ગુજરાતની આ મહિલા પાયલોટને કેવી રીતે ખબર પડી કે ફ્લાઈટમાં કોરોનાની વેક્સીન છે? જાણો

રાજકોટ: હાલ કોરોનાની રસીની ચર્ચા વચ્ચે રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ તરીકેનું બિરૂદ પ્રાપ્ત કરનાર કેપ્ટન નિધી બિપીનભાઈ અઢીયાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મંગળવારે પુણેથી દેશના વિવિધ શહેરોમાં કોરોનાની રસી પહોંચાડવામાં આવી હતી. જેમાં રાજકોટની નિધી અઢીયાએ પુણેથી હૈદરાબાદ સુધી પ્રથમ કોરોના વેક્સીનો જથ્થો પહોંચાડીને કોરોનાને હરાવવાના અભિયાનમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.

મંગળવારે પુણેની સિરમ ઇન્સ્ટીટ્યૂટમાંથી દેશના નવ શહેરોમાં માલવાહક વિમાનો મારફત રસીનો જથ્થો પહોંચાડવામાં આવ્યો. જેમાં રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ કેપ્ટન નિધી અઢીયાએ પુણેથી હૈદરાબાદ રસીનો જથ્થો પહોંચાડવાનું મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું છે. નિધીના પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરીનું હેડક્વાર્ટર દિલ્હી છે. પુણેથી હૈદરાબાદ કોરોના વેક્સીન લઇને આવી હતી. જેનું પિતા તરીકે તેમને ગૌરવ છે.

કેપ્ટન નિધીએ જણાવ્યું કે, આ મિશન પૂર્ણ કરવાથી સારી લાગણી અનુભવાય છે. અમારું આ મિશન પહેલાથી નક્કી નહોતું. હું ફરજ પર પહોંચી ત્યારે કોઈ ખ્યાલ જ નહોતો. અમને તો એટલી જ માહિતી મળે કે, તમારો ડિપાર્ચર ટાઈમ શું છે અને ક્યાં જવાનું છે. અંદર શું લઇ જવાનું છે તે અમને ખબર જ ન હોય. અંદર પહોંચ્યા બાદ ડોક્યુમેન્ટ જોયા પછી ખ્યાલ આવ્યો કે કોવિશીલ્ડ વેકસીન છે. જેને લઈને ખુશી છે કે, હવે લોકોને વેકસીન મળવા લાગશે અને દેશને કોરોના મુક્ત કરી શકાશે. રસી લઈ જવાની ફર્સ્ટ ફ્લાઇટના શ્રીગણેશ મેં કર્યા તે ખરેખર ગૌરવની વાત છે. આ માટે હું મારી કંપની, માતા-પિતા તેમજ ઇશ્વરની આભારી છું.

નિધીના પિતા રાજકોટમાં બિપીનભાઈ રાજકોટ મહાનગરપાલિકામાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. જ્યારે તેમના ધર્મપત્ની માલતીબેન અઢીયા કરોડપતિ એજન્ટ બની ચૂક્યા છે. બે સંતાનોમાં પુત્રી નિધિ અને પુત્ર મિથિલેશ છે. નિધીના માતા માલતીબેન અઢીયા જણાવ્યું હતું કે, તેમની લાડલી પહેલા પેસેન્જર પ્લેન ચલાવતી હતી. મંગળવારે દિલ્હીથી કાર્ગો પ્લેન લઇને પુણે ગઇ હતી. પુણેથી રસીનો જથ્થો લઇ હૈદરાબાદ પહોંચી હતી.

નિધીએ ધોરણ-12 સુધી એસએનકે સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કર્યો છે. માતા માલતીબેનની પ્રેરણા અને પોતાની મહેનતના કારણે તેણે રાજકોટની પ્રથમ મહિલા પાયલોટ બનવાની સિદ્ધિ મેળવી છે. આ અંગે નિધીની માતાએ જણાવ્યું કે, તેમની દીકરી અભ્યાસમાં હંમેશા તે ડિસ્ટિંકશન માર્ક્સ મેળવતી આવી છે. ધોરણ 12 પછી તેણે બરોડા એમ.એસ.યુનિવર્સિટીમાં બીએસસી મેજર ઈન ફિઝિક્સ એન્ડ મેથ્સમાં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે બરોડા ફ્લાઈંગ કલબમાં 50 કલાકની પાયલોટની તાલીમ પણ પ્રાપ્ત કરી હતી. આ અભ્યાસ દરમિયાનમાં અમદાવાદમાં પાયલોટની ટ્રેનિંગ શરૂ થઈ રહી હતી અને તેથી 2003-04માં પોતાના પ્રથમ શોખને પૂર્ણ કરવા માટે બીએસસીના અભ્યાસને અલવિદા કરી દીધું હતું.

અમદાવાદના પ્રસિદ્ધ એવિએશન એન્ડ એરોનેટ્સ લિમિટેડ ફ્લાઈંગ ક્લબમાં પાયલોટ તરીકેની ટ્રેનિંગની લેનાર આ મહિલા પાયલોટે 200 કલાકનું ઉડાન કરી તાલમી પૂર્ણ કરી હતી. નિધીએ કથ્થકમાં વિષારદની તાલીમ મેળવી છે, જયારે દાંડિયારાસમાં પ્રિન્સેસનો ખિતાબ મેળવ્યો છે. એન્કરિંગની આવડત તો તેના ડીએનએમાં જ છે. આમ કોરોના વિરુદ્ધની લડાઈમાં વધુ એક ગુજરાતીનું નામ જોડાયું છે, જે ગુજરાત માટે ગર્વની વાત કહેવાય.