ભાભીએ ઘરમાંથી દિવ્યા ભારતીની તમામ તસવીરો કાઢી નાખી, એનિવર્સરી પર નથી કરતા કોઈ જાતની પૂજા

ગીતી સહેગલ, મુંબઈઃ 1993માં પાંચ એપ્રિલના રોજ કોઈને સપનેય ખ્યાલ નહોતો કે તેમની ફેવરિટ એક્ટ્રેસ દિવ્યા ભારતી માત્ર 19 વર્ષની ઉંમરે આ દુનિયાને અચાનક જ અલવિદા કહેશે. દિવ્યા ભારતીએ આત્મહત્યા કરી, હત્યા થઈ કે પછી એ માત્ર એક સંયોગ હતો તે આજ સુધી ખ્યાલ આવ્યો નથી. પોલીસના ચોપડે આ કેસ બંધ થઈ ગયો છે. જોકે, દિવ્યા ભારતીનું જે રીતે નિધન થયું તેનાથી ચાહકોના મનમાં અનેક સવાલો છે પણ આ સવાલના જવાબ હવે ક્યારેય મળી શકે તેમ નથી.

ઉલ્લેખનીય છે કે પાંચ એપ્રિલની રાત્રે દિવ્યા ભારતી પોતાના ડ્રોઈંગ રૂમની બારી આગળ દારૂનો ગ્લાસ હાથમાં લઈને બેઠી હતી અને પાછી ફરતી વખતે અચાનક જ એકટ્રેસે બેલેન્સ ગુમાવ્યું અને તે પાંચમા માળની બારીથી નીચે પટકાઈ હતી. મુંબઈના વર્સોવામાં આવેલા તુલસી 2 અપાર્ટમેન્ટના પાંચમા માળેથી નીચે પડી હતી. આ અપાર્ટમેન્ટના મોટાભાગના ઘરોમાં બારીને ગ્રીલ હતી પરંતુ દિવ્યા ભારતીએ ગ્રીલ નખાવી નહોતી. આટલુ જ નહીં સામાન્ય રીતે પાર્કિંગમાં બેથી ત્રણ કાર પાર્ક થયેલી હોય છે પરંતુ દિવ્યા ભારતી જ્યારે નીચે પડી ત્યારે પાર્કિંગમાં એક પણ કાર નહોતી. દિવ્યા ભારતીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેને આ દુનિયા છોડી દીધી હતી. દિવ્યા ભારતીના નિધનના આટલા વર્ષો બાદ પહેલી જ વાર એક કોઈ ગુજરાતી મીડિયાએ એક્ટ્રેસના પરિવાર સાથે વાત કરી હતી.

RealGujarat.inએ દિવ્યા ભારતીના પિતા તથા ભાભી સાથે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે દિવ્યા ભારતીએ પ્રોડ્યૂસર સાજિદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં દિવ્યા ભારતી પેરેન્ટ્સ સાથે મુંબઈના અર્ચના કુટીર ફ્લેટના પાંચમા માળે આવેલા ફ્લેટ નંબર 501 તથા 502માં રહેતી હતી.

દિવ્યા ભારતીના નિધનને આજે તો 27 વર્ષ થઈ ગયા છે. તેની માતાનું ગયા વર્ષે નિધન થયું હતું. પિતા ઓ પી ભારતી 83 વર્ષના છે. દિવ્યા ભારતીનો ભાઈ કુનાલ ભારતી તથા તેની પત્ની સોનાલી મુખર્જી ભારતી અને તેમના બે સંતાનો આ ફ્લેટમાં રહે છે. કુનાલ ટાઈમ્સ નાઉમાં ફાઈનાન્સિયલ હેડ છે અને સોનાલી ડેનટિસ્ટ છે. દીકરી અલીકા ભારતી 15 વર્ષની છે અને દીકરો સિદ્ધાંત આઠ વર્ષનો છે. તેણે ચેસમાં 25થી વધુ મેડલ જીત્યા છે. આટલું જ નહીં સિદ્ધાંત નેશનલ લેવલનો ચેમ્પિયન છે.

દિવ્યા ભારતીના રૂમમાં રહે છેઃ દિવ્યા ભારતી લગ્ન પહેલાં જે રૂમમાં રહેતી હતી, આજે એ રૂમમાં સિદ્ધાંત પોતાની બહેન અલીકા સાથે રહે છે.

કોઈ પૂજા કે કંઈ નથી કરતાઃ દિવ્યા ભારતીની ભાભી સોનાલીએ વાતચીતમાં કહ્યું હતું કે તેઓ એક્ટ્રેસની બર્થ એનિવર્સરી તથા ડેથ એનિવર્સરી પર કોઈ પૂજા કરતા નથી. જોકે, એક્ટ્રેસના ચાહકો કાર્ડ, કેક તથા ગિફ્ટ્સ મોકલે છે, તેમાં પણ સાઉથ ઈન્ડિયન ચાહકો હોય છે.

