આ મંદિરમાં ક્યારેક નથી ઉઘરાવવામાં આવતો ફંડ-ફાળો, વિધવા માતાઓને જમાડી આપે છે ભેટ

રાજકોટ: તમે એવા અનેક મંદિરો જોયા હશે જ્યાં દાન પેટીથી પૈસા તો ઉઘરાવામાં આવે છે, પણ તેનો સદઉપયોગ નથી કરવામાં આવતો. પણ આ મંદિર અલગ છે. રાજકોટમાં આવેલા જીવંતિકા માતાના મંદિરમાં ક્યારેય કોઈ ફંડ-ફાળા ઉઘરાવવામાં આવ્યા નથી. એટલું જ નહીં લોકો સામેથી દાન આપી જાય એ પણ પૂજારી નથી રાખતાં. દાનની બધી જ રકમ બાળકો પાછળ વાપરવામાં આવે છે.

રાજકોટના રજપૂતપરામાં 150 વર્ષ પૌરાણિક જીવંતિકા માતાજીનું મંદિર આવેલું છે. દેશ-વિદેશના શ્રદ્ધાળું અહીં માતાજીના દર્શને આવે છે. ખાસ કરીને મહિલા શ્રદ્ધાળુઓ પોતાના સંતાનો માટે જીવંતિકા માતાજીનું વ્રત રાખે છે. માતાઓની માનતા જીવંતિકા માતા અવશ્ય પૂર્ણ કરે છે. એટલા માટે જ બાળકોના પ્રિય વસ્તુઓ ચોકલેટ, પીઝા વગેરે અહીં પ્રસાદીરૂપે ધરવામાં આવે છે.

સૌરાષ્ટ્રના એકમાત્ર જીવંતિકા માતાજીના મંદિરમાં જે પણ દાનની રકમ આવે છે કે તે ઝૂંપડપટ્ટીના બાળકો, સરકારી શાળા કે મંદબુદ્ધિના બાળકોની શાળામાં ભોજન તરીકે ખર્ચ કરવામાં આવે છે. જે લોકો માગી નથી શકતા એ માટે દાનની રકમ વાપરવામાં આવે છે. એટલું જ નહીં કોઈ ભક્ત કોઈ વસ્તુનું દાન કરે તો પણ તેનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરી દેવામાં આવે છે.

સામાન્ય રીતે પુણ્ય કાર્ય માટે લોકો બ્રાહ્મણ કે કુંવારિકાઓને જમાડતા હોય છે, પરંતુ જીવંતિકા મંદિરમાં છેલ્લા 30 વર્ષથી વિધવા માતાઓનો જમણવાર કરાય છે. જેમાં ભેટમાં સાડી, દક્ષિણા સહિતની વસ્તુઓ પણ આપવામાં આવે છે.