ભેંસ માટે એટલો પ્રેમ કે મર્યાં બાદ પણ ખેડૂતે આખા ગામને કરાવ્યું ‘તેરમાનું ભોજન’

ઉત્તર પ્રદેશના મેરઠનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભેંસનું તેરમું યોજાઈ રહ્યુ છે. આ પ્રસંગે આખા ગામને તેરમાની દાવત આપવામાં આવી હતી અને તમામ ગ્રામજનોએ વિધિ-વિધાન સાથે ભેંસને શ્રદ્ધાંજલિ આપી હતી. આ અનોખી તેરમાની વિધિ આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલી છે.

મોહમ્મદ શાકિસ્ત ગામમાં રહેતા સુભાષ વ્યવસાયે ખેડૂત છે. અને તેમની પાસે છેલ્લા 32 વર્ષથી એક ભેંસ પાળી હતી. આ ભેંસે લાંબા સમયથી દૂધ આપવાનું બંધ કરી દીધુ હતું. સુભાષે આ ભેંસને બાળપણથી જ ઉછેરી હતી, તેથી તેને તેના માટે વિશેષ પ્રેમ હતો અને તે ક્યારેય વેચી નહીં. સુભાષે ભેંસની સારવાર માટે ઘણા બધા પૈસા પણ ખર્ચ કર્યા. પરંતુ તે તેની ભેંસને બચાવી શક્યો નહીં.

ભેંસના મોત પછી સુભાષના પરિવારે ઢોલ અને નગારા સાથે તેને અંતિમ વિદાય આપી હતી. સાથે જ તેના તેરમા માટે ભાડે ટેંટ, કંદોઈ બેસાડીને આખા ગામને તેરમાનો પ્રસાદ ખવડાવ્યો હતો.

ભેંસ માટે એક શ્રદ્ધાંજલિ સભા પણ યોજવામાં આવી હતી. જેમાં ગ્રામજનોએ ફોટો ઉપર ફૂલો અર્પણ કરી અને ભેંસની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે ખેડૂત સુભાષે જણાવ્યું હતું કે, તે તેની ભેંસને તેના પરિવારની સભ્ય ગણતો હતો. તેથી, તેના ભેંસના મૃત્યુ પછી, તેમણે તેમના આત્માની શાંતિ માટે દરેક ધાર્મિક વિધિ કરી. જેથી તેની ભેંસની આત્માને શાંતિ મળે.