લગ્નમાં પત્નીએ પતિને પહેરાવ્યું મંગળસૂત્ર તો આવું હતું માતા-પિતાનું રિએક્શન…

મુંબઈઃ મંગળસૂત્ર લગ્ન જીવનનું સૌથી મોટું પ્રતિક મનાય છે. જેને મહિલાઓ પોતાના ગળામાં પહેરતી હોય છે. એવું મનાય છે કે મહિલાના મંગળસૂત્ર પહેરવાથી પતિની રક્ષા થાય છે અને પતિના જીવનમાંથી તમામ સંકટ દૂર થાય છે. પરંતુ શું તમે ક્યારેય કોઈ દુલ્હનને પોતાના પતિને મંગળસૂત્ર પહેરાવતા જોયો છે? તમને થતું હતું કે આવું કોણ કરતું હશે? પરંતુ શાર્દુલ કદમ નામના વ્યક્તિએ પોતાના લગ્નમાં પત્નીના હાથે મંગળસૂત્ર પહેર્યું હતું. જેની તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ રહી છે.

તનુજા અને શાર્દુલના લગ્ન અનોખી રીતે થયા હતા. બંનેએ લગ્નમાં એકબીજાને મંગળસૂત્ર પહેરાવ્યા હતા. શાર્દુલે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે,જ્યારે તેને પત્ની તનુજાએ મંગળસૂત્ર પહેરાવ્યું તો તે ઘણો ખુશ થયો હતો.

શાર્દુલે એકવાર તનુજાને સવાલ કર્યો હતો કે,‘એવું કેમ કે માત્ર એક યુવતીએ જ મંગળસૂત્ર પહેરવું પડે. આ વાતનો તો કોઈ અર્થ રહેતો નથી.’ આ કારણે શાર્દુલ અને તનુજાએ લગ્નમાં એકબીજાને મંગળસૂત્ર પહેરાવવાનો નિર્ણય કર્યો હતો.

શાર્દુલે જણાવ્યું કે તે તનુજાને કોલેજમાં મળ્યો હતો. પરંતુ તેમની લવ સ્ટોરી ગ્રેજ્યુએશનના 4 વર્ષ બાદ શરૂ થઈ હતી. જે પછી બંનેએ 1 વર્ષની ડેટિંગ બાદ 5 મહિના અગાઉ 24 ડિસેમ્બર 2020ના એકબીજા સાથે લગ્ન કર્યા હતા.

વાસ્તવમાં તનુજાએ ઈન્સ્ટાગ્રામ પર એક સિંગરના ગીતને ટોર્ચર ગણાવી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ પોસ્ટ પર શાર્દુલે ગીતને મહાટોર્ચર ગણાવ્યું હતું. આ ઘટના બાદ બંનેમાં વાતચીત શરૂ થઈ હતી.

બંનેએ મંગળસૂત્ર પહેરવાનો નિર્ણય કર્યો તો માતા-પિતા, સંબંધીઓ ચોંક્યા હતા. જોકે શાર્દુલે મંગળસૂત્રને સમાનતાનું પ્રતિક ગણાવતા પરિવારજનોએ આ નિર્ણયને આવકાર્યો હતો. જોકે સોશિયલ મીડિયા પર કપલને ટ્રોલ કરવામા આવ્યા હતા.

તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ અમુક લોકોએ શાર્દુલને ‘હવે સાડી પણ પહેરી લે’ કહી ટોણાં માર્યા હતા. કપલે કહ્યું કે, પ્રારંભમાં અમુક સમસ્યા થઈ પરંતુ હવે ટ્રોલિંગથી કોઈ ફેર પડતો નથી. ઘણા લોકોએ કપલના નિર્ણયની પ્રશંસા પણ કરી હતી. તેમણે શાર્દુલના નિર્ણય પર ગર્વની લાગણી થતી હોવાની વાત કહી હતી.