રસોડામાં રહેલા મસાલાઓ પણ જોખમી, જાણો કયો મસાલો કેટલા પ્રમાણમાં લેવો ને શેમાં ફાયદાકારક - Real Gujarat

રસોડામાં રહેલા મસાલાઓ પણ જોખમી, જાણો કયો મસાલો કેટલા પ્રમાણમાં લેવો ને શેમાં ફાયદાકારક

નવી દિલ્હીઃ કોરોના વાઈરસથી બચવા લોકો ઈમ્યુનિટી વધારવા પર ભાર આપી રહ્યાં છે. માર્કેટમાં પણ ઘણી હર્બલ દવાઓ આવી ગઈ છે. ઈમ્યુનિટી બૂસ્ટર બિન્દાસ્તપણે દુકાનો પર વેચવામા આવી રહી છે, જેવી રીતે જ્યૂસ કે દવાઓ વેચાતી હોય. લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના જ વિટામીન્સની ગોળીઓ ખરીદી રહ્યાં છે. અમુક તો પોતાની મરજી અનુસાર રસોડામાં રહેલા મસાલાઓનો ઉપયોગ કરી રહ્યાં છે અને તે પણ યોગ્ય પ્રમાણ જાણ્યા વગર જ હર્બલ ઉકાળો તૈયાર કરી રહ્યાં છે. આ બધી વસ્તુઓ એક રીતે શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે.

તામિલનાડુના વિલ્લુપુરમ સરકારી હોસ્પિટલના ડૉક્ટર પી. મોહનવેલે ‘ધ હિંદુ’ને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે,‘અમારી પાસે 15 ટકા દર્દીઓ એવા આવી રહ્યાં છે જેમને હર્બલ વસ્તુઓનો ઓવરડોઝ થવાથી સમસ્યા થઈ હોય. જેમાંથી મોટાભાગનાને પેટની સમસ્યાઓ હોય છે અને અમુક ગંભીસ કેસમાં એન્ડોસ્કોપી કરવામા આવે છે.’ડૉક્ટર્સે જણાવ્યું કે, ઈમ્યુનિટી વધારવા માટે કોઈ જાદુઈ દવા ઉપલબ્ધ નથી, જો તમારે ઈમ્યુનિટી માટે ઘરેલું ઉપાયો અપનાવવા હોય તો મસાલાનું યોગ્ય પ્રમાણ જાણવું જરૂરી છે.

હળદરઃ હળદરમાં રહેલા કરક્યૂમિનમાં એન્ટીવાયરલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. પાઉડરની સરખામણીએ કાચી હળદર વધુ લાભદાયી સાબિત થાય છે અને તેનો ઉપયોગ 3 અઠવાડિયાની અંદર જ કરી લેવું જોઈએ. આ સાથે કાળીમરી લેવાથી પણ ફાયદો થાય છે. જો તમે તેને મિક્સ કરી સેવન કરતા હોવ તો દિવસમાં 3 ગ્રામ એટલે કે અડધી ચમચ કરતા વધુ હળદરનું સેવન ના કરો. જો તમને પેટમાં સોજો કે દુખાવો થતો હોય તો હળદરનું સેવન ના કરો.

આદુઃ તાજા આદુ પેટના બેક્ટેરિયાને સ્થિર કરી પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સુકા આદુ ફેફસાંને સાફ કરવાનું કામ કરે છે. વધુ અસરકારક બનાવવા આદુ-લીંબુનો જ્યુસ પીવો. જો તમને ગેસની સમસ્યા થતી હોય તો તેનું સેવન બંધ કરો. રોજ 2 ચમ્મચથી વધુ આદુનો રસ ના પીવો જોઈએ.

કાળીમરીઃ કાળીમરીમાં રહેલ પિપેરાઈન ફેફસાંને સાફ કરવામાં મદદ કરે છે તથા ટી-કોશિકાઓમાં સુધારો કરે છે, જેથી સંક્રમણ સામે લડવામાં મદદ મળે છે. કાળીમરી ઈમ્યુન સિસ્ટમને પણ મજબૂત કરે છે. આ કરક્યૂમિન અને બીટા કેરોટીનના અવશોષણમાં સુધારો કરે છે. તેથી તેને વિટામિન-એ સાથેના ફળ સાથે પણ લઈ શકાય છે. ગેસ કે એસિડીટી જેવી સમસ્યા સમયે તેનું સેવન ના કરવું. દિવસમાં 4 ગ્રામથી ઓછી કાળીમરીનું સેવન કરવું.

લસણઃ લસણમાં એલિસિન, ડિસ્લફેટ અને થાયોસલ્ફેટ મળી આવે છે જે ફેફસાંને સુક્ષ્મજીવોથી બચાવે છે અને પાચનતંત્ર સુધારે છે. તેને માછલી સાથે ખાવું લાભદાયી હોય છે કારણે માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે એલિસિન તત્ત્વને વધારવાનું કામ કરે છે. શાકાહારી લોકો માછલીના સ્થાને ફ્લેક્સ સીડ્સનું સેવન કરી શકે છે. જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવતી હોય કે તમને નબળાઈ જેવું લાગતું હોય તો તેનું સેવન ના કરવું. એક દિવસમાં 7 ગ્રામ (એક ચમચથી વધુ) લસણના ખાવું જોઈએ. જો પાઉડર તરીકે લેતા હોવ તો અડધી ચમચી જેટલું જ લેવું જોઈએ.

જીરું અને ધાણાજીરું: જીરું અને ધાણાજીરુંનું એકસાથે સેવન કરવું લાભદાયી છે. જીરામાં ક્યૂમિનલડિહાઈડ અને ફાઈટોકેમિકલ્સ હોય છે જે પેટને સારી રીતે સાફ કરે છે. તેમાં સેલેનિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ તથા પોટેશિયમ જેવા તત્ત્વો મળી આવે છે જે ઈમ્યૂનિટી વધારે છે. જો તમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેનું સેવન ના કરવું જોઈએ. રોજ 600 મિલીગ્રામ જીરું અને એક ગ્રામ ધાણાજીરું કરતા વધુનો ઉપયોગ ના કરવો જોઈએ.

મેથીઃ મેથી એન્ટી ઈન્ફલેમેટરી હોય છે અને બ્લડ શુગર તથા કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. તેમાં રહેલા સક્રિય તત્ત્વ એન્ટીઑક્સીડન્ટ તરીકે કામ કરે છે. મેથીમાં એન્ટીવાયરલ ગુણ પણ હોય છે. અંકુરીત મેથીમાં ઘણા એન્ટીઑક્સીડન્ટ હોય છે અને ભુખ્યા પેટે ખાવાથી બમણો લાભ મળે છે. જો તમને આંતરડાની સમસ્યા હોય તો તેનું સેવન બંધ કરવું. એક દિવસમાં 5 ગ્રામ (એક ચમચી)થી વધુ મેથીનું સેવન ના કરવું નહિંતર લિવરની સમસ્યા થઈ શકે છે.

You cannot copy content of this page