સૌના પ્રેમાળ આખલાનું થયું મોત, ગામવાસીઓએ મનુષ્યને મળે તેવું આપ્યું સન્માન, જુઓ તસવીરો

એક હ્રદયસ્પર્શી બનાવ સામે આવ્યો છે. એક ગામમાં આખલાનું મોત થતા આખું ગામ શોકમાં આવી ગયું છે. ગામના લોકો આખલાની યાદમાં ભાવુક થઈને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. ગામના લોકો મૃત આખલાની યાદમાં એ બધું કરી રહ્યા છે, જે સામાન્ય રીતે ફક્ત મનુષ્ય માટે સમાજમાં કરવામાં આવે છે.

આ ભાવુક કિસ્સો ઉત્તરપ્રદેશનો છે. અહીંના મુજફ્ફરનગર જિલ્લામાં કુરડી ગામમાં બે દિવસ પહેલાં એક આખલાનું મોત થયું હતું. આ આખલાને ગામના લોકો ‘બાબુજી’ નામથી બોલાવતા હતા. હવે મૃત્યુ બાદ તેની આત્માની શાંતિ માટે ગામવાસીઓએ શ્રાદ્ધ, કર્મ, હવન, પૂજા અને બહ્ર ભોજનું આયોજન કર્યું હતું. તેરમાના દિવસે આખલાને શ્રદ્ધાંજલિ અર્પિત કરી બ્રહ્મભોજ કરાવ્યું હતું. જેમાં આખા ગામે ભાગ લીધો હતો.

ગામના લોકો આખલાને બાબુજી કેમ કહેતા હતા: આ અંગે એક રસપ્રદ કહાની છે. અંદાજે 18 વર્ષ પહેલા આ આખલો કુરડી ગામમાં આવ્યો હતો. આખલો એટલો શાંત અને ભોળો હતો કે તેણે કોઈ દિવસ કોઈને નુકશાન પહોંચાડ્યું નહોતું. બાળકો સાથે તે એટલો મિત્ર થયો ગયો હતો કે બાળકો તેના શરીર ઉપર બેસીને સવારી કરતા હતા.

આ આખાલાનો માણસો પ્રત્યેનો પ્રેમ જોઈને ગામવાળાએ તેનું નામ બાબુજી રાખી દીધું હતું. બાબુજી દરરોજ ગામમાં લોકોના ઘરે જતો હતો, જ્યાં લોકો તેના માટે ઘાસ અને પાણી મૂકી દેતા હતા. પછી આખલો ઘાસ ખાઈને પોતાની જગ્યાએ પાછો આવી જતો હતો અને ગામમાં ક્યારેય કોઈ પર હુમલો કર્યો નહોતો.

થોડાક દિવસ પહેલાં આખલાની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને ગામવાસીઓએ તેને બચાવવાના તમામ પ્રયત્નો કર્યા હતા પણ તેનું મોત થયું હતું. આખલાના મોત બાદ પૂરા સન્માન સાથે ગામવાસીઓએ તેને દફનાવ્યો હતો અને તેરમાનું આયોજન કર્યું હતું.

તેરમામાં ગામના લોકોએ બાબુજી એટલે કે આખલાની તસવીરને પુષ્પાંજલી અર્પિત કરી ભગવાન પાસે તેના આત્માની શાંતિની પ્રાર્થના કરી હતી.

એટલું જ નહીં યજ્ઞ બાદ બ્રહ્મ ભોજનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બધા લોકોને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ગામના અંદાજે 3 હજાર લોકોએ આમાં ભાગ લીધો હતો.