હવે, ગૌતમ ગંભીરે કોરોનાવાઈરસ સામેની લડાઈમાં ઝૂકાવ્યું, દિલ ખોલીને આપ્યું દાન કે તમે પણ…

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ (COVID-19) ના સંક્રમણ સામેની લડાઇના મેદાનમાં હવે ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર અને પૂર્વ દિલ્હીના બીજેપીના સાંસદ ગૌતમ ગંભીર પણ ઉતર્યા છે. 2007 ટી-20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની જીતના હીરો રહી ચૂકેલ ગૌતમ ગંભીરે આ જીવલેણ વાઈરસ સામેની લડાઇમાં પોતાનું યોગદાન આપવાની જાહેરાત કરી છે.

આ જીવલેણ બીમારીનું સંક્રમણ એ હદે વધી ગયું છે કે, દુનિયામાં અત્યાર સુધીમાં તેનાથી 47,000 કરતાં પણ વધારે લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને બહુ જલદી આ આંકડો પચાસ હજારને આંબી જશે. ભારતમાં પણ તેના કારણે 64 કરતાં પણ વધારે લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

ગૌતમ ગંભીરે ગુરૂવારે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી પીએમ કેઅર્સ ફંડમાં ડોનેશન આપવાની જાહેરાત કરી હતી. ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘લોકો પૂછે છે કે, તમારો દેશ તમારા માટે શું કરી શકે છે? જ્યારે સાચો સવાલ તો એ છે કે, તમે તમારા દેશ માટે શું કરી શકો છો? હું મારા બે વર્ષનો પગાર પીએમ કેઅર્સ ફંડમાં દાનમાં આપી રહ્યો છું, તમે પણ આગળ આવો.’

ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીરે આ જાહેરાત 2 એપ્રિલના રોજ કરી હતી. ગૌતમ ગંભીર માટે આ તારીખ ખૂબ જ મહત્વની છે. 9 વર્ષ પહેલાં 2-એપ્રિલ, 2011 ના રોજ ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીલંકા સામે 97 રનની ઈનિંગ રમી ભારતને 28 વર્ષ બાદ ચેમ્પિયન બનાવ્યું હતું.

આ પહેલાં ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, તેમની ગૌતમ ગંભીર ફાઉન્ડેશન ગરીબો અને જરૂરિયાતવાળા લોકોના ભોજનની વ્યવસ્થા કરી રહ્યું છે, જેમને કોરોનાવાઈરસના લોકડાઉનના કારણે મુશ્કેલીઓનો સામનો કરાવો પડી રહ્યો છે. તેના અંતર્ગત ગંભીર તેમના લોકસભા ક્ષેત્રમાં ગરીબ લોકોમાં ફૂ઼ડ પેકેટની વહેંચણી કરી રહ્યા છે.

58 ટેસ્ટ મેચ અને 147 વનડે ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકેલ જાણીતા બેટ્સમેન ગંભીર 2007 માં ટી-20 વર્લ્ડ કપ અને 2011 માં વનડે વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમના મહત્વના સભ્ય રહી ચૂક્યાં છે. 2011 ની વર્લ્ડકપ મેચમાં તેમણે 122 બોલમાં 97 રન બનાવ્યા હતા.

વર્લ્ડકપ ફાઇનલમાં ભારતને જીત માટે 275 રનનો ટાર્ગેટ મળ્યો હતો. યજમાન ટીમની શરૂઆત બહુ સારી નહોતી રહી. ઓપનર સહેવાગ શૂન્ય તો સચિન અઢાર રને આઉટ થઈ ગયા હતા.

ત્રીજા નંબરે બેટિંગ માટે આવેલ ગંભીર એક છેડે ટકી રહ્યા અને 97 રન બનાવ્યા અને ટીમને જીત સુધી પહોંચાડી. ધોની અને ગંભીરે 109 રનની નિર્ણાયક ભાગીદારી નોંધાવી હતી.