કોની ચિત્તા પર આ મહિલા ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે? હ્રદયસ્પર્શી બનાવથી અનેક લોકો રડી પડ્યા

નાગોરઃ ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધનના દિવસે રાજસ્થાનના નાગોરમાં આંખો ભીની કરી દેતી ઘટના બની છે. નાગોરના હરસૌર ગામના ચિરંજીવલાલ બીએસએફમાં હેડ કોન્સ્ટેબલ હતા. ચિરંજી સ્વતંત્રતા દિવસ પર દિલ્હીમાં પરેડમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેમનું હાર્ટ અટેકથી મોત થયું હતું. 17 ઓગસ્ટે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ચિરંજીએ પોતાની બહેન લક્ષ્મીને કહ્યું હતું કે આ વખતે તે ઘરે આવીને રાખડી બાંધે, કારણ કે છેલ્લાં ચાર વર્ષથી તે ઘરે આવી નહોતી. અંતે બહેને ભાઈની ચિતા પર જઈને રાખડી બાંધી હતી. પરંપરા પ્રમાણે, અંતિમ સંસ્કાર બાદ ફૂલ લીધા બાદ ચિતા પર ત્રીજા દિવસે લાકડાની ટિમચી (ત્રિપાદુકા) પર પાણીથી ભરેલી એક માટલી મૂકવામાં આવે છે. આ 12 દિવસ સુધી ચિતા પર જ રહે છે.

લક્ષ્મી રક્ષાબંધનના દિવસે સવારે પોતાની ભત્રીજી એટલે કે ચિરંજીની દીકરી સાંચીની સાથે સ્માશન આવી હતી. તેણે ટિમચીને રાખડી બાંધી હતી. રાખડી બાંધતી વખતે બહેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. તેણે કહ્યું હતું કે તેનો ભાઈ દેશ માટે શહીદ થયો અને તેને ગર્વ છે કે આજે તે શહીદની બહેન તરીકે ઓળખાય છે.

13 ઓગસ્ટે ભાઈ મળવા આવ્યો હતોઃ લક્ષ્મીએ કહ્યું હતું કે તેનો ભાઈ ચિરંજી 6 વર્ષ મોટો હતો. છેલ્લે તેણે 2017માં રાખડી બાંધી હતી. ગયા વર્ષે કોરોનાને કારણે તે રાખડી મોકલાવી શકી નહોતી અને આ કારણે ભાઈ ઘણીવાર તેને બોલતો હતો. 13 ઓગસ્ટે ચિરંજી તેને મળવા જયપુર આવ્યો હતો.

આ સમયે ચિરંજીએ કહ્યું હતું કે ગઈ વખતે રાખડી મોકલી નહોતી. આ વખતે તું હરસૌર જ આવશે. તે પણ રક્ષાબંધનના દિવસે ગામડે આવશે. આ સાથે જ કહ્યું હતું કે તે બહેનના હાથે બનાવેલું ભીંડાનું શાક જમશે. વાતવાતમાં બંને દીકરીઓના લગ્નની જવાબદારી પણ આપી હતી. તેને તે સમયે ખ્યાલ ના આવ્યો કે ભાઈ કેમ આમ કહે છે. 1997માં જ્યારે તેના લગ્ન થયા ત્યારે ચિરંજીએ જ કન્યાદાન આપ્યું હતું.