ભાવનગરમાં હિટ એન્ડ રન, તહેવારના દિવસે જ કારની ટક્કરે બે નાનકડા બાળકોનાં મોત

આજે ભાવનગર જિલ્લાના શિહોરમાં આવેલા ટાણા ગામે એક હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. એક કાર ચાલકે દર્શનાર્થીઓને ટક્કર મારી હતી ત્યાર બાદ ઘટનાસ્થળેથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ હિટ એન્ટ રનમાં બે બાળકોના કરૂણ મોત નિપજ્યાં હતાં. ટાણા ગામે જન્માષ્ટમીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. આજે શિતળા સાતમના પર્વે દેવદર્શને જઈ રહેલા દર્શનાર્થીઓ પર એક અજાણ્યા કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી.

સમગ્ર ઘટનાની માહિતી એવી હતી કે, આજે શિહોરના ટાણા ગામે એક હિટ એન્ડ રનનો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક ચાર ચાલકે દર્શનાર્થીઓને જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કર વાગ્યા બાદ સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં 10 વર્ષની તૃપ્તીબહેન સમુખભાઈ બારેયા ઉંમર વર્ષ 10 અને દિવ્યેશ વિજય ભાઈ બારેયા ઉ.વર્ષ 5નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

આ ઉપરાંત અનેકે લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ટક્કર માર્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો જોકે ટોળાંએ તેનો પીછો કર્યો હતો. આ હિટ એન્ડ રનમાં બે મહિલાઓને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. એક યુવતીને માથાના ભાગે અને પગમાં મૂઢ માર વાગ્યો હતો.

ટક્કર માર્યા બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે શિહોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે મૃતક બાળકોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આમ જન્માષ્ટમીના તહેવારે દર્શને જઈ રહેલા બે બાળકોને મોત નિપજ્યાં હતાં જેને કારણે સાતમનો તહેવાત માતમમાં ફેરવાયો હતો. બે બાળકોના મોત બાદ પરિવાર પર આભ ફાટ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સ્થાનિકોના જણાવ્યા મુજબ, કાર ચાલક ટક્કર મારીને ભાગી ગયો હતો ત્યારે તેનો પીછો કરી અને તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ કાર ચાલકની તજવીજ શરૂ કરી છે જ્યારે એક જ પરિવારના બે બાળકોના કરૂણ મોતને પગલે તહેવારમાં માતમ છવાઈ ગયો છે.