પપ્પાના ધબકારા બંધ થયા ત્યારે તેમના ચહેરા પર અદમ્ય શાંતિ જોવા મળી: દીકરો વિકાસ

ત્રીજી ઓક્ટોબરના રોજ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનું પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયકનું 77 વર્ષની ઉંમરમાં અવસાન થયું હતું. નટુકાકાનું પાત્ર ચાહકો ક્યારેય ભૂલી શકે તેમ નથી. હાલમાં જ વિકાસ નાયકે પોતાના પિતાના જીવનના છેલ્લાં એક વર્ષ સમય અંગે વાત કરી હતી. ‘ઇ ટાઇમ્સ’ સાથેની વાતચીતમાં વિકાસ નાયકે કહ્યું હતું, ‘એક વર્ષ પહેલાં મારા પપ્પાની કેન્સરની સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ રેડિએશન તથા કિમોથેરપી થઈ હતી. મારા પપ્પાને જે કેન્સર થયું તે રૅર કેન્સર હતું અને તેથી જ સારવાર ટ્રાયલ એન્ડ એરર પર ચાલતી હતી. તેમણે કુલ 9 રેડિએશન લીધા હતા, જેમાં પાંચ ગયા વર્ષે અને આ વર્ષે 4 લીધા હતા.’

વિકાસે આગળ કહ્યું હતું, ‘ગયા વર્ષે 30 રેડિએશન લીધા હતા. સપ્ટેમ્બર 2020માં એમ લાગ્યું કે બધું અન્ડર કંટ્રોલ છે. જોકે, માર્ચ, 2021માં પપ્પાના ચહેરા પર સોજો આવી ગયો હતો. અમને એમ લાગ્યું કે રેડિએશનને કારણે આમ થયું હતું. જોકે, રિપોર્ટમાં કેન્સર ફેફસાં સુધી ફેલાઈ ગયું હોવાની વાત સામે આવી હતી.’ એપ્રિલ, 2021માં અમે ફરી કિમોથેરપી ચાલુ કરી હતી અને ચાર કિમો લીધા હતા. આ કિમો જૂન સુધી ચાલ્યા હતા. જોકે, કોઈ જ ફેર પડ્યો નહોતો. આટલું જ નહીં સોજો પણ ઉતર્યો નહોતો.’

વધુમાં વિકાસે કહ્યું હતું, ‘આ સ્થિતિમાં પણ પપ્પાએ કામ કરવાનો આગ્રહ રાખ્યો હતો. તેમણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું થોડું શૂટિંગ કર્યું હતું અને એક જાહેરાતનું પણ શૂટિંગ કર્યું હતું.’

વિકાસે વાત કરતાં આગળ જણાવ્યું હતું, ‘અમે આ દરમિયાન બીજીવાર ટેસ્ટ કરાવ્યો હતો અને આ વખતે અમને ખ્યાલ આવ્યો કે કેન્સર માત્ર ફેફસાંમાં જ નહીં, પરંતુ શરીરના અન્ય ભાગોમાં પ્રસરી ગયું છે. અમે કિમોથેરપી બંધ કરી દીધી હતી અને હોમિયોપેથી તથા આયુર્વેદની દવા શરૂ કરી હતી. જોકે, પરિસ્થિતિ દિવસે દિવસે ગંભીર બનતી જતી હતી.’

વિકાસે પિતાના દુઃખદાયક દિવસો અંગે વાત કરતાં કહ્યું હતું, ‘જીવનના છેલ્લાં દિવસોમાં પપ્પાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. અમે ઘરમાં જ નર્સ તથા ઓક્સિજનની વ્યવસ્થા કરી હતી, પરંતુ તેમની સ્થિતિ વધુ ખરાબ થતી ગઈ હતી અને તેથી જ અમે તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈને ગયા હતા. અહીંયા તેમને ICU (ઇન્ટેસિવ કેર યુનિટ)માં એડમિટ કર્યા હતા. ત્યારબાદ તેમને નોર્મલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. તબિયતમાં થોડો સુધારો પણ થયો હતો. જોકે, ફરીથી તબિયત બગડી અને તેમને ICUમાં એડમિટ કરવામાં આવ્યા હતા. તેમના અવસાનના 15 દિવસ પહેલાં સુગર લેવલ એકદમ વધી ગયું હતું અને તે કોઈને ઓળખી શતતા નહોતા. જોકે, સુગર લેવલ ડાઉન થતાં જ તેમને ખબર પડવા લાગી કે તેમની આસપાસ કોણ છે.’

‘નટુકાકા’ના અંતિમ દિવસોની વાત કરતાં વિકાસ નાયકે દુઃખી સ્વરે કહ્યું હતું, ‘બીજી ઓક્ટોબરે પપ્પાએ મને પૂછ્યું હતું, ‘હું કોણ છું?’ તેઓ પોતાનું નામ જ ભૂલી ગયા હતા. આ વખતે મને લાગ્યું કે તેઓ અલગ જ દુનિયામાં પહોંચી ગયા છે.’

વિકાસ નાયકે છેલ્લે કહ્યું હતું, ‘જ્યારે તેમનું અવસાન થયું ત્યારે અમે પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટને બોલાવ્યો હતો અને તેમના ચહેરા પર મેકઅપ કરાવ્યો હતો. હું એક વાત જરૂરથી કહીશ કે જ્યારે તેમના ધબકારા બંધ થયા ત્યારે તેમના ચહેરા પર અદમ્ય શાંતિ જોવા મળી હતી.’ ઉલ્લેખનીય છે કે ઘનશ્યામ નાયકની છેલ્લી ઈચ્છા હતી કે તેમનું અવસાન થાય ત્યારે તેમના ચહેરા પર મેકઅપ હોય.’