ચાર-ચાર ભાઈઓના કમકમાટીભર્યાં મોત, પરિવારનું હૈયાફાટ રૂદન સાંભળીને કાળજું કંપી ઊઠશે

ખંડવાઃ મધ્યપ્રદેશના મહેશ્વરના મેલખેડી ગામમાં રક્ષાબંધનનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. દરેકના ઘરમાં સન્નાટો હતો. ગામના ડાવર પરિવારના ચાર યુવાનોનું શુક્રવાર, 20 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના સિંધખેડાજા મેહકર હાઈવે પર તેઢગામમાં થયેલા અકસ્માતમાં મોત થયું હતું. બે દિવસ બાદ એટલે કે રક્ષાબંધનના દિવસે એટલે કે 22 ઓગસ્ટના રોજ સવારે ચાર વાગે એક જ પરિવારના ચાર-ચાર દીકરાઓ ગણેશ ડાવર (20), નારાયણ ડાવર (25), દીપક ડાવર (21) તથા સુનીલ ડાવર (22)ના પાર્થિવ દેહ અલગ અલગ શબવાહિનીમાં આવ્યા હતા.

અકસ્માત એ હદે ભયાવહ હતો કે ચારેય યુવકોની લાશોના ટૂકડા થઈ ગયા હતા. પરિવારને માત્ર ચહેરો બતાવવામાં આવ્યો હતો. બહેનો લક્ષ્મી, કવિતા તથા અનિતાએ ભાઈની અર્થીને રાખડી બાંધી હતી. સવારે નવ વાગે ગામના સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પંચાયતે પરિવારને પાંચ-પાંચ હજાર રૂપિયાની મદદ કરી છે. આ ઉપરાંત 60-60 કિલો ઘઉં, 25 કિલો ચોખા આપ્યા છે.

મજૂરી માટે બહાર ગયા ને મોત મળ્યુંઃ મેલખેડીના ગણેશ ડાવરના દિવ્યાંગ ભાઈ મહાદેવ પણ મહારાષ્ટ્રમાં મજૂરી માટે ગયો હતો. તેણે કહ્યું હતું કે શુક્રવારે સવારે વાહનથી તમામ લોકો મજૂરી માટે ગયા હતા. તે દુકાન પર ગયો અને તેથી જ જઈ ના શક્યો. ગામમાં મજૂરી અને રોજ કામ મળતું નથી. ત્યાં 550 રૂપિયા મિસ્ત્રી કામના તથા 350 રૂપિયા મજૂરી મળે છે. રવિવાર, 23 ઓગસ્ટે જ ઠેકેદારે હિસાબ માટે બોલાવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે 2 લાખ તથા ઠેકેદારે 5 લાખ આપવાની જાહેરાત કરી છે.

રક્ષાબંધન બાદ ફરી કામની શોધઃ ગામના મોહન ડાવર તથા જગદીશ ડાવરે કહ્યું હતું કે ગામમાં મજૂરી મળતી નથી અને તેથી જ પરિવારનું ગુજરાન ચલાવવા માટે લોકો બહાર જવા મજબૂર છે. આ જ કારણે ગામના લોકોએ ચાર દીકરાઓ ગુમાવ્યા છે. રક્ષાબંધન બાદ ફરી એકવાર ગામના લોકો કામ શોધવા માટે બહાર જશે. તંત્રે મનરેગા તથા અન્ય યોજના હેઠળ ગામમાં જ કામ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

મનરેગમાં દર મહિને 10 કરોડથી વધુનું ચૂકવણુંઃ મનરેગા જિલ્લા પરિયોજનાના અધિકારી શ્યામ રઘુવંશીએ કહ્યું હતું કે જિલ્લામાં દર મહિને 10 હજારથી વધુ કામ થાય છે. કુલ 1.79 લાખ જોબકાર્ડ છે. અધિકારીઓનો દાવો છે કે જિલ્લામાં કામની કોઈ ઉણપ નથી. દર મહિને 10-12 કરોડ રૂપિયાની ચૂકવણી ઓનલાઇન થાય છે. લોકોને મનરેગા કરતાં વધુ મજૂરી મળે છે અને તેથી જ તેઓ બહાર જાય છે.