પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળી ગયો પતિ, વીડિયો બનાવીને જણાવી પત્નીની કાળી કરતૂત

આત્મહત્યાનો એક હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. એક યુવકે હોટલમાં ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાની ઘટના બની છે. યુવકે આત્મહત્યા કરતાં પહેલાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં તેણે પોતાની પત્નીના અનૈતિક સંબંધોથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે વીડિયોના આધારે પાંચ લોકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ચલાદર ગામના અમરતભાઇ છગનભાઇ રાઠોડના લગ્ન ત્રણ માસ અગાઉ ભાભર તાલુકાના બરવાળા ગામના જીવાભાઇ પરમારની દીકરી પાયલબેન સાથે સમાજના રીત- રિવાજ પ્રમાણે થયા હતા. અમરત થરાદ ખાતે ITIમાં અભ્યાસ કરતો હતો. દરમિયાન સોમવારે થરાદની એક હોટેલમાંથી અમરત ગળેફાંસો ખાઘેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવકના મૃતદેહ પાસેથી પોલીસે એક સુસાઈડ નોટ કબજે કરી છે. તો બીજી તરફ આત્મહત્યા કરતા પહેલા યુવક દ્વારા બનાવવામા આવેલા કેટલાક વીડિયો પણ પોલીસને મળી આવ્યા છે. જેમાં યુવક પોતાની આપવીતી જણાવી રહ્યો છે. પોતાની પત્નીના આડાસંબંધોથી અને અન્ય ચાર લોકોના ત્રાસથી આત્મહત્યા કરી રહ્યો હોવાનો ઉલ્લેખ વીડિયોમાં કર્યો છે.

મૃતક યુવકે લખેલી સુસાઇટ નોટમાં જણાવ્યું છે કે, 13 એપ્રિલના રાત્રે 1 વાગ્યે પાયલ ઓન લાઇન હતી. મે કીધુ કોની જોડે વાત કરે છે. મને કીધુ કોયની જોડે નહી. પછી કે મારી બેનપણી જોડે વાત કરૂ છુ. મે કીધુ રાત્રે 1 વાગેથી લઇને 5 વાગ્યા સુધી તુ કાયમ વાત કરે છે. કે હા. શુ વાત કરે છે. મને ખબર પડી ગઇ પણ શુ કરુ, મે કીધુ કોની જોડે વાત કરે છે. જે હોય એનું નામ આપી દે. મને કીધુ કોઇ નથી. એ દિવસે મારે એક કલાક વાત થઇ મેસેજમાં પાયલે કીધુ કોઇ જોડે વાત નથી કરી પણ 1 થી 5 વિષ્ણું જોડે વાત કરતી હતી.ને અનીલ જોડે વાત કરતી હતી. મને ખબર પડી ગઇ હતી. મે સવારે બધાયને કીધુ પણ મારી વાત કોઇ ના સાંભળી, મારા મમ્મી – પપ્પાએ મને ખુબ બધી ગાળો બોલી મને કીધુ આ વાત ખોટી છે. આ છોકરી તો સારી છે. પછી મારો ફોન લઇ લીધો ને કીધુ ફોન નહી આપીએ.

આપઘાત પહેલા વાયરલ વીડિયોમાં યુવકે કહ્યું કે “કિશને અબાસણામાં અનિલ અને વિષ્ણુ જોડે પાયલનું (મૃતકની પત્ની) સાથે સેટિંગ કરાવ્યું. મારા લગ્ન થયા હોવા છતાં આવા ધંધા કરાવ્યા. મારી ઇચ્છા એવી છે કે કિશનને સજા થવી જ જોઈએ. મને બહુ હેરાન કર્યો છે. પાયલના મોબાઇલ નંબરની છેલ્લા એક વર્ષની વિગતો કાઢો. તેણીએ કોની કોની સાથે વાત કરી છે તેનો ભાંડો ફૂટો જશે.”

આત્મહત્યા પહેલા અમરત રાઠોડ દ્વારા જે વીડિયો બનાવવામા આવ્યો છે તેમાં પોતાને મરી જવા માટે મજબૂર કરનાર વ્યકિતઓને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે. પોલીસે પણ હાલ મૃતક પાસેથી મળી આવેલી સ્યુસાઈડ નોટ અને વીડિયોના આધારે પોતાની પત્ની સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન દ્વારા વીડિયોમાં કિશન, પ્રવીણ, અનિલ,વિષ્ણુ અને પાયલના નામનો ઉલ્લેખ કરવામા આવી રહ્યો છે. જેના આધારે પોલીસે કુલ પાંચ લોકો સામે મૃતકને મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.