ગુજરાતમાં અહીં વાજતે-ગાજતે ભાઈની જગ્યાએ બહેન જાન લઈને જાય પરણવા

અમદાવાદ: આપણાં ગુજરાતમાં ગામે-ગામ રીત-રીવાજ અલગ છે. તમને જાણીને નવાઈ લાગશે કે છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની બોર્ડર પાસે આવેલા ત્રણ ગામોમાં પરણવા માટે વરરાજા જાન લઈને જતા નથી. પણ વરરાજાની બહેન જાન લઈને જાય છે. વરરાજાની બહેન ઘોડીએ ચડી જાન લઈને ભાભીના ઘરે જાય છે. જ્યાં તે મંડપ નીચે ફેરા ફરે છે. એટલું જ નહીં નણંદ ભાભીને મંગળસૂત્ર પહેરાવે છે અને સેથામાં સિંદૂર પણ પૂરે છે. પછી ભાભીને લઈને નણંદ પોતાને ઘરે આવે છે.

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતા ગામ સુરખેડા, અંબાલા, અને સનાડામાં આ પરંપરા નિભાવવામાં આવે છે. જેમાં વરરાજા પોતે પોતાની જાનમાં જતા નથી, પણ તેની બહેન જાન લઈને જાય છે. તેના હાથમાં તલવાર, વાંસની એક ટોપલી હોય છે. વરરાજા પોતાના ઘરે શેરવાણી પહેરીને તૈયાર થઈને બેસી રહે છે. ઘરે આવીને પોતાની ભાભી, ભાઈને સોંપે છે અને ત્યારબાદ અમુક વિધિ કર્યા પછી વરરાજા પોતાની પત્ની સાથે ઘર-સંસાર માણી શકે છે.

આ ગામમાં કેટલાય વર્ષોથી કોઈએ પુરુષે પોતાના લગ્ન જોયા જ નથી. ગામના લોકોનું માનવું છે કે જો કોઈએ આ પરંપરાને તોડવાનો પ્રયત્ન કર્યો તો વરરાજાની સાથે તેના આખા પરિવાર સાથે કંઈક ખરાબ થશે.

ગામ લોકોના કહેવા પ્રમાણે આ ત્રણેય ગામોમાં એક-એક કુળ દેવતા હતા. ત્રણેય જીવનભર કુંવારા રહ્યા હતા. એટલે પોતે લગ્ન ન કર્યા તો બીજા કોઈને લગ્ન કરતાં જોઈ શકે નહીં. જો યુવક પોતે પોતાના લગ્નમાં જાય તો કુળ દેવતા નારાજ થઈ જાય, પછી તે યુવક સાથે કંઈ પણ ખરાબ બની શકે છે, તેનું મોત પણ થઈ શકે છે.

આ માન્યતાને કારણે લગ્નવાળા દિવસે વરરાજા ઘરમાં રહે છે અને તેની કુંવારી બહેન ઘોડીએ ચડે છે. જો સગી બહેન ન હોય તો કઝિન પણ જઈ શકે છે, પણ વરરાજા કોઈ કિંમતે ઘરની બહાર નીકળી શકે નહીં. છોટાઉદેપુર જિલ્લામાં અનોખા લગ્ન તરીકે આ ગામની ઓળખ બની છે .