7 મહિનાના બાળકને ખોળામાં તેડીને વહુએ લગ્નના સાત ફેરા ફર્યાં, ગામના લોકો જોતાં રહી ગયા

અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. કેટલાક લગ્નમાં અનોખા કિસ્સા દર વખતે જોવા મળતાં હોય છે. ફેબ્રુઆરી 2020માં થયેલાં લગ્નનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. આ લગ્નની તે સમયે ખૂબ ચર્ચા પણ થઈ હતી. આ વિચિત્ર કિસ્સો મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લાનો હતો. અહીં લગ્નમાં વહુ અને વરના ખોળામાં 7 મહિનાનું બાળક જોઈ લોકો સ્તબ્ધ થઈ ગયાં હતાં. વહુ અને વરના ખોળામાં રહેલું બાળક તેમનું ખુદનું હતું. આ અનોખા લગ્ન અંગે લોકોને જાણ થતાં તેઓ પણ બે ઘડી આશ્ચર્યમાં પડી ગયાં હતાં. જોકે, આ આખી ઘટના અંગે અમે તમને વિસ્તારપૂર્વક જણાવીએ.

બાળકને ખોળામાં તેડીને ફેરા ફર્યાં
છત્તરપુર જિલ્લાના કુમ્હાર ટોલા ગામમાં ફેબ્રુઆરી 2020માં એક અનોખા લગ્ન યોજાયા હતાં. આ લગ્નમાં કરણ અને નેહા ફેરા ફરતાં હતાં ત્યારે તેમના ખોળામાં 7 મહિનાનું એક બાળક પણ સાથે હતું. આ બાળકનું નામ શિવાંશ છે જે તેના માતા-પિતાના લગ્નની દરેક વિધિમાં સામેલ પણ થયો હતો. લગ્નમાં સામેલ થયેલાં મહેમાનો પણ આ જોઈ સ્તબ્ધ થઈ ગયાં હતાં અને એવું કહેતાં હતાં કે, અમે આ પહેલાં ક્યારેય આવાં લગ્ન જોયા નથી.

વર્ષ 2018માં બંનેએ ભાગીને લગ્ન કર્યાં હતા
છત્તરપુર જિલ્લાના રહેવાસી પપ્પુ અહિરવારનો દીકરો કરણ દિલ્હીમાં રહેતો હતો. એકવાર તે ગામડે આવ્યો ત્યારે પાડોશમાં રહેતી નેહા સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. છોકરો-છોકરી બંને અલગ અલગ જ્ઞાતિના હોવાથી પરિવારના લોકો લગ્ન માટે માન્યા નહીં. આ પછી કરણ નેહાને ભગાડીને દિલ્હી લઈ ગયો હતો. જ્યાં બંનેએ 17 ફેબ્રુઆરી 2018માં આર્ય સમાજમાં લગ્ન કર્યા લીધા હતા. આ પછી 22 જૂન 2019માં તેમના ઘરે દીકરાનો જન્મ થયો હતો. જેનું નામ શિવાંશ રાખ્યું હતું.

આ કારણે થયાં બીજા લગ્ન
જ્યારે નેહા અને કરણના ઘરવાળાને જાણ થઈ કે બંનેને એક દીકરો છે, તો તેઓ મનભેદ ભૂલી ગયાં અને બંનેને દિલ્હીથી પાછા ગામડે બોલાવી લીધા હતાં. આ સાથે જ તેમના બીજા લગ્ન પણ કરાવવાનો નિર્ણય કર્યો હતો. તેમના પરિવારે કાયદેસરની કંકોત્રી છપાવી અને સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે બંનેના ફરી લગ્ન કરાવ્યા હતાં. આ દરમિયાન તેમનો 7 મહિનાનો દીકરો શિવાંશ પણ તેના માતા-પિતાના લગ્નમાં સામેલ થયો હતો.