ગ્રેનેટ બ્લાસ્ટમાં માત્ર 13 વર્ષની ઉંમરે ઊડી ગયા હાથ, આજે ડૉક્ટર બની આખી દુનિયામાં આપે છે મોટિવેશનલ સ્પીચ

જયપુર: હિંમત અને જુસ્સો હોય તો, વ્યક્તિ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ સફળતાનાં શીખર આંબી શકે છે. આવું જ એક પ્રેરણાદાયક ઉદાહરણ છે રાજસ્થાનમાં રહેતી આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર ડૉ. માલવિકા અય્યરનું. માલવિકા જ્યારે માત્ર 13 જ વર્ષની હતી ત્યારે એક ગ્રેનેડ બ્લાસ્ટમાં તેના બંને હાથના પંજા ઊડી ગયા હતા. તેમ છતાં તે હિંમત ન હારી. આજે તેની હિંમતની બધાં વખાણી રહ્યાં છે. ઉલ્લેખનિય છે કે, ગત મંગળવારે માલવિકા જન્મદિવસ હતો. આ નિમિત્તે તેણે ટ્વિટર પર એ સ્પીચને શેર કરી જે તેણે સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) માં આપી હતી.

ટ્વિટર પર શેર કરતાં માલવિકાએ લખ્યું: મેં મારા બંને હાથ ખોયા, એ સમયે સર્જરી દરમિયાન ડૉક્ટરે એક ભૂલ કરી નાખી હતી. ટાંકા લેતી વખતે હાથનું હાડકું બહાર નીકળી ગયું. હવે હાથના એ ભાગને કઈં અડી પણ જાય તો પણ ખૂબજ દુખતું હતું. પરંતુ મેં જીવનના સકારાત્મક પહેલૂને જોયો અને એજ હાડકાનો ઉપયોગ આંગળી તરીકે કર્યો. એ જ હાથથી મેં મારી પીએચડીનો આખો થીસિસ ટાઇપ કર્યો. વધુમાં તેણે લખ્યું: મેં નાની-નાની વસ્તુઓમાં મોટી-મોટી ખુશીઓ શોધવાની શરૂ કરી. જોત-જોતામાં મારા જીવનમાં બદલાવ આવવાના શરૂ થઈ ગયા અને હું તણાવમાંથી બહાર નીકળી ખુશ રહેવા લાગી. આ જ રીતે તમારા જીવનમાં પણ કોઇ મુશ્કેલી આવે તો ઉદાસ ન થાઓ, પરંતુ તેમાંથી જ સફળતાનો રસ્તો શોધો. જે રીતે મેં મારા જીવનમાં કર્યું. માલવિકા અય્યરને તેમની આ ટ્વીટ પર હજારો લાઇક્સ અને કમેન્ટ્સ મળી છે. એક યૂઝરે લખ્યું, “તમે એક અવિશ્વસનીય વ્યક્તિત્વ છો.”

મોટિવેશનલ સ્પીકર માલવિકાનો જન્મ તો તમિલનાડુમાં થયો છે પરંતુ બાળપણ રાજસ્થાનના બીકાનેરમાં પસાર થયું છે. તેના પિતા વૉટર વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા અને તેમની જૉબમાં ટ્રાન્સફર થતી રહેતી. એટલે તે રાજસ્થાનમાં રહેવા લાગી.

માલવિકાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું, હું બાળપણમાં ખૂબજ મસ્તીખોર હતી, પરંતુ એક દુર્ઘટનાએ મારું આખુ જીવન બદલી નાખ્યું. વર્ષ 2002 માં હું જ્યારે 13 વર્ષની હતીઓ ત્યારે રમતાં-રમતાં મને એક ગ્રેનેડ મળ્યો, જેને હું મારી સાથે લઈ ગઈ. ઘરમાં હું કઈંક ફોડી રહી હતી ત્યારે મારે હથોડીની જરૂર હતી. પરંતુ કઈં ન મળતાં એ ગ્રેનેડથી વસ્તુ ફોડવા લાગી અને થોડીવાર બાદ એ ફૂટ્યો અને મારા બંને હાથ પણ ગયા.

દિવસો સુધી તેનો ઈલાજ ચાલતો રહ્યો, છતાં હિંમત ન હારી અને હાથ વગર પણ ભણવાનું ચાલું જ રાખ્યું સાથે જુસ્સો પણ જાળવી રાખ્યો. દિલ્હી યૂનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં ઓનર્સની ડિગ્રી લીધી અને ત્યારબાદ પીએચડી પૂરી કરી અને હવે માલવિકા, ડૉ. માલવિકા બની ગઈ. આજે તે લોકો તેને મોટિવેશનલ સ્પીચ આપવા માટે બોલાવે છે.

માલવિકા દિવ્યાંગો માટે કામ કરવાની સાથે-સાથે સામાજિક સમારંભોમાં પણા હાજરી આપે છે. આ માટે તેને તત્કાલીન રાષ્ટ્રપ્તિ એપીજે અબ્દુલ કલામને મળવા રાષ્ટ્રપતિ ભવનથી આમંત્રણ પણ મળ્યું હતું. તેને આગળ વધવું જ હતું અને આ માટે લખવા માટે તેણે એક આસિસ્ટંટની મદદ લીધી.

માલવિકાને 8 માર્ચ, 2018 એ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નારી શક્તિ પુરસ્કારથી સન્માનિત કરી.

માલવિકા ડિસએબિલિટી એક્ટીવિસ્ટ અને વર્લ્ડ ઈકોનૉમિક ફોરમની ગ્લોબલ શેપર છે. ઘણી વિદેશી સંસ્થાઓ તેને પોતાના ત્યાં મોટિવેશનલ સ્પીચ આપવા માટે બોલાવે છે.