સુરંગ બનાવીને SBIમાંથી સોનું ચોર્યું, 15 દિવસથી પ્લાનિંગ ચાલતું હતું

સ્પેનિશ ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝ મની હાઈસ્ટની જેમ કાનપુરમાં સુરંગ ખોદીને સોનાની ચોરી થઈ હતી. ચોરીની ઘટના કાનપુરની SBI બેંકમાં બની હતી. ચોરોએ પહેલાં પ્લાનિંગ કર્યું, પછી બેંકની પાછળથી 8 ફૂટની સુરંગ ખોદીને લગભગ 2 કિલો સોનું ઉપાડી લીધું. આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી. પોલીસનું માનવું છે કે આ ઘટના માટે ચોરોએ 15 દિવસ સુધી પ્લાનિંગ કર્યું હોવું જોઈએ. પોલીસને બેંકના ઉચ્ચ અધિકારીઓ પર પણ શંકા છે. એટલું જ નહીં બેંકની પાસે પોલીસની હાજરી હોવા છતાં ચોરોએ કોઈને ગંધ પણ આવવા દીધી નહોતી.

એવી સુરંગ બનાવી જે સ્ટ્રોંગરૂમમાં ખુલે
ચોરોએ બેંકના પાછળના ભાગમાંથી સુરંગ બનાવી હતી. જે સીધી સ્ટ્રોંગ રૂમમાં જતી હતી. પછી ડ્રીલ મશીન વડે ટાઈલ્સ તોડીને નીચેથી ઉપર તરફ અંદર ઘુસ્યા. સ્ટ્રોંગ રૂમના લોકરને ગેસ કટર વડે કાપીને અંદાજે 2 કિલો સોનું ચોરી લીધું. ચોરોએ એટલી સફાઈથી કામ કર્યું કે બેંકનું એલાર્મ પણ વાગ્યું નહીં. ગુરુવારે સવારે જ્યારે બેંક સ્ટાફ પહોંચ્યો ત્યારે ઘટના પ્રકાશમાં આવી.

સોનું લઈ લીધું, પણ લાખોની રોકડ બચી ગઈ
ચોરીની માહિતી મળતાં જ પોલીસ કમિશનર બી.પી.જોગદંડે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. અહીં એક રસપ્રદ વાત બહાર આવી છે કે સોનાની બાજુમાં જ બીજું એક બોક્સ રાખવામાં આવ્યું હતું. તેમાં 35 લાખ રૂપિયા હતા, પરંતુ ચોરોએ તેને હાથ પણ લગાવ્યો ન હતો. પોલીસનું માનવું છે કે ચોરોને બેંકની અંદર ઘૂસીને સોનાની ચોરી કરવામાં ઘણો સમય લાગ્યો હશે, જેના કારણે તેઓ રોકડ છોડી ગયા હતા.

પોલીસ બહાર બેઠી રહી અને બેંક અંદરથી લૂંટાઈ
સવાલ એ થાય છે કે ચોરોએ આ બેંકને જ કેમ પસંદ કરી? બ્રાન્ચ મેનેજર નીરજ રાયે કહ્યું કે આ બેંકની પાછળ કોઈ ઘર નથી અને કોઈ રહેતું નથી. જ્યારે ચોર સુરંગ ખોદીને ડ્રિલિંગ કરી રહ્યા હતા ત્યારે કોઈને ખબર પણ ના પડી. મેનેજરે જણાવ્યું કે રાત્રે ચોર બેંકની પાછળ પહોંચ્યા. દીવાલ જૂની હતી. આસાનીથી તોડી નાંખી, પછી સુરંગ ખોદીને સોનું ચોર્યું. આ બેંકની સામે પોલીસ પિકેટ પોઈન્ટ પણ છે. ઘટનાની રાત્રે પણ પોલીસની પીઆર વાન 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી ઊભી હતી. તેમ છતાં પણ ચોરોએ બેંકમાં સરળતાથી સુરંગ બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો.

20 દિવસ પહેલાં જ ગોલ્ડ સેફ દીવાલમાં ચણી
પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે 20 દિવસ પહેલાં બેંક મેનેજમેન્ટે ગોલ્ડ સેફ અને રોકડની તિજોરીને દીવાલમાં ચણાવી હતી. આ કામ માટે મજૂર-મિસ્ત્રી સ્ટ્રોંગ રૂમની અંદર ગયા હતા. તમામ લેબર મિકેનિક્સની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જે સોનું ચોરાયું છે તે સોનું 29 લોકોનું છે. તેને સોના સામે લોન હેઠળ બેંકમાં રાખવામાં આવ્યું હતું. પોલીસ તેમને પણ શોધી રહી છે.

15 દિવસ પહેલાં 11 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, બધા બંધ હતા
પૈસાની ચોરી કરનાર પ્રોફેસરની જેમ ચોરોએ બેંકના તમામ સીસીટીવી કેમેરા સ્વીચ ઓફ કરી દીધા હતા. બેંક મેનેજરે જણાવ્યું કે 15 દિવસ પહેલાં બેંકમાં 11 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. ઘટનાની રાત્રે કેમેરાએ અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. આનાથી પોલીસની શંકા વધુ ઘેરી બની હતી કે ચોરી પહેલાં આ કેમેરા કેવી રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા.

બેંકની ડિઝાઇનની તમામ જાણકારી હતી
ચોરોનું આયોજન એટલું ચોક્કસ હતું કે તેઓ બેંકમાં પ્રવેશવા માટે સુરંગ બનાવે છે. તે સીધી સ્ટ્રોંગ રૂમમાં ખુલે છે. તેઓ ફ્લોર તોડે છે, પછી ચોરી કરે છે અને ત્યાંથી પાછા ફરે છે. એનો અર્થ એ કે તેની પાસે બેન્કની ડિઝાઈન હતી.

15 ફિંગરપ્રિન્ટથી ચોર સુધી પહોંચવાનો પ્રયાસ
સ્ટ્રોંગ રૂમની તપાસ દરમિયાન તૂટેલી સોનાની તિજોરીમાંથી 9 અને છ સીસીટીવી કેમેરા પર ફિંગરપ્રિન્ટ મળી આવ્યા હતા. પોલીસે બેંક કર્મચારીઓના ફિંગર પ્રિન્ટ મેચ કરવાનું શરૂ કર્યું છે. બેંકના સ્ટ્રોંગ રૂમમાં અમુક ખાસ કર્મચારીઓ જ પહોંચી શક્યા હતા. એટલું જ નહીં છેલ્લા 20 દિવસમાં બેંકમાં અનેક ફેરબદલ થયા છે. ચોરો પણ તેમના વિશે જાણતા હતા. હવે પોલીસને બેંક સ્ટાફ પર શંકા છે. આથી પોલીસ દરેક કર્મચારીના લોકેશન અને કોલ ડિટેઈલ ચેક કરી રહી છે.

પકડાઈ જવાના ડરથી રોકડ ન લઈ ગયા
પોલીસ એવું માની રહી છે કે સોનાની ચોરી કરવા માટે વહેલી સવાર થઈ હશે. પકડાઈ જવાના ડરથી તેણે રોકડ રકમ સ્થળ પર જ છોડી દીધી હતી. તેઓ માત્ર સોનું લઈને ભાગી ગયા હતા.

11 વાગ્યા સુધી બેંકમાં કર્મચારીઓ હતા
બેંક મેનેજર નીરજે જણાવ્યું કે બેંકમાં લગભગ 15 દિવસથી ઓડિટ ચાલી રહ્યું છે. જેના કારણે ઓડિટ ટીમ અને બેંકના કેટલાક કર્મચારીઓ લગભગ 11 વાગ્યા સુધી ત્યાં જ હતા. તેમણે જણાવ્યું કે આ 1969ની SBIની શાખા છે. વર્ષ 1997માં પણ અહીં સોનાની ચોરી થઈ હતી.

ચોર સોનું લેવા માટે વાહન લઈને આવ્યા હોવાની શંકા
પોલીસે કાનપુરના સરહદી વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે. બેંક તરફ આવતા તમામ માર્ગો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કારણ કે, આટલું સોનું લઈ જવા માટે બદમાશોને મોટા વાહનની જરૂર પડી હશે. આવી સ્થિતિમાં પોલીસની ટીમ માર્કેટના CCTVમાં શંકાસ્પદ વાહનોને શોધી રહી છે. જેથી ચોરોને શોધી શકાય.