બાળપણથી જ હતું IPS બનવાનું સપનું, આ દબંગ મહિલા અધિકારીથી થરથર કાંપે છે ગુનેગારો

રાયપુર: છત્તીસગઢમાં આજકાલ લેડી IPS અંકિતા શર્માની ચર્ચા છે. હાલમાં કોંગ્રેસના મહિલા ધારાસભ્ય શકુંતલા સાહુ સાથે વિવાદના કારણે લાઈમ લાઈટમાં આવેલા IPS અંકિતા શર્માના ફોટો અને તસવીરો વાઈરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર આ લેડી IPS ઓફિસર ખૂબ લોકપ્રિય છે. તેમની ફેન ફોલોઈંગ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી. ફક્ત ઈન્સ્ટાગ્રામ પર જ અંકિતાના 50 હજારથી વધુ ફેન ફોલોઈંગ છે. જ્યારે તેમનું એકાઉન્ટ બન્યું તેના માંડ 8થી 10 મહિના થયા છે.

 

30 વર્ષના આઈપીએસ અંકિતા મૂળ દુર્ગના રહેવાશી છે. તેમણે જણાવ્યું હતું કે તેમનું શરૂઆતથી જ આઈપીએસ બનવાનું સપનું હતું, જે બે વર્ષ પહેલાં 2018માં ત્રીજા પ્રયત્નમાં પૂરું થયું હતું.

 

અંકિતા શર્માએ વર્ષ 2018માં યુપીએસની પરીક્ષામાં 203મી રેન્ક મેળવી હતી. અંકિતા હોમ કેડર મેળવનારી છત્તીસગઢની પહેલી મહિલા આઈપીએસ બની છે.

 

અંકિતાએ દુર્ગથી ગ્રેજ્યુએશન કર્યા પછી એમબીએ કર્યું છે. પછી તેઓ યુપીએસસીની તૈયાર કરવા માટે દિલ્હી ગયા હતા. જ્યાં છ મહિનાના કોચિંગ લઈને પરત ફર્યા હતા અને ઘરમાં જ સેલ્ફ સ્ટડી કર્યું હતું.

 

મીડિયા સાથે તેમણે પોતાની જર્ની શેર કરતાં જણાવ્યું હતું કે ચોથા ધોરણમાં જ મમ્મી મને કહેતા હતા કે દીકરી તારે મોટા થઈને કિરણ બેદી બનવાનું છે.

 

અંકિતાએ જણાવ્યું હતું કે મારો ઉછેર છોકરાની જેમ થયો છે. વાળ નાના રાખતી હતી અને છોકરાઓની જેમ આંગળીઓથી વાળ પાછળની બાજુ ફેરવતી રહેતી હતી. મારા લક્ષણો ટોમ બોય જેવા હતા. એટલા માટે સ્કૂલ અને કોલેજ ફ્રેન્ડ મને ટોમ બોય અને સંજુ બાબાના નામથી બોલાવતા હતા.

 

અંકિતા શર્માના પિતા રાકેશ શર્મા છત્તીસગઢના બિઝનેસમેન છે. જ્યારે માતા સવિતા શર્મા હાઉસ વાઈફ છે. પરિવારમાં અંકિતા ત્રણ બહેનો છે.

 

અંકિતાએ જણાવ્યું હતું કે યુપીએસ તૈયારી દરમિયાન મારા લગ્ન થઈ ગયા હતા. પતિ વિવેકાનંદ શુક્લા આર્મીમાં મેજર છે અને હાલમાં મુંબઈમાં પોસ્ટેડ છે. ડ્યૂટી દરમિયાન પતિની જમ્મુ-કાશ્મીર, હૈદરાબાદ, ઝાંસી જેવા શહેરોમાં ટ્રાન્સફર થઈ હતી, ત્યારે તેની સાથે રહીને બે વખત યુપીએસસીની પરીક્ષા આપી હતી પણ સફળતા મળી નહોતી.

 

નોંધનીય છે કે છત્તીસગઢ રાજ્યના ઈતિહાસમાં પહેલી વખત કોઈ મહિલા પોલીસ ઓફિસર ગણતંત્ર દિવસની પરેડની કમાન સંભાળતી જોવા મળી હતી. ગત્ 26 જાન્યુઆરીએ રાયપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ટ્રેઈની આઈપીએસ અંકિતા શર્માએ પરેડનું નેતૃત્વ કર્યુ હતું.