ્તી લોકપ્રિયતા મેળવવાના સ્ટંટ તરીકે જુએ. મફત એક્સ્ટ્રા પેટ્રોલ એ મારા ઘરે દીકરી આવી તેની ખુશીમાં છે.’

1 લીટર પર 5 ટકા એક્સ્ટ્રા પેટ્રોલ મેળવનાર એક ગ્રાહક ગજેન્દ્ર પવારે કહ્યું કે,‘દીકરીના જન્મ પર ખુશી વહેંચવાનો આ તરીકો પ્રેરણાદાયક છે. કારણ કે, દેશમાં આજે પણ એવા ઘણા લોકો છે જે દીકરીના જન્મથી દુઃખી થાય છે. ઘરમાં લક્ષ્મી આવવા પર આવી ઓફર પ્રશંસનીય છે. દરેક આવા વિચાર રાખવાની જરૂર છે.’

ઉલ્લેખનીય છે કે, બાળકને જન્મ આપનારી માતા શિખા જન્મથી જ મૂકબધિર છે. પિતા ગોપાલદાસના નિધન બાદ પંપ સંચાલક રાજેન્દ્ર સૈનાનીએ દીકરીની જેમ તેને ઉછેરી અને ધૂમધામથી લગ્ન કરાવ્યા હતા. શિખાના પતિ પણ તેની જેમ જ મૂકબધિર છે અને ભોપાલમાં નોકરી કરે છે.