ભીખ માંગીને જીવતો હતો બાળક, એવું શું થયું કે રાતોરાત બની ગયો કરોડપતિ

કહેવાય છે ને કે નસીબ સાથ આપે તો માણસ ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભીખ માંગીને જીવન જીવતો બાળક રાતોરાત કરોડપતિ બની ગયો હતો. ફિલ્મની પણ ટક્કર મારે એવા આ બનાવે બઘાને ચોંકાવી દીધા છે. કોઈને વિશ્વાસ નથી આવતો કે આવું પણ બની શકે.

પતિના મોત બાદ માતા પિયર ચાલી ગઈ
વાત એમ છે કે ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના પંડોલી ગામે રહેતી ઈમરાના નામની મહિલા પતિના મોત પછી પોતાના સાસરિયાથી નારાજ થઈને પિયર ચાલી હરિયાણા ચાલી ગઈ હતી. તે પોતાના દીકરા શાહઝેબને પણ સાથે લઈ ગઈ હતી. જોકે તેના સાસરિયાવાળાએ ખૂબ મનાવવાનો પ્રયત્ન કર્યો પણ તે ન માની અને પાછી ન આવી.

પિતા બાદ માતાનું પણ મોત થતા શાહઝેબ અનાથ બની ગયો
દરમિયાન કોરોનાકાળમાં ઈમરાનાનું મોત થઈ ગયું. દીકરો શાહઝેબ એકલો રહી ગયો. માતા-પિતાના મોત પછી શાહઝેબ રોડ પર આવી ગયો હતો. લોકડાઉનમાં તે ભીખ માંગવા પર મજબૂર બની ગયો હતો. તેણે ચાની દુકાને પણ કામ કર્યું હતું.

વસિયતમાં પૌત્રને બે કરોડની સંપત્તિ આપીને દાદાએ અલવિદા કહ્યું
બીજી તરફ બાળક શાહઝેબના પંડોલી ગામે રહેતા દાદા યાકુબનું પણ નિધન થયું. પણ તેમણે મરતા પહેલા પોતાના પૌત્ર શાહઝેબના નામે પોતાની અડધી સંપત્તિ વસિયત કરી આપી હતી. વર્ષ 2021માં યાકુબના મોત બાદ વસિયત અમલમાં આવી હતી. અને આ સાથે જ અને 5 વીધા જમીન, બે માળનું મકાન અને બીજી સંપત્તિ શાહઝેબના નામ પર થઈ ગઈ. જેની કિંમત બે કરોડ રૂપિયા જેટલી હતી.

પરિવારને માંડ માંડ શાહઝેબ મળ્યો
યાકુબના મોત બાદ વસિયતમાં શાહઝેબનું નામ હોવાથી કૌટુંબિક ભાઈઓએ શાહઝેબની ખૂબ શોધખોળ આદરી હતી, પણ તે મળ્યો નહોતો. તે ક્યાં રહે છે, શું કરે છે કોઈને ખબર નહોતી. પરિવારના લોકોએ ચારેતરફ તેને શોધવાનું શરુ કર્યું, જેમ તેમ કરીને તેમને ખબર પડી કે બાળક પિરાન કલિયારમાં ભિખારી બનીને લોકો પાસે ભીખ માગી રહ્યો છે. પરિવારના લોકો તુરંત ત્યાં આવી પહોંચ્યા અને બાળકને પોતાની સાથે લઈ ગયા.

આખો પરિવાર ખુશ
શાહઝેબના એક સંબંધી શાહ આલમે જણાવ્યું હતું કે આ અમારા પરિવાર માટે તહેવારથી જરાયે ઉતરતું નથી કે, હવે શાહઝેબ અમારી સાથે રહે છે. અમે તેને શોધવાની તમામ આશા પર નિરાશ થઈ ગયા હતા. અમે તેનો ફોટો સોશિયલ મીડિયા પર નાખ્યો હતો. પણ તેનાથી વધારે ફાયદો મળ્યો નહી. ધીમે ધીમે હવે અમે બધા હળીમળીને રહેવા લાગ્યા છીએ, પણ બાળકને હજુ થોડો સમય લાગશે. આટલી નાની ઉંમરમાં એણે ઘણી બધી દુનિયા જોઈ લીધી છે.