11 વર્ષ નાના કોન્સ્ટેબલને કરવા લાગી પ્રેમ, પોલીસ સ્ટેશનની સામે ધરણા પર બેઠી

આ અજબ પ્રેમની ગજબ કહાની છે. 43 વર્ષીય મહિલાનો દાવો છે કે તેને 11 વર્ષ નાના પોલીસ કોન્સ્ટેબલ સાથે પ્રેમ થયો છે. તેનો પ્રેમ રાધા જેવો પવિત્ર છે. તેને કોઈ અલગ કરી શકશે નહીં. આ મહિલા હવે દમોહ પોલીસ સ્ટેશનની સામે હાથમાં તિરંગો લઈને ધરણા પર બેઠી છે. આટલું જ નહીં, તેણે એક બેનર પણ બનાવ્યું છે, જેમાં તેણે કોન્સ્ટેબલનું નામ લખીને તેને પોતાનો ભગવાન ગણાવ્યો છે. તે ત્યારે જ અહીંયાથી ઊભી થશે જ્યારે મુખ્યમંત્રી તેને કોન્સ્ટેબલ આકાશ સાથે પત્નીની જેમ રહેવાની પરવાનગી આપશે.

મંગળવાર, 14 સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશના દમોહમાં પોલીસ સ્ટેશનની સામે વિનીતા તિરંગો લઈને ધરણા પર બેઠી હતી. તે બેનર લઈને આવી હતી. તેણે કહ્યું હતું કે કોન્સ્ટેબલ આકાશ પાઠકને પ્રેમ કરે છે. નાનપણથી તે તેના સપનામાં આવે છે. સપનામા ચહેરો સ્પષ્ટ નહોતો દેખાતો, પરંતુ 3 વર્ષ પહેલાં તેને સ્પષ્ટ રીતે આકાશનો ચહેરો દેખાયો હતો. પછી તે પોલીસ સ્ટેશન આવી અને નંબર લઈને આકાશ સાથે વાત કરી હતી. તેણે આકાશને પ્રેમ અંગે વાત કરી હતી.

પ્રેમની કોઈ ઉંમર હોતા નથીઃ હટા પોલીસ સ્ટેશનની હદમાં રહેતી વિનીતાએ 3 વર્ષ પહેલાં પતિ અને બાળકોને તરછોડી દીધા છે. તે એકલી રહે છે. કોન્સ્ટેબલ આકાશ પણ પરિણીત છે. 11 વર્ષ નાનો હોવા છતાંય તે તેને ભગવાન માને છે. તે કહે છે કે આકાશના પ્રેમ માટે તેણે પરિવાર, બાળકો તથા પતિને છોડી દીધો છે. હવે તે માત્ર આકાશ સાથે જ જીવન પસાર કરવા માગે છે.

મુખ્યમંત્રી પરવાનગી આપીઃ મહિલાનું કહેવે છે કે તે છેલ્લાં ત્રણ વર્ષથી પોલીસ સ્ટેશન આવે છે અને આકાશને મળવાનો પ્રયાસ કરે છે. અધિકારીઓને અરજી પણ આપી છે, પરંતુ કંઈ કાર્યવાહી થઈ નથી અને એટલે જ તે ધરણા પર બેઠી છે. તે ઈચ્છે છે કે મુખ્યમંત્રી, કલેક્ટર, એસપી વગેરે પરવાનગી આપે અને તે આકાશ સાથે પત્નીની જેમ જીવન જીવી શકે.

3 વર્ષથી હેરાન છુંઃ એક તરફી પ્રેમમાં પાગલ મહિલા અંગે આકાશ પાઠકે કહ્યું હતું કે તેને મહિલા સાથે કોઈ સંબંધ નથી. તે મહિલાને ઓળખતો પણ નહોતો. મહિલા અચાનક 3 વર્ષ પહેલાં પોલીસ સ્ટેશન આવી હતી. ત્યારબાદ તે સતત આવે છે. આ ઘટનાથી તે માનસિક રીતે હેરાન થઈ રહ્યો છે.

કાર્યવાહી કરવામાં આવશેઃ સીએસપી અભિષેક તિવારીએ કહ્યું હતું કે આ કેસની તમામ માહિતી ભેગી કરવામાં આવી રહી છે કે કોન્સ્ટેબલ કોણ છે. તે કોન્સ્ટેબલ સાથે વાત કરવામાં આવશે. આ ઉપરાંત મહિલા અધિકારી તે મહિલા સાથે વાત કરશે.