પિતાએ કહી આ વાતઃ દિવ્યા ભારતીના પિતા ઓપી ભારતીએ કહ્યું હતું કે તેઓ માત્ર દિવ્યાનું નામ લે એટલે તેમના ચહેરા પર હાસ્ય આવી જાય છે. તેઓ દિવ્યાને જન્મ દિવસ કે ડેથ એનિર્વસરી પર યાદ કરતા નથી, કારણ કે તે હંમેશાં તેમના દિલ તથા મનમાં રહે છે. તેમના જીવનની એક ક્ષણ પણ એવી નહીં હોય જ્યારે તેમણે દીકરી અંગે વિચાર ના કર્યો હોય. આથી જ તેઓ પૂજા કે એવું કંઈ કરતા નથી. દિવ્યા ભારતીના પિતા આટલું બોલ્યા ત્યારે જ તેમની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા હતાં. વધુમાં તેમણે કહ્યું હતું કે દિવ્યાનું નામ લેવાથી જ એક ક્ષણે તેમના ચહેરા પર હાસ્ય આવે છે તો બીજી જ ક્ષણે તેમની આંખમાંથી આંસુઓની ધાર વહેવવા લાગે છે. તેમના માટે દિવ્યા ભારત દરેક રીતે સ્પેશિયલ હતી અને તેઓ તેને ઘણો જ પ્રેમ કરતાં હતાં.

દિવ્યા ભારતીના ઘરમાં તેના એક ચાહકે કુશન પર તેના ફોટો હોય તે રીતનું કવર મોકલાવ્યું હતું. આ કુશન ડ્રોઈંગ રૂમમાં જોવા મળે છે.  દિવ્યાની ભાભી સોનાલીએ કહ્યું હતું કે તેમણે ઘરમાં માત્ર બે જ તસવીરો રાખી છે. એક તસવીરમાં દિવ્યા ભારતી એકલી છે અને બીજા તસવીરમાં તે તેના ભાઈ કુનાલ સાથે છે. આ અંગે સોનાલીએ કહ્યું હતુ કે 10-15 વર્ષ પહેલાં ઘરમાં દરેક જગ્યાએ દિવ્યા ભારતીની તસવીરો લગાવવામાં આવેલી હતી પરંતુ તેને કારણે તેના પેરેન્ટ્સને ઘણું જ દુઃખ થતું હતું. આથી જ ઘરમાં હવે માત્ર બે જ તસવીર લગાવવાનું નક્કી કર્યું હતું.

આજે પણ સાજીદ નડિયાદવાલાના સંપર્કમાં: પરિવાર આજે પણ દિવ્યા ભારતની પતિ એટલે કે સાજીદ નડિયાદવાલાના સંપર્કમાં છે. દિવ્યા ભારતીનું નિધન થયું એના એક વર્ષ પહેલાં જ એક્ટ્રેસે સાજીદ સાથે લગ્ન કર્યાં હતાં અને લગ્ન બાદ તે તુલસી 2માં રહેતી હતી. દિવ્યા ભારતીનું જે દિવસે નિધન થયું તે દિવસે સવારે તે પિતા, ભાઈ સાથે સવારના 3-4 વાગે સાથે હતાં. દિવ્યા તથા સાજીદ નવો ફ્લેટ લેવા માગતા હતાં અને તેમણે નવો ફ્લેટ શોધી લીધો હતો. દિવ્યા આ વાતથી ઘણી જ ખુશ હતી. સાંજે દિવ્યાને તેના પિતા તથા ભાઈએ તુલસી અપાર્ટમેન્ટમાં ડ્રોપ કરી હતી અને તેઓ તેમના ઘરે જતા રહ્યાં હતાં. આ ઘર સાજીદે ભાડે લીધું હતું. થોડાંક જ કલાકમાં તેમની પર ફોન આવ્યો કે દિવ્યા ફ્લેટની નીચે પડી ગઈ અને તેનું નિધન થઈ ગયું હતું. આજે પણ સાજીદ નડિયાદવાલા ઓપી ભારતીને ડેડી કહીને જ બોલાવે છે. આટલું જ નહીં નિયમિત રીતે ફોન કરીને તેમની સાથે વાત કરે છે. આ ઉપરાંત સાજીદની જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થવાની હોય ત્યારે તે ભારતી ફેમિલી તથા તેમના મિત્રો માટે ખાસ સ્ક્રિનિંગ રાખે છે. હાલમાં જ ‘બાગી 3’નું સ્ક્રિનિંગ સની સુપરસાઉન્ડ થિયેટરમાં રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં ભારતી ફેમિલી તથા તેમના નિકટના મિત્રો હાજર રહ્યાં હતાં. ઓપી ભારતીએ પરિવાર, મિત્રો તથા સાજીદ સાથે ફિલ્મ જોઈ અને પછી તેમણે તે બધાની સાથે ડિનર લીધું હતું.

નવ વર્ષથી એક પરિવાર રહે છેઃ તુલસી અપાર્ટમેન્ટના પાંચમા માળેથી દિવ્યા ભારતી નીચે પડી હતી. આ ફ્લેટ વર્ષો સુધી બંધ રહ્યો હતો. છેલ્લાં 8-9 વર્ષથી એક પરિવાર અહીંયા રહે છે પરંતુ આ પરિવારને આ કિસ્સા અંગે કોઈ વાત કરવી નથી.

સિદ્ધાંતને એક્ટર બનવું છેઃ દિવ્યા ભારતીના ભત્રીજા સિદ્ધાંતને એક્ટર બનવું છે. દાદા-દાદી બંને પૌત્ર-પૌત્રીને દિવ્યા ભારતીની વાતો કહેતા રહેતા હોય છે. તેમને ફોઈની વાતો સાંભળવી ગમે છે. ભાઈ કુનાલને બહેન વાત પરિવાર, ફ્રેન્ડ્સ કે મીડિયા સાથે કરવી પસંદ નથી.