Exclusive: પહેલી જ વાર જુઓ RK સ્ટૂડિયો સંપૂર્ણ રીતે તોડી પડાયા બાદ હવે ત્યાં શું થઈ રહ્યું છે?

મુંબઈઃ 1948માં સ્વ. રાજકપૂરે મુંબઈના ચેમ્બુરમાં આરકે સ્ટૂડિયો બનાવ્યો હતો. આ સ્ટૂડિયોમાં વર્ષ 2017માં આગ લાગી હતી અને ત્યારબાદથી આ સ્ટૂડિયો કપૂર પરિવાર માટે ધોળા હાથી સમાન બની ગયો હતો. કપૂર પરિવારે સાથે મળીને આ સ્ટૂડિયો વેચવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયથી માત્ર બોલિવૂડને જ નહીં પરંતુ કપૂર પરિવારના ચાહકોને ઘેરો આઘાત લાગ્યો હતો. આ સ્ટૂડિયોમાં રાજ કપૂરની એકથી ચઢિયાતી એક ફિલ્મનું શૂટિંગ થયું હતું. આટલું જ નહીં કરીના, કરિશ્મા, રણબીર આ સ્ટૂડિયોમાં જ મોટા થયા છે. જોકે, કપૂર પરિવારે પણ ભારે હૈયે આ સ્ટૂડિયો વેચવાનો નિર્ણય કર્યો હતો. RealGujarat.in પહેલી જ વાર તમને એ તસવીરો બતાવી રહ્યું છે, જે આજ પહેલાં કોઈએ જોઈ નથી. આ સ્ટૂડિયો તોડી નખાયા બાદ ત્યાં સ્થિતિ કેવી છે, તેની વિગતે વાત પહેલી જ વાર RealGujarat.in કરી રહ્યું છે.

વર્ષ 2019માં મે મહિનામાં કપૂર પરિવારે આરકે સ્ટૂડિયો ગોદરેજ પ્રોપર્ટીને વેચ્યો હતો. આરકે સ્ટૂડિયો 2.2 એકરમાં ફેલાયેલો છે. આ ડીલ 200 કરોડમાં થઈ હોવાનું મનાય છે. જોકે, ઓફિશિયલી આ ડીલ કેટલામાં થઈ, તે બહાર આવ્યું નથી.

ગોદરેજ પ્રોપર્ટી અહીંયા 14 માળના ત્રણ ટાવર બનાવશે. અહીંયા ત્રણ અને ચાર બેડરૂમના ફ્લેટ બનાવવામાં આવશે.

ગોદરેજ પ્રોપર્ટીએ આ સ્ટૂડિયો સંપૂર્ણ રીતે તોડી પાડ્યો છે અને જમીન એકદમ ખુલ્લી કરી નાખી છે. જોકે, ગોદરેજ પ્રોપર્ટીએ આરકે સ્ટૂડિયોનો મેઈન ગેટ એમ ને એમ જ રાખ્યો છે. તેને તોડવામાં આવ્યો નથી. સ્વ. રાજ કપૂરનું કોટેજ પણ તોડી પાડવામાં આવ્યું છે.

સ્ટૂડિયોનો જ્યાં રિસ્પેશન રૂમ હતો, ત્યાં ગોદરેજ પ્રોપર્ટીએ મોટી સેલ્સ ઓફિસ બનાવી દીધી છે. જોકે, આને ફિલ્મી ટચ આપવા માટે તેનું નામ બોક્સ ઓફિસ રાખવામાં આવ્યું છે. મોટા અક્ષરોએ રૂમની બહાર બોક્સ ઓફિસ લખવામાં આવ્યું છે. અહીંયા કેટલાંક સેલ્સ રિપ્રેઝેન્ટિવ બેઠા હોય છે અને તેઓ ઘર ખરીદનારાઓને આ આખો પ્લાન સમજાવતા RealGujarat.comની ટીમને નજરે પડ્યા હતાં.

આ સ્ટૂડિયોમાં ‘બરસાત’, ‘આવારા’, ‘શ્રી 420’, ‘મેરા નામ જોકર’, ‘બોબી’ સહિતની ફિલ્મ્સ અહીંયા શૂટ કરવામાં આવી હતી. ફિલ્મી લુક આપવા માટે રાજ કપૂરની તથા અન્ય કેટલીક ફિલ્મ્સના હાથે દોરેલા પેઈન્ટિંગ્સ ઠેર-ઠેર મૂકવામાં આવ્યા છે. જોકે, આ ઓરિજિનલ પેઈન્ટિંગ્સ તથા ફિલ્મમાં વપરાયેલી વસ્તુઓ વર્ષ 2017માં લાગેલી આગમાં નાશ પામી હતી.

વર્ષ 2017માં સપ્ટેમ્બર મહિનામાં આરકે સ્ટૂડિયોમાં ભયંકર આગ લાગી હતી. આ આગમાં આરકે સ્ટૂડિયોની અનેક યાદો ભસ્મીભૂત થઈ ગઈ હતી. જેમાં ‘મેરા નામ જોકર’નો જોકર, નરગીસના કપડાં, ‘મેરા નામ જોકર’માં રાજ કપૂરે જે શૂઝ પહેર્યાં હતાં તે, આ તમામ યાદો આગમાં નાશ પામી હતી.

કમ્પાઉન્ડમાં પાર્ક બનાવામાં આવ્યો છે. અહીંયા રાજ કપૂરનું એક ભવ્ય સ્ટેચ્યૂ મૂકવામાં આવશે. ચર્ચા છે કે આ ટાવરમાં કપૂર પરિવાર એક ફ્લેટ રાખવાનો છે.

આગામી ત્રણ મહિના બાદ અહીંયા કન્સ્ટ્રક્શન શરૂ કરવામાં આવશે. આશા છે કે આવતા ત્રણ વર્ષમાં ફ્લેટનું કામ પૂર્ણ થઈ જશે.

આરકે સ્ટૂડિયો હવે ગોદરેજ આરકેએસ બની ગયો છે. મેઈન ગેટની એન્ટર થતા જ વિવિધ ફિલ્મના પોસ્ટર્સ હાથેથી ડ્રો કરેલા જોવા મળે છે.

ગોદરેજ આકેએસની પ્રોપર્ટીની સાઈડ ઓફિસ તમે જેવા મેઈન ગેટમાં એન્ટર થાવ, એટલે સામે જોવા મળે છે. આ સાઈટ ઓફિસનું નામ બોક્સ ઓફિસ રાખવામાં આવ્યું છે.

ફ્લેટનું કામ જ્યાં સુધી શરૂ નથી થયું ત્યાં સુધી આ પેઈન્ટિંગ રાખવામાં આવશે. જ્યારે કામ જોરશોરથી શરૂ થશે, પછી આ તમામ પેઈન્ટિંગ હટાવી લેવામાં આવશે. તાજેતરમાં જ ‘બરસાત’ ફિલ્મના પોસ્ટરનું પેઈન્ટિંગ દોરવામાં આવ્યું હતું.