સુરતમાં તુલસીભાઈ માંગુકિયા પોક મૂકીને રડ્યા, શોકનું મોજું ફરી વળ્યું

દીકરાની જેમ ઉછેરેલાં 11 સંતાનને બેરહેમીપૂર્વક કાપી એમાં એસિડ જેવું જ્વલંત પ્રવાહી છોડાયું છે. 6થી 7 જેટલા લુખ્ખાઓ એ નથી જાણતા, પણ તેમના ઘા વૃક્ષ પર નહીં, અમારા શરીર પર કોરડા વીંઝતા હતા, આ શબ્દો છે ગ્રીન આર્મી ગ્રુપના તુલસીભાઈ માંગુકિયાના.

યોગીચોક નજીક કિરણચોક ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. વૃક્ષારોપણની શરૂઆત કરનારી ટીમના અગ્રણી તુલસીભાઈ માંગુકિયા સહિત સભ્ય પોક મૂકીને રડ્યા હતા. કોઈ મોટી દુર્ઘટના બની હોય અને પરિવારમાં મરણ થઈ ગયું હોય એવું શોકનું મોજું ફરી વળ્યું હતું. વૃક્ષ છેદનનું કૃત્ય કરનારી વ્યક્તિ સામે રોષ ભભૂકી ઊઠ્યો હતો તો બીજી બાજુ, લાગણીસભર વાતાવરણમાં 24 ડિસેમ્બર સાંજના સમયે વૃક્ષોની શોકસભાનું આયોજન કરાયું છે.

ગ્રીન આર્મીની ટીમ જ નહીં, પરંતુ આમ જનતામાં પણ રોષ
ગ્રીન આર્મીના 300 યુવાનની ટીમ દ્વારા 365 દિવસ દરરોજ વહેલી સવારે પાંચથી સાત વાગ્યાના અરસામાં જુદા જુદા વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. માત્ર વૃક્ષો રોપીને કાર્ય પૂર્ણ કરવું એટલું જ નહીં, પરંતુ એ વૃક્ષોને વર્ષો સુધી જતન કરવાનું અને નિયમિત રીતે એની દેખરેખ રાખવાનું કામ પણ ગ્રીન આર્મી કરે છે. ખૂબ જ મહેનતથી રોપેલાં અને ઉછેરેલાં વૃક્ષોનું કિરણચોક વિસ્તારમાં કોઈએ છેદન કરી નાખતાં માત્ર ગ્રીન આર્મીની ટીમ જ નહીં, પરંતુ આમ જનતામાં પણ રોષ જોવા મળ્યો હતો.

ત્રિકોણ સર્કલ ખાતે શોકસભા યોજાશે
ગ્રીન આર્મીના મનસુખભાઈ કાસોદરિયાએ જણાવ્યું હતું કે વૃક્ષ સાક્ષાત્ ભગવાનનું સ્વરૂપ છે, અમારી ઓફિસમાં પણ અમે ભગવાન પહેલા વૃક્ષને નમસ્કાર કરીને આગળ વધીએ છીએ. અમારા ગ્રુપમાં બધા જ લાગણીથી જોડાયેલા છે. કોઈ વ્યક્તિને કોઈપણ પ્રકારનો સ્વાર્થ નથી. માત્ર રાષ્ટ્રના હિત માટે પર્યાવરણના હિતમાં દરરોજ વહેલી સવારે ઊઠીને કામ કરીએ છીએ. અમારી સાથે તમામ જ્ઞાતિ ધર્મના તેમજ બધા જ રાજકીય પક્ષના લોકો પણ ભેદભાવ વગર જોડાયેલા છે. આ ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. માત્ર અમે એ જોવા માગીએ છીએ કે શોકસભામાં કેટલા લોકો આવે છે. અમે જે કાર્ય કરીએ છીએ એમાં અમારું પીઠબળ મજબૂત કરવા માટે એસ.એમ.સી, પોલીસતંત્ર, રાજકીય પક્ષ કે સમાજ કેવી રીતે ઊભા રહે છે.

3 વર્ષથી દીકરાની જેમ વૃક્ષોની માવજત કરતા હતા
ગ્રીન આર્મી ગ્રુપના સ્થાપક તુલસી માંગુકિયાએ જણાવ્યું હતું કે કિરણચોક નજીકના ત્રિકોણ સર્કલ ફરતેનાં વૃક્ષોને સતત 3 વર્ષથી દીકરાની જેમ મોટા કર્યાં હતાં. બેરહેમીપૂર્વક એક પછી એક 11 વૃક્ષને કાપી એમાં એસિડ જેવું જ્વલંત પ્રવાહી છોડાયું છે. આ ક્રૂરતા માત્રથી કંપારી છૂટી જાય છે. CCTVમાં દેખાતા 6થી 7 જણાએ આ કૃત્ય કેમ કર્યું હશે? એ નથી જાણતા, તેમના ઘા વૃક્ષ પર નહીં, અમારા શરીર પર કોરડા વીંઝતા હતા. ઘટના મામલે વરાછાના 300 જેટલા પર્યાવરણપ્રેમીઓ સ્તબ્ધ છે.

નિકંદનથી ભારે રોષ, આજે સાંજે શોકસભા યોજી વિરોધ
વૃક્ષ ઉછેરનાર તુલસી માંગુકિયા કપાયેલી ડાળીઓ જોઇ સ્થળ પર જ અડધો કલાક સુધી પોક મૂકીને રડ્યા હતા. આશરે 70 વર્ષના તુલસી માંગુકિયા છેલ્લાં ઘણાં વર્ષોથી વૃક્ષારોપણનું કાર્ય કરે છે. ઘટના પછી તેમના આક્રંદને પગલે સ્થળ પર ટોળાં જામી ગયાં હતાં. રાજકીય નેતાઓ પણ દોડી આવ્યા હતા. ઘટના બાદથી સ્થાનિક પર્યાવરણવાદીઓમાં રોષ ફેલાયો છે. એટલું જ નહીં, તેમણે શનિવારે વૃક્ષારોપણ કામગીરીથી અળગા રહી શનિવાર(આજે) રાત્રે 8.30 વાગ્યે યોગીચોકના ત્રિકોણ સર્કલ ખાતે શોકસભાનું પણ આયોજન કર્યું છે.

ટીખળખોરોને ઝબ્બે કરવા CCTV ચકાસાયા
સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ વિરલ એલ. પટેલે જણાવ્યું હતું કે ઘટનાને પગલે સ્થળ તપાસ કરી છે. વૃક્ષોના નિકંદન મામલે અરજી મળતાં આ કૃત્ય કરનારાઓને ઝબ્બે કરવા નજીકના તમામ CCTV ફૂટેજની ચકાસણી પણ કરાઇ છે.

ગ્રીન આર્મી અંગે જાણો
ગ્રીન આર્મીની શરૂઆત ચાર વર્ષ પહેલાં તુલસીભાઈ માંગુકિયા, વિપુલભાઈ સાવલિયા, હીરાદાદા કાકડિયા દ્વારા કરવામાં આવી હતી. આજે ગ્રીન આર્મીમાં તેમની સાથે 300 જેટલા સભ્યો છે. વર્ષ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવે છે. ચાર વર્ષની અંદર 15,000 જેટલાં વૃક્ષો લગાવી દેવામાં આવ્યાં છે. ગયા વર્ષે 3,600 જેટલાં વૃક્ષો લગાવવામાં આવ્યાં છે.

છોડ એક મોટા રોપામાં પરિવર્તિત થાય ત્યાં સુધીની જવાબદારી
આ કાર્ય તો 365 દિવસ શરૂ રહે છે. ગ્રીન આર્મી છોડ લગાવીને જતા નથી રહેતા, પરંતુ એ છોડ એક મોટા રોપામાં પરિવર્તિત થાય અને ત્યાર બાદ તે એક ઝાડ બને એની ખાસ કાળજી આસપાસના રહીશો દ્વારા અને તેમના દ્વારા લેવામાં આવે છે. કોઈ ઝાડ નમી જાય તો એને ટેકો આપવો અથવા તેને ગાય કે બીજું કોઈ પશુ ખાઈ ન જાય કે તોડી ન નાખે એની પણ ખાસ દેખરેખ એને એક જાળીમાં રાખી એનું જતન રાખવામાં આવે છે.

લોકો જન્મદિવસે વૃક્ષારોપણ કરતા થયા
30થી 35 લોકો વારાફરતી ફરજિયાત કામ કરે છે. ગ્રીન આર્મી સાથે ઘણી વખત લોકો તેમના જન્મદિવસ પર આવે છે અને તેમની સાથે વૃક્ષારોપણ કરે છે અને જો કોઈ આવી નથી શકતો તો તેમના જન્મદિવસ નિમિત્તે અથવા કોઈની પુણ્યતિથિ અર્થે દિન આર્મીને ફાળો આપે છે.,જેનો ઉપયોગ વૃક્ષારોપણ અને તેના જતન માટે થાય છે. શરૂઆતમાં તો પોતે જ પોતાના પૈસા ખર્ચે વૃક્ષારોપણ કરવાની શરૂઆત કરી હતી